– શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા શ્લોક છે ?
– શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ નામ અને એના અર્થ શું થાય ?
– શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનના નામ અને અર્થ શું થાય ?
ગીતા એટલે સંસારમાં રહીને સંસારથી મુક્તિ !
गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः।
या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता ।।
જે સ્વયં ભગવાન પદ્મનાભ વિષ્ણુના મુખારવિંદથી પ્રગટ થયેલી છે . માગશર સુદ એકાદશી એટલે મોક્ષદા એકાદશી અને એ જ દિવસ છે ગીતા જયંતી. હિન્દુધર્મના પ્રતિનિધિરૂપ ગ્રંથ તરીકે વિશ્વભરમાં એક માત્ર ગ્રંથ કે જેની 150 થી વધારે વ્યાખ્યાઓ થઈ છે.. શ્રીમદ્ભગવદ્ગીતા એટલે વિશ્વનું અલૌકિક જીવન કાવ્ય, યુદ્ધના મેદાનમાં યુદ્ધ માટે તૈયાર રથી, મહારથી અને અતિરથીઓ તથા અનેક બહાદુર સૈનિકોથી સજ્જ સામસામે ઉભેલી બે સેનાઓની વચ્ચોવચ ગવાયેલું શૌર્યગાન, આવનારી પેઢીઓ માટેનું માર્ગદર્શન, दिने दिने नवं नवं એવા ભગવાન રણછોડે જ્યારે વાંચીએ ત્યારે નવો જ અર્થ વહાવે એવું પવિત્ર, સતત જ્ઞાન ઝરણું. શ્રીમદ્ભગવદ્ગીતામાં ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન તથા સ્વયં ભગવાન દ્વારા બોલાયેલા કુલ 700 શ્લોકો છે જે જુદા જુદા 18 અધ્યાયમાં વહેંચાયેલા છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં 18 અધ્યાય તથા તેમાં 700 શ્લોકો છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કોણ કેટલા શ્લોક બોલ્યા ?
ભગવાન : 574 શ્લોક
અર્જુન. : 084 શ્લોક
સંજય. : 041 શ્લોક
ધૃતરાષ્ટ્ર :. 001 શ્લોક
શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાયના નામ અને શ્લોકોની સંખ્યા
ક્રમ અધ્યાયનું નામ શ્લોકોની સંખ્યા
1. અર્જુનવિષાદ યોગ 46 શ્લોક
2. સાંખ્યયોગ 72 શ્લોક
3. કર્મયોગ 43 શ્લોક
4. જ્ઞાનકર્મસંન્યાસ યોગ 42 શ્લોક
5. કર્મસંન્યાસ યોગ 29 શ્લોક
6. આત્મસંયમ યોગ 47 શ્લોક
7. જ્ઞાનવિજ્ઞાન યોગ 30 શ્લોક
8. અક્ષરબ્રહ્મ યોગ 28 શ્લોક
9. રાજવિદ્યારાજગુહ્ય યોગ 34 શ્લોક
10. વિભૂતિ યોગ 42 શ્લોક
11. વિશ્વરૂપદર્શન યોગ 55 શ્લોક
12. ભક્તિ યોગ 20 શ્લોક
13. ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ 34 શ્લોક
14. ગુણત્રયવિભાગ યોગ 27 શ્લોક
15. પુરુષોત્તમ યોગ 20 શ્લોક
16. દૈવાસુરસંપદ્વિભાગ યોગ 24 શ્લોક
17. શ્રદ્ધાત્રયવિભાગ યોગ 28 શ્લોક
18. મોક્ષસંન્યાસ યોગ 78 શ્લોક
શ્રીમદ્ભગવદ્ગીતા એવું શાસ્ત્ર છે જે નીતનવીન જેને Evergreen કહ્યું છે તે જ જ્યારે પણ વાંચીએ તદ્દન નવો અર્થ, નવો પરિપ્રેક્ષ્ય, નવો વિચાર, નવો રાહ દર્શાવે છે. એવું કહેવું જરાક પણ ખોટું નથી કે માનવ્યના ઉદ્ઘોષનુ શાસ્ત્ર એટલે ગીતા, સામાન્ય માનવીને તેનાં પ્રશ્નો, સમસ્યાઓને પરાસ્ત કરવા માટે સ્વયં પરમેશ્વરે કહેલું ઉત્તરોપનિષદ કે નિવારણોપનિષદ છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને જુદા જુદા નામોથી સંબોધવામાં આવ્યા છે
શ્રીમદ્ભગવદ્ગીતામાં પ્રયોજાયેલો પ્રત્યેક અક્ષર ઉચિત છે, પરિસ્થિતિનો સંકેત આપે છે. અર્જુન તથા સંજય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જુદા જુદા નામોથી સંબોધન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાનને સંબોધન કરવામાં આવેલા નામ તથા તે નામના અર્થ શું થાય છે…
શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને જુદા જુદા નામો અને તેનો અર્થ
અનંતરૂપ : જેના રૂપો અનંત છે તે
અચ્યુત : જેનો કદી પણ ક્ષય કે અધોગતિ નથી થતી તે. જે પોતાના ધ્યેય, પથથી ચ્યુત, દૂર નથી થતો તે. જે અટલ, સ્થિર છે.
અરિસૂદન : શત્રુનો નાશ કરનાર
કૃષ્ણ : “કૃષ્” એ સત્તાવાચક તથા “ણ” આનંદવાચક બંનેની એકતાના સૂચક, પ્રતિક. જેનું આકર્ષણ થાય, જે આકર્ષિત કરે છે તે कर्षति आकर्षति इति कृष्ण:
કેશવ : જેના વાળ લાંબા અને સુંદર છે તે, બ્રહ્મા તથા શિવને વશમાં કરનાર.
કેશિનિસૂદન : કેશિ નામના દૈત્યને હણનાર
કમલપત્રાક્ષ : કમળની પાંખડી જેવી સુંદર વિશાળ આંખો વાળા
ગોવિંદ : વેદાંતનો જ્ઞાતા કે ગો એટલે કે વેદાંત વાક્યો દ્વારા જાણી શકાય તે, ગૌશાળાનો માલિક
જગત્પતિ : જગતનો પિતા, સ્વામી
જગન્નિવાસ : સમગ્ર જગતનો નિવાસ જેનામાં છે તે અથવા જે સમગ્ર જગતમાં નિવાસ કરે છે તે.
જનાર્દન : ઉચિત આચરણ, વ્યવહાર કરવાવાળો, ભક્તોનાં શત્રુઓને જીતનાર
દેવદેવ : દેવતાઓમાં પૂજ્ય
દેવવર : દેવતાઓમાં શ્રેષ્ઠ
પુરુષોત્તમ : સમગ્ર જીવોમાં સર્વોત્તમ છે તે. ક્ષર અને અક્ષર બંને કરતા જે ઉત્તમ છે તે, શરીરરૂપી પુરોમા રહેનારા જીવોમાં અતિઉત્તમ, શ્રેષ્ઠ
ભૂતભાવન : સર્વભૂતો/સર્વજીવોને ઉત્પન્ન કરનાર
ભૂતેશ : સર્વ ભૂતો/જીવોના ઈશ્વર/સ્વામી
મધુસૂદન : મધુ નામના દૈત્યને હણનાર
મહાબાહુ : નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં જેના હાથ સમર્થ છે તે. જેની બાહુ/ભુજાઓ મોટી છે તે, બળવાન
માધવ : માયાના/લક્ષ્મીનાં પતિ
યાદવ : યદુકુળમાં જન્મેલા
યોગવિત્તમ : યોગ જાણકારોમા શ્રેષ્ઠ
વાસુદેવ : વસુદેવનાં પુત્ર
વાર્ષ્ણેય : વૃષ્ણિ ગોત્રમાં ઉત્પન્ન થનારા
વિષ્ણુ : સર્વવ્યાપક
હ્રષિકેશ : ઈન્દ્રિયોના સ્વામી
હરિ : સંસારનાં દુઃખોને હણનારો
ભગવાન : ઐશ્વર્ય, ધન, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ એ છ આપનારા. સર્વ જીવોની ઉત્પત્તિ – પ્રલય, જન્મ – મરણ તથા વિદ્યા – અવિદ્યાને જાણનાર. ઐશ્વર્ય, વિર્ય, સ્મૃતિ, યશ, જ્ઞાન જેની પાસે છે.
યોગેશ્વર : સર્વ યોગના જાણકાર, શિવ, જોડનાર
જ્ઞાન, કર્મ અને ભક્તિનાં પવિત્ર ત્રિવેણી સંગમનું અલૌકિક સ્થાન એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. આધુનિક યુગમાં પણ એટલી જ ઉપયોગી માર્ગદર્શન સરવાણી વહાવતુ પાવન ઝરણું તે જ ગીતા. જીવન જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા સમક્ષ કે ત્રિભેટે આવીને ઊભું રહે ત્યારે તે પ્રશ્નનો ઉત્તર, સમસ્યાનું સમાધાન તથા ત્રિભેટેથી યોગ્ય પથ પર જવાનો સચોટ નિર્દેશ કરવાની ક્ષમતા ધરાવતું અમૃતાલય એટલે જ સ્વયં ભગવાનનાં મુખારવિંદથી વહેલી શ્રીમદ્ ભગવદ્ગીતા. વિકટ પરિસ્થિતિમાં,
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ।।
નો જ્યારે પણ અર્જુનાનુભવ થાય ત્યારે સાક્ષાત ભગવાન બનીને શ્રીમદ્ ભગવદ્ગીતા જ પરિસ્થિતિ સામે ખુમારીથી લડવાની વિજિગિષુ વૃત્તિ, તારામાં શક્તિ છે ઉઠ ઊભો થા અને યુદ્ધ માટે કૃતનિશ્ચયી બન જેવા આત્મિય શબ્દો કહેનાર
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।
પણ શ્રીમદ્ ભગવદ્ગીતા જ છે.
ભગવાને અર્જુનને સંબોધેલા નામો તથા એના અર્થ આવા થાય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ચાર પાત્રો વચ્ચે સંવાદ થયો છે જેમાં ભગવાનને અર્જુને તથા અર્જુનને ભગવાને જુદા જુદા નામથી સંબોધિત કર્યા છે. ભગવાને અર્જુનને સંબોધેલા નામો તથા એના અર્થ આવા થાય છે.
અર્જુન : મૈત્રીપૂર્ણ, આધુનિક, ગંભીર, સર્જનાત્મક, સચેત, ચાંદી જેમ ચમકતો
અનઘ : પાપરહિત, નિષ્પાપ
કપિધ્વજ : જેના ધ્વજ પર કપિ, સ્વયં હનુમાનજી બિરાજમાન છે.
કુરુશ્રેષ્ઠ : કુરુકુળમાં ઉત્પન્ન થયેલાઓમા શ્રેષ્ઠ
કુરુનંદન : કુરુ વંશનાં રાજાનો પુત્ર
કુરુપ્રવીર : કુરુકુળમા જન્મેલાંઓમાં વિશેષ તેજસ્વી
કૌન્તેય : કુંતીનો પુત્ર
ગુડાકેશ : નિદ્રા જીતનાર, નિદ્રાનો સ્વામી, ગુડાક એટલે કે સ્વયં શિવ જેના સ્વામી છે તે
ધનંજય : સર્વ રાજાઓને જીતનારો દિગ્વિજયી
ધનુર્ધર : ધનુષ્ય ધારણ કરનાર, ધનુષ્ય વિદ્યા જાણનાર
પરંતપ : પરમ તપસ્વી અથવા શત્રુઓને બહુ તપાવનાર
પાર્થ : પૃથા એટલે કે કુંતીનો પુત્ર
પુરુષવ્યાઘ્ર : પુરુષોમાં વ્યાઘ્ર, વાઘ જેવો
પુરુષર્ષભ : પુરુષોમાં ઋષભ એટલે કે શ્રેષ્ઠ
પાંડવ : મહારાજ પાડુંનો પુત્ર
ભરતશ્રેષ્ઠ : ભારતના વંશજોમાં શ્રેષ્ઠ
ભરતસત્તમ : ભરતવંશીઓમાં શ્રેષ્ઠ
ભારત : ભા = બ્રહ્મવિદ્યામાં પ્રેમ ધરાવતો, ભરતનો વંશજ
સવ્યસાચીન્ : ડાબા હાથે પણ ધનુષ્ય સંધાન કરવા સક્ષમ, ડાબા હાથે બાણ ફેંકી શકવા સક્ષમ
જુદી જુદી ગીતા
મહાભારતના યુદ્ધ પહેલાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની મધ્યમાં ભ્રમિત, કિંકર્તવ્યમૂઢ થયેલા અર્જુનને આપેલો બોધ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ તરીકે ઓળખાય છે એવી જ રીતે મહાભારતના યુદ્ધ બાદ અર્જુનના કહેવાથી ફરી આજ ઉપદેશ આપ્યો તેને ‘અનુગીતા’, સ્વર્ગારોહણ પૂર્વે પાંડવોને ઉપદેશ આપ્યો તે ‘પાંડવગીતા’, અને ઉદ્ધવજીને જે સમજાવ્યું તે ‘ઉદ્ધવગીતા’ કહેવાઈ.