Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે પાટણ જિલ્લાની પાટણ સીટનું વિશ્લેષ્ણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે પાટણ સીટનું વિશ્લેષણ વાંચો.

પાટણ વિધાનસભા મતવિસ્તાર (Patan Assembly Constituency)

ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લાની પાટણ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ અઢારમાં નંબરની બેઠક છે. પાટણ બેઠક સામાન્ય બેઠક છે. પાટણ બેઠકનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. પાટણ બેઠકમાં પાટણ શહેર તેમજ પાટણ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ બેઠકમાં કુલ 2,95,316 મતદારો છે.

પાટણ બેઠકની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક, પૂર્વમાં પાટણ જિલ્લાની સિધ્ધપુર અને મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠક, દક્ષિણમાં પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક અને પશ્ચિમમાં ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ પાટણ જિલ્લાનો હારીજ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક આવેલી છે.

પાટણ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટણમાંથી કોંગ્રેસના કિરીટકુમાર પટેલ ભાજપના રણછોડભાઈ દેસાઈ સામે 25,279 મતની ભારી સરસાઈથી વિજેતા થયા હતાં.

પાટણ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 વિજયકુમાર ત્રિવેદી કોંગ્રેસ. 12782
1967 વિજયકુમાર ત્રિવેદી કોંગ્રેસ 11203
1972 નાથાભાઈ દેસાઈ કોંગ્રેસ 9116
1975 ભગવાનદાસ અમીન જનસંઘ 7144
1980 ડાહ્યાભાઈ પટેલ જનતા પાર્ટી 9120
1985 કાંતિલાલ પટેલ કોંગ્રેસ 5926
1990 અરવિંદભાઈ પટેલ ભાજપ 3195
1995 અરવિંદભાઈ પટેલ ભાજપ 13198
1998 મોહનભાઈ પટેલ ભાજપ 11412
2002 આનંદીબેન પટેલ ભાજપ 3582
2007 આનંદીબેન પટેલ ભાજપ 6004
2012 રણછોડભાઈ દેસાઈ ભાજપ 5871
2017 કિરીટકુમાર પટેલ કોંગ્રેસ 25279

પાટણમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી ભાજપ 1 વાર જનસંઘ સહિત કુલ 7 વાર, કોંગ્રેસ કુલ 5 વાર અને જનતા પાર્ટી એક વાર વિજયી રહેલ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ બે વાર 2002 અને 2007માં પાટણમાંથી જીતી ચૂક્યા છે. ગત વખતે પટેલ અનામત આંદોલનના પ્રભાવ હેઠળ કોંગ્રેસે છેક 1985 પછી પહેલીવાર પાટણમાં વિજય મેળવ્યો હતો. પણ, ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી અને ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે જોરદાર કમબેક કર્યું હતું અને પાટણ નગરપાલિકામાં કુલ 44માંથી 38 બેઠકો મેળવી કોંગ્રેસ પાસેથી નગરપાલિકા છીનવી લીધી હતી. પાટણ પાલિકામાં કોંગ્રેસને ફક્ત 5 અને અન્યોને 2 બેઠક મળી હતી. જ્યારે પાટણ તાલુકા પંચાયતમાં કુલ 20માંથી ભાજપને 10, કોંગ્રેસને 08 અને અન્યોને 1 બેઠક મળી હતી. આ જોતાં પાટણ બેઠક ઉપર કોંગ્રેસ કરતાં ભાજપનું પલડું વધારે ભારે છે.

સોમવારે સિદ્ધપુર બેઠકનું વિશ્લેષણ કરીશું


Spread the love