Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠકનું વિશ્લેષણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ખેરાલુ સીટનું વિશ્લેષણ વાંચો.

ખેરાલુ વિધાનસભા મતવિસ્તાર (Kheralu Assembly Constituency)

ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ વીસમાં નંબરની બેઠક છે. ખેરાલુ બેઠક સામાન્ય બેઠક છે. ખેરાલુ બેઠકનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ખેરાલુ બેઠકમાં સમસ્ત ખેરાલુ અને સતલાસણા તાલુકો તેમજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉત્તર-પૂર્વ વિભાગના 19 ગામોનો સમાવેશ થાય છે. ખેરાલુ બેઠકમાં કુલ 2,15,460 મતદારો છે.

ખેરાલુ બેઠકની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાની વડગામ અને દાંતા બેઠક, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠકમાં સમાવિષ્ટ વડાલી અને ઈડર તાલુકો, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક અને મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકમાં સમાવાયેલા વડનગર તાલુકાના પશ્ચિમ વિભાગના ગામો તેમજ પશ્ચિમમાં મહેસાણા જિલ્લાની ઊંઝા અને પાટણ જિલ્લાની સિધ્ધપુર બેઠકો આવેલી છે.

ખેરાલુ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2019ની વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટણીમાં ખેરાલુમાંથી ભાજપના અજમલજી ઠાકોર કોંગ્રેસના બાબુજી ઠાકોર સામે 29,091 મતની મોટી સરસાઈથી વિજેતા થયા હતાં.

ખેરાલુ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 નટવરલાલ પટેલ કોંગ્રેસ. 5019
1967 વસંતલાલ પરીખ અપક્ષ 223
1972 શંકરજી ઠાકોર કોંગ્રેસ 4468
1975 શંકરજી ઠાકોર કોંગ્રેસ 11
1980 મોહનભાઈ દેસાઈ જનતા પાર્ટી 11589
1985 શંકરજી ઠાકોર અપક્ષ 1180
1990 શંકરજી ઠાકોર જનતા દળ 33734
1995 શંકરજી ઠાકોર કોંગ્રેસ 1371
1998 શંકરજી ઠાકોર કોંગ્રેસ 2023
2002 રમીલાબેન દેસાઈ ભાજપ 18923
2007 ભરતસિંહ ડાભી ભાજપ. 17323
2012 ભરતસિંહ ડાભી ભાજપ 21415
2019 અજમલજી ઠાકોર ભાજપ 29091

આમ, ખેરાલુમાં એક પેટાચૂંટણી સહિત થયેલી કુલ 14 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 5 વાર, ભાજપ 4 વાર, અપક્ષ 2 વાર અને જનતા પાર્ટી અને જનતા દળ 1-1 વાર વિજયી થયા છે. 2017માં ચૂંટાયેલા ભરતસિંહ ડાભી 2019માં પાટણમાંથી લોકસભામાં ચૂંટાતા થયેલી પેટાચૂંટણીમાં ભાજપના અજમલજી ઠાકોર વિજેતા થયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ખેરાલુ બેઠક અંતર્ગત જ આવે છે અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ ખેરાલુમાં ભાજપ એકપણ ચૂંટણી હાર્યું નથી.

ભાજપનો ગઢ બની ગયેલા ખેરાલુમાં ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખેરાલુ તાલુકા પંચાયતમાં કુલ 18માંથી ભાજપને 10, કોંગ્રેસને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી. જ્યારે વડનગર તાલુકા પંચાયતમાં કુલ 18માંથી ભાજપને 13, કોંગ્રેસને 4 અને આપને 1 બેઠક મળી હતી તેમજ સતલાસણા તાલુકા પંચાયતમાં કુલ 16માંથી કોંગ્રેસને 8, ભાજપને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી. આ બધાં પરિબળો જોતાં ખેરાલુ બેઠક ઉપર જીત માટે ભાજપ નિશ્ચિત કહી શકાય.

શુક્રવારે ઊંઝા બેઠકનું વિશ્લેષણ જોઈશુ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *