– ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મંદિરનું ઉદ્ઘાટન કર્યું
– 50 વર્ષ પહેલાં પાકિસ્તાન સેનાએ આગ લગાડી નાશ કરેલો
– બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતિક
1971 ના વર્ષમાં પાકિસ્તાનની સેનાએ તત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને વર્તમાન બાંગ્લાદેશના નાગરિકો ઉપર અમાનવીય દમન અને અત્યાચારોનો જે સિલસિલો ચલાવ્યો હતો એનો જોટો જડવો મુશ્કેલ છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશના સ્વતંત્રતા આંદોલનને કચડી નાખવાના ઈરાદાથી ઓપરેશન સર્ચ લાઇટ ચલાવ્યું હતું જેને અંતર્ગત ઢાકાના ઐતિહાસિક શ્રી રમના કાળી મંદિરને આગ લગાડી અને ધ્વંસ કરી દીધું હતું તથા મંદિરમાં રહેતા લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી. 50 વર્ષ બાદ ઢાકાના ઐતિહાસિક મંદિરને ફરીથી નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કર્યું હતું.
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિના આમંત્રણને માન આપીને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ બાંગ્લાદેશ પહોંચ્યા
બાંગ્લાદેશની સ્વતંત્રતાના 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હામિદના આમંત્રણને માન આપી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ બાંગ્લાદેશની સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે આયોજીત સમારંભમાં ભાગ લેવા માટે ત્રણ દિવસના રાજકીય પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. અહીં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને પણ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે નવનિર્મિત મંદિરના ઉદઘાટન સમયે તેમના પત્ની સવિતા કોવિંદ પણ ઉપસ્થિત હતા. રાષ્ટ્રપતિએ આ મંદિરને ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક માનવામાં આવે છે.
મંદિર બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને અધ્યાત્મિક જોડાણનું પ્રતિક
ભારતના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ મંદિર ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતિક છે. આ મંદિર મારી બાંગ્લાદેશ યાત્રાના શુભ સમાપનનું પ્રતીક છે. મંદિરના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન બોલતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આજે મને ઐતિહાસિક રમના કાલી મંદિરનું ઉદઘાટન કરવાનું જે સૌભાગ્ય મળ્યું છે હું તેને માતા કાળીના આશીર્વાદ તરીકે જોઉં છું. મને જણાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ અને ભારત સરકાર તથા લોકોએ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા વધ્યા હતા. બાંગ્લાદેશમાં 10 ટકા હિંદુ વસ્તી છે.