– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે બનાસકાંઠા જિલ્લાની વડગામ સીટ વિશે
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે વડગામ સીટનું વિશ્લેષણ વાંચો.
વડગામ વિધાનસભા મતવિસ્તાર (Vadgam Assembly Constituency)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની અગિયારમાં નંબરની બેઠક છે. વડગામ બેઠક પાટણ લોકસભા અંતર્ગત આવતી SC માટે અનામત બેઠક છે. વડગામ બેઠકમાં સમગ્ર વડગામ તાલુકો તેમજ પાલનપુર તાલુકાના દક્ષિણ વિભાગના 32 ગામોનો સમાવેશ થાય છે. વડગામ બેઠકમાં કુલ 2,84,388 મતદારો છે.
વડગામ બેઠકની ઉત્તરે પાલનપુર અને દાંતા બેઠક, પૂર્વમાં દાંતા અને મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ અને પાટણ જિલ્લાની સિધ્ધપુર બેઠક અને પશ્વિમમાં પાટણ જિલ્લાની સિધ્ધપુર અને બનાસકાંઠા જિલ્લાની પાલનપુર બેઠકો આવેલી છે.
વડગામ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમાં હતી. પણ 1967 અને 1972ની ચૂંટણી વખતે તેને નાબૂદ કરવામાં આવી હતી અને ત્યારબાદ, ફરી 1975ની ચૂંટણી વખતથી અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામમાંથી કોંગ્રેસના ટેકાથી ઉભા રહેલ અપક્ષ જીજ્ઞેશ મેવાણી ભાજપના વિજય ચક્રવર્તીને 19,696 મતથી હરાવી વિજેતા થયા હતા.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 હીરાભાઈ પરમાર કોંગ્રેસ 10219
1975 અશોકભાઈ ડાભી સંસ્થા કોંગ્રેસ 2880
1980 દોલતભાઈ પરમાર કોંગ્રેસ 11901
1985 દોલતભાઈ પરમાર કોંગ્રેસ 16032
1990 મુકુલભાઈ પરમાર જનતા દળ 20724
1995 રામજીભાઈ પરમાર ભાજપ 1100
1998 દોલતભાઈ પરમાર કોંગ્રેસ 2823
2002 દોલતભાઈ પરમાર કોંગ્રેસ 14000
2007 ફકીરભાઈ વાઘેલા ભાજપ 9705
2012 મણિલાલ વાઘેલા કોંગ્રેસ 21839
2017 જીજ્ઞેશ મેવાણી અપક્ષ 19696
આમ દાંતામાં થયેલી કુલ 11 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 6 વાર, ભાજપ 2 વાર તેમજ સંસ્થા કોંગ્રેસ, જનતા દળ અને અપક્ષ એક-એક વાર વિજયી થયાં છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના ટેકાથી અપક્ષ લડી જીતેલા જીજ્ઞેશ મેવાણી હવે સત્તાવાર રીતે જોડાઈ ચુક્યા છે અને 2022માં કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટણી લડશે એ નક્કી જ છે ત્યારે 2022માં કોણ જીતશે એ કહેવું વહેલું છે.
શુક્રવારે પાલનપુર બેઠકનું વિશ્લેષણ વાંચો