– પ્રધાનમંત્રીએ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કર્યું
– પ્રધાનમંત્રીએ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું
– પ્રધાનમંત્રીએ કેદારનાથમાં વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી તથા શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદઘાટન તથા પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેદારનાથ ધામમાં શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદઘાટન તેમજ શ્રીઆદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કેદારનાથ મંદિરમાં પૂજા-આરતી પણ કરી હતી તથા વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું તથા સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેદારનાથ ધામમાં યોજાયેલા કાર્યક્રમની સાથે સાથે જ સમગ્ર દેશમાં આવેલા પવિત્ર 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉજવણી કરાઈ હતી. આ તમામ કાર્યક્રમો કેદારનાથધામના મુખ્ય કાર્યક્રમ સાથે સંકળાયેલા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણના અંશ
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં ગુરુવારે નોશેરામાં સૈનિકો સાથે તેમની થયેલી વાતચીતને યાદ કરી હતી અને જણાવ્યું કે ‘ગુરુવારે દિવાળીના અવસરે 130 કરોડ ભારતીયોની લાગણીઓને સૈનિકો સુધી પહોંચાડી હતી, અને આજે ગોવર્ધન પુજાના અવસરે હું સૈનિકોની ભૂમિ પર અને બાબા કેદારનાથની દિવ્ય ઉપસ્થિતિમાં આવ્યો છું.’ કેદારનાથ ધામની પવિત્ર ભૂમિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામચરિત માનસની ચોપાઈ ‘અબિગત અકથ અપાર, નેતિ-નેતિ નિત નિગમ કહ’ ની યાદ અપાવી હતી જેનો અર્થ થાય છે કે કેટલાક અનુભવો એટલા આધ્યાત્મિક હોય છે, એટલા અસીમ હોય છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાતા નથી. તેમણે કહ્યું કે બાબા કેદારનાથની છત્ર છાયામાં તેમને આવી જ લાગણી થાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક ઋષિ પરંપરાનું સ્મરણ કર્યું હતું અને કેદારનાથધામ આવવામાં તેમને જે અવર્ણનીય આનંદ પ્રાપ્ત થયો છે તેનો ઉલ્લેખ કર્યો હતો.
“શં કરોતિ સઃ શંકરઃ”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય વિશે બોલતા કહ્યું કે ‘સંસ્કૃતમાં શંકરનો અર્થ થાય છે – “શં કરોતિ સઃ શંકરઃ”. એટલે કે જે કલ્યાણ કરે છે તે શંકર છે. આચાર્ય શંકરે આ વાત પ્રત્યક્ષ રીતે પ્રમાણિત કરી છે.” પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે ‘આદિ શંકરાચાર્યનું જીવન અસામાન્ય હતું, અને તે સામાન્ય માનવીના કલ્યાણ પ્રતિ સંપૂર્ણ સમર્પિત હતું. એક સમય એવો હતો કેઆધ્યાત્મિક્તા અને ધર્મ એક બીબાઢાળ સ્વરૂપ અને જૂની પુરાણી પ્રથાઓ સાથે સંકળાવા લાગ્યા હતાં. ભારતીય તત્વજ્ઞાનમાં માનવ કલ્યાણ સમાયેલું છે અને તે જીવનને સર્વગ્રાહી દૃષ્ટિકોણથી જુએ છે. આદિ શંકરાચાર્યએ આ સત્ય પ્રત્યે સમાજને જાગૃત કરવાનું અદ્ભુત કાર્ય કર્યું છે.’
ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને આપણા સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો તરફ જવાની વિશ્વની દ્રષ્ટિ બદલાઈ
કેદારનાથ ધામમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે “અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યા તેની ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. બે દિવસ પહેલા જ સમગ્ર વિશ્વએ અયોધ્યામાં ઉજવાયેલા ભવ્ય દીપોત્સવની ઉજવણી જોઈ હતી. આજે આપણે એ કલ્પના કરી શકીએ છીએ કે ભારતની પૌરાણિક સાંસ્કૃતિક ભવ્યતા કેવી રહી હશે. આજે આપણા સાંસ્કૃતિક વારસાના કેન્દ્રોને જે રીતે જોવા જોઈતા હતા એ જ ઉચિત અને યોગ્ય એવી ગૌરવપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન ભારત પોતાના વારસા પ્રત્યે આત્મવિશ્વાસ ધરાવતું થયું છે.’