Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે મહેસાણા જિલ્લાની મહેસાણા સીટ વિશે

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ, અત્યાર સુધીનું હાર જીતનું વિશ્લેષણ દરરોજ પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે મહેસાણા સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની મહેસાણા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૫માં નંબરની બેઠક છે. મહેસાણા બેઠક સામાન્ય બેઠક છે. મહેસાણા બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. મહેસાણા બેઠકમાં મહેસાણા શહેર અને આંબલિયાસણ ગામ સહિત મહેસાણા તાલુકાના દક્ષિણ-પૂર્વી વિભાગના 42 ગામોનો સમાવેશ થાય છે. ઊંઝા બેઠકમાં કુલ 2,76,533 મતદારો છે.

મહેસાણા બેઠકની ઉત્તરે ઊંઝા બેઠક, પૂર્વમાં મહેસાણા જિલ્લાની વિસનગર અને વિજાપુર બેઠક તેમજ ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક, દક્ષિણમાં ગાંધીનગર જિલ્લાની કલોલ અને મહેસાણા જિલ્લાની કડી બેઠક અને બેચરાજી બેઠકમાં સમાવિષ્ટ મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો અને પશ્ચિમમાં મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક અને પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક આવેલી છે.

મહેસાણા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભુતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ભાજપના નીતિન પટેલ કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે 7137 મતની સરસાઈથી જીત્યા હતાં.

મહેસાણા બેઠકનો હાર જીતનો ઈતિહાસ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 શાંતિબેન પટેલ કોંગ્રેસ. 9498
1967 કાંતિલાલ યાજ્ઞિક સ્વતંત્ર પક્ષ 6493
1972 દયાશંકર ત્રિવેદી કોંગ્રેસ 11128
1975 ભાવસિંહજી ઝાલા સંસ્થા કોંગ્રેસ 9328
1980 ભાવસિંહજી ઝાલા કોંગ્રેસ 5281
1981 રૂપકુંવરબા ઝાલા કોંગ્રેસ 4842
1985 મણિલાલ પટેલ કોંગ્રેસ 19004
1990 ખોડાભાઈ પટેલ ભાજપ 3514
1995 ખોડાભાઈ પટેલ ભાજપ 1242
1998 ખોડાભાઈ પટેલ ભાજપ 3097
2002 અનિલભાઈ પટેલ ભાજપ 17772
2007 અનિલભાઈ પટેલ ભાજપ. 16309
2012 નીતિનભાઈ પટેલ ભાજપ 24205
2017 નીતિનભાઈ પટેલ ભાજપ 7137

આમ, મહેસાણામાં 1981ની એક પેટાચૂંટણી સહિત થયેલી કુલ 14 ચૂંટણીઓમાંથી ભાજપ સૌથી વધુ 7 વાર, કોંગ્રેસ 5 વાર તેમજ સ્વતંત્ર પક્ષ અને સંસ્થા કોંગ્રેસ 1-1 વાર વિજયી થયા છે. કોંગ્રેસ છેલ્લે 1985માં મહેસાણામાં જીતી હતી અને ભાજપ 1990 બાદ મહેસાણામાં હાર્યું નથી. મહેસાણા ભાજપની 25-30 એવી મજબૂત ગઢસમાન બેઠકોમાં સમાવિષ્ટ છે જયાં ભાજપ 1990 બાદ કદી હાર્યું નથી. મહેસાણામાંથી 2002 અને 2007માં જીતેલા અનિલ પટેલ નરેન્દ્ર મોદીની સરકારમાં ઉધોગમંત્રી રહી ચૂક્યા હતાં, હાલ તેમના પત્ની શાંતાબેન પટેલ મહેસાણામાંથી લોકસભા સાંસદ છે. જ્યારે આ બેઠક ઉપરથી 2012 અને 2017માં ચૂંટાયેલા નીતિન પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

ભાજપનો ગઢ સાબિત થયેલા મહેસાણામાં ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહેસાણા જિલ્લા પંચાયતમાં કુલ 42માંથી ભાજપે 38 અને કોંગ્રેસે 04 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો, જ્યારે મહેસાણા તાલુકા પંચાયતમાં કુલ 32માંથી ભાજપે 23 અને કોંગ્રેસે 09 બેઠકો ઉપર જ્યારે મહેસાણા નગરપાલિકામાં કુલ 44માંથી ભાજપે 37 અને કોંગ્રેસે 07 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. આમ, મહેસાણામાં ભાજપ વિજય માટે નિશ્ચિન્ત કહી શકાય.

આવતીકાલે વિજાપુર બેઠકનો ઈતિહાસ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *