Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સીટનું વિશ્લેષણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે પાલનપુર સીટનું વિશ્લેષણ વાંચો.

પાલનપુર વિધાનસભા મતવિસ્તાર (Palanpur Assembly Constituency)

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની પાલનપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ બારમાં નંબરની બેઠક છે. પાલનપુર બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. પાલનપુર બેઠકમાં પાલનપુર શહેર તેમજ પાલનપુર તાલુકાના ઉત્તર-પશ્ચિમ વિભાગના 85 ગામો સમાવિષ્ટ છે. પાલનપુર તાલુકાના દક્ષિણી ગામો બાજુની વડગામ બેઠકમાં સમાયેલા છે. પાલનપુર બેઠકમાં કુલ 2,73,006 મતદારો છે.

પાલનપુર બેઠકની ઉત્તરે ધાનેરા બેઠકમાં સમાવિષ્ટ દાંતીવાડા અને દાંતા બેઠકમાં સમાયેલો અમીરગઢ તાલુકો, પૂર્વ અને દક્ષિણમાં વડગામ બેઠક, દક્ષિણમાં જ પાટણ જિલ્લાની સિધ્ધપુર બેઠક જ્યારે પશ્ચિમમાં પાટણ બેઠક અને બનાસકાંઠા જિલ્લાની ડીસા બેઠક અને ધાનેરામાં સમાવિષ્ટ દાંતીવાડા તાલુકો આવેલો છે.

પાલનપુર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાલનપુરમાંથી કોંગ્રેસના મહેશ પટેલ ભાજપના લાલજીભાઈ પ્રજાપતિ સામે 17,593 મતની સરસાઈથી વિજેતા થયા હતાં. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુર નગરપાલિકામાં કુલ 44 બેઠકોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.

આ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 દલજીભાઈ પટેલ કોંગ્રેસ 9788
1967 એ.સી. મહેતા કોંગ્રેસ 1282
1972 લેખરાજ બચાણી જનસંઘ 5339
1975 લેખરાજ બચાણી જનસંઘ 12492
1980 અમરતલાલ પટેલ. કોંગ્રેસ 10856
1985 સુરેશ મહેતા કોંગ્રેસ 16748
1990 લેખરાજ બચાણી ભાજપ 843
1995 અમરતલાલ પટેલ ભાજપ 24724
1998 રેખાબેન ત્રિવેદી ભાજપ 7141
2002 કાંતિલાલ કચોરીયા ભાજપ 15452
2007 ગોવિંદભાઈ પ્રજાપતિ ભાજપ 16097
2012 મહેશ પટેલ કોંગ્રેસ 5284
2017 મહેશ પટેલ કોંગ્રેસ 17593

આમ, પાલનપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 6 વાર અને જુના જનસંઘ સાથે ભાજપ 7 વાર વિજયી થયું છે. આમ, દેખીતી નજરે ભાજપનું પલડું ભારે લાગે છે, પણ છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ લગાતાર વિજયી નિવડી છે એ પરિબળ પણ અવગણી શકાય નહીં.

આગામી શુક્રવારે ડીસા બેઠકનું વિશ્લેષણ વાંચો


Spread the love