– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– આજે બનાસકાંઠા જિલ્લાની ડીસા બેઠકનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ડીસા સીટનું વિશ્લેષણ વાંચો.
ડીસા વિધાનસભા મતવિસ્તાર (Deesa Assembly Constituency)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની ડીસા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ તેરમાં નંબરની બેઠક છે. ડીસા બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. ડીસા બેઠકમાં ડીસા શહેર તેમજ ડીસા તાલુકાના ઉત્તર-મધ્ય વિભાગના 80 ગામો સમાવિષ્ટ છે. ડીસા તાલુકાના દક્ષિણી ગામો બાજુની દિયોદર અને કાંકરેજ બેઠકમાં સમાવાયા છે. ડીસા બેઠકમાં કુલ 2,76,048 મતદારો છે.
ડીસા બેઠકની ઉત્તરે ધાનેરા બેઠક, પૂર્વમાં ધાનેરા બેઠકમાં સમાવિષ્ટ દાંતીવાડા તાલુકો અને પાલનપુર બેઠક, દક્ષિણમાં કાંકરેજ બેઠક જ્યારે પશ્ચિમમાં દિયોદર બેઠક આવેલી છે.
ડીસા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડીસામાંથી ભાજપના શશીકાંત પંડ્યા કોંગ્રેસના ગોવાભાઈ રબારી સામે 14,531 મતની સરસાઈથી વિજેતા થયા હતાં. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડીસા નગરપાલિકામાં કુલ 44 બેઠકોમાંથી ભાજપને 27, કોંગ્રેસ અને આપને 1-1 બેઠક જ્યારે અપક્ષ ઉમેદવારોને 15 બેઠકો મળી હતી.
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 વિનોદચંદ્ર પટેલ કોંગ્રેસ 4780
1967 એસ.એસ. શાહ કોંગ્રેસ 4073
1972 ભીખાજી પરમાર કોંગ્રેસ 4939
1975 વિનોદચંદ્ર પટેલ સંસ્થા કોંગ્રેસ 5120
1980 મોહનભાઈ દેસાઈ જનતા પાર્ટી 1133
1985 લીલાધર વાઘેલા અપક્ષ 1640
1990 લીલાધર વાઘેલા જનતા દળ 10126
1995 ગોરધનજી માલી ભાજપ 25481
1998 ગોરધનજી માલી ભાજપ 10451
2002 ગોવાભાઈ રબારી કોંગ્રેસ 2021
2007 લીલાધર વાઘેલા ભાજપ 18622
2012 લીલાધર વાઘેલા ભાજપ 17706
2014 ગોવાભાઈ રબારી. કોંગ્રેસ. 10394
2017 શશીકાંત પંડ્યા ભાજપ 14531
આમ, ડીસામાં 2014માં થયેલી એક પેટાચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને 5 વાર જ્યારે સંસ્થા કોંગ્રેસ, જનતા પાર્ટી, જનતા દળ અને અપક્ષ દરેક એક એક વાર વિજયી નિવડ્યા છે. 1995માં ગુજરાતમાં સ્થપાયેલા ભાજપના રાજ પછી થયેલી 7 ચૂંટણીઓમાંથી ભાજપ 5 અને કોંગ્રેસ 2 વાર વિજયી થયું છે. ડીસા બેઠક ઉપરથી ચૂંટાયેલા લીલાધર વાઘેલા 1980થી ચૂંટણી લડતા આવ્યા છે અને તેઓ અપક્ષ, જનતા દળ અને ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય બની ચુક્યા છે. તેઓ કોંગ્રેસની ટિકિટ ઉપર 1980 અને 1995માં ચૂંટણી લડી હાર્યા હતાં. 2014માં તેઓ ભાજપની ટિકિટ ઉપર સાંસદ તરીકે ચૂંટાતા થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી, પણ 2017માં ભાજપે ફરી આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. આમ, આ બેઠક ઉપર કોંગ્રેસ કરતાં ભાજપનું પલડું વધારે ભારી કહી શકાય.
બુધવારે દિયોદર બેઠકનું વિશ્લેષણ વાંચો…