Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકના લેખાજોખા

2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે વિજાપુર સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૬માં નંબરની બેઠક છે. વિજાપુર બેઠક સામાન્ય બેઠક છે. વિજાપુર બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. વિજાપુર બેઠકમાં વિજાપુર શહેર સહિત સમસ્ત વિજાપુર તાલુકાનો સમાવેશ થાય છે. વિજાપુર બેઠકમાં કુલ 2,19,829 મતદારો છે.

વિજાપુર બેઠકની ઉત્તરે ઊંઝા બેઠકમાં સમાવિષ્ટ વડનગર તાલુકો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ બેઠકો, દક્ષિણમાં ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક અને પશ્ચિમમાં મહેસાણા જિલ્લાની મહેસાણા અને વિસનગર બેઠકો આવેલી છે.

વિજાપુર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રમણભાઈ પટેલ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે માત્ર 1164 મતની પાતળી સરસાઈથી જીત્યા હતાં.

વિજાપુર બેઠકનો હાર જીતનો ઈતિહાસ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 ગંગારામ રાવલ કોંગ્રેસ 5752
1967 ગંગારામ રાવલ કોંગ્રેસ 2252
1972 ગંગારામ રાવલ કોંગ્રેસ 7685
1975 એ.કે. પટેલ અપક્ષ 9592
1980 એ.કે. પટેલ ભાજપ 12216
1985 નરેશ રાવલ કોંગ્રેસ 321
1990 નરેશ રાવલ કોંગ્રેસ 1797
1995 આત્મારામ પટેલ ભાજપ 7086
1998 નરેશ રાવલ કોંગ્રેસ 10156
2002 કાંતિભાઈ પટેલ ભાજપ 26706
2007 કાંતિભાઈ પટેલ ભાજપ 14266
2012 પ્રહલાદ પટેલ કોંગ્રેસ 8759
2017 રમણભાઈ પટેલ ભાજપ 1164

આમ, વિજાપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ સૌથી વધુ 7 વાર, ભાજપ 5 વાર અને અપક્ષ 1 વાર વિજયી થઈ ચૂક્યા છે. વિજાપુર વીઆઈપી વિધાનસભા વિસ્તાર રહ્યો છે. એક સમયે ગુજરાત ભાજપનું મોટું માથું એ.કે. પટેલ અહીંયાંથી 1975માં અપક્ષ તરીકે અને 1980માં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયા હતાં. 1985માં આખા ભારતમાં લોકસભામાં ભાજપના માત્ર 2 સભ્યો ચૂંટાયા હતાં, તેમાં એક આ એ.કે. પટેલ હતાં. વિજાપુરમાંથી 3 વાર ચૂંટાયેલા કોંગ્રેસના નરેશ રાવલ ગુજરાતના ગૃહ રાજયમંત્રી તેમજ નરેન્દ્ર મોદીની પહેલી ટર્મ વખતે વિપક્ષના નેતા હતાં. જ્યારે ગુજરાતના રાજકારણમાં ધોતિયા કાંડથી પ્રખ્યાત આત્મારામ પટેલ 1995માં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયા હતાં અને કેશુભાઈ સામે ખજુરાહો કાંડ કરનાર ધારાસભ્યોમાં મોખરે હતાં અને શંકરસિંહ વાઘેલાએ 1997માં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મુખ્યમંત્રી બનતા થોડામાં રહી ગયા હતાં.

ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિજાપુર તાલુકા પંચાયતમાં કુલ 28માંથી ભાજપે 19, કોંગ્રેસે 08 અને અપક્ષે 1 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. આમ, વિજાપુર બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ બંનેને સમાન તક છે.

આવતીકાલે હિંમતનગર બેઠકનું વિશ્લેષણ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *