– ‘પ્રલય’ મિસાઈલ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે
– પ્રલય મિસાઈલ સ્વદેશમાં વિકસિત મિસાઈલ છે
– ‘પ્રલય’ ની પ્રહાર ક્ષમતા 150-500 કિમી છે
ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી કરાયું પરીક્ષણ
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશમાં જ વિકસિત જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી ‘પ્રલય’ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ 22 ડિસેમ્બર 2021ના રોજ ઓડિશા તટ પર ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી કર્યુ. પરીક્ષણ દરમિયાન ‘પ્રલય’ મિસાઈલે પોતાના તમામ લક્ષ્યો પાર પાડ્યા હતા. પ્રલય મિસાઈલે ઈચ્છિત અર્ધ બેલિસ્ટિક પ્રક્ષેપકનું અનુસરણ કર્યુ અને તેણે નિયંત્રણ. માર્ગદર્શન તથા મિશન અલ્ગોરિધમને પ્રમાણિત કરીને પૂર્ણ ચોક્સાઈ સાથે નિર્દિષ્ટ લક્ષ્યને હાંસલ કર્યુ હતું. પરીક્ષણના સમયે ‘પ્રલય’ મિસાઈલની તમામ ઉપ-પ્રણાલિઓએ સંતોષજનક પ્રદર્શન કર્યુ. ડાઉન રેન્જના જહાજો સહિત પૂર્વ તટ પર કેન્દ્રબિંદુ પાસે તહેનાત તમામ સેન્સરોએ મિસાઈલ પ્રક્ષેપકની ચકાસણી કરી અને તમામ ઘટનાઓને કેપ્ચર કરી.
પ્રલય મિસાઈલની ક્ષમતા અને તાકાત
પ્રલય મિસાઈલની રેન્જ ક્ષમતા 150-500 કિમી છે અને તેના મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે. પ્રલય મિસાઈલ ગાઈડન્સ પ્રણાલીમાં અત્યાધુનિક નેવિગેશન અને એકીકૃત એવિઓનિક્સ પ્રણાલી સામેલ છે. પ્રલય મિસાઈલ નક્કર પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અનેક નવી ટેકનીકોથી સંચાલિત થાય છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આપ્યા અભિનંદન
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આ મિસાઈલના પ્રથમ સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓ તેમજ સંબંધિત ટીમોને અભિનંદન આપ્યા હતા. તેમણે ઝડપથી વિકાસ અને સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી આધુનિક મિસાઈલના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓની પ્રશંસા કરી. ડીઆરડીઓના સચિવ તથા ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી. સતીષ રેડ્ડીએ ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે આ આધુનિક ટેકનિકોથી સજ્જ સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી નવી પેઢીની મિસાઈલ છે. તેમણે કહ્યું કે આ હથિયારને સૈન્ય પ્રણાલીમાં સામેલ કરવાથી સશસ્ત્ર દળોને આવશ્યક પ્રોત્સાહન મળશે.