Spread the love

– કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 105

અંગ્રેજોએ તો દેશ છોડવાનો નિર્ણય કરી જ લીધો હતો

– બ્રિટનની સ્થિતિ નબળી અને ડામાડોળ બની ચૂકી હતી, તેના પૂરતા સંકેતો મળવા લાગ્યા હતા. દા.ત. આઝાદ હિન્દ ફોજના કેદીઓ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. એમાં દેશની પ્રજા વધારે રસ લઇ રહી હતી. પરિણામે પ્રજામાં અંગ્રેજો પ્રત્યે રોષ વધી રહ્યો હતો. બ્રિટને લોકઆક્રોશના વધતા જુવાળ સામે પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો. એથી તેમની ગરિમા અને પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હતી. એ સાથે જ દાસતાના તેમના લોખંડી પંજાનો ભય પણ કાયમને માટે જતો રહ્યો. એક રીતે અંગ્રેજોએ હવે દેશ છોડવાનું મન બનાવી લીધું હતું.

બ્રિટીશરોએ બિસ્તરા-પોટલા બાંધીને બ્રિટન ભેગા થઇ જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.

તેમના વશમાં નહોતી એવી ઘટનાઓથી મજબૂર તેમણે આ માર્ગ પસંદ કર્યો હતો. જો કે બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો હતો છતાં પણ તેની શક્તિ નામ માત્રની રહી ગઇ હતી. અમેરિકા અને રૂસ જેવા રાષ્ટ્રની વિશ્વમાં બોલબાલા વધી ગઇ હતી. યુદ્ધના લીધે બ્રિટનની સંપત્તિનું દેવાળું નીકળી ગયું હતું. અમેરિકા અને કેનેડાના દેવાનું વ્યાજ ચોંકાવનારું હતું. તેનો રાજકોષ લગભગ ખાલી થઈ ગયો હતો અને તેના લશ્કરની સ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. બ્રિટને યુદ્ધ તો જીત્યું પણ તે એનું સામ્રાજ્ય ગુમાવી બેઠું હતું.

ભારતની આંતરિક સ્થિતિ પણ બ્રિટન માટે ખૂબ ખરાબ હતી. અનેક ઘટનાઓએ ભારતને એક ધબકતો જ્વાળામુખી બનાવી દીધો હતો. ભારતની પૂર્વ સરહદ પર સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેના આવી પહોંચવાથી સમગ્ર ભારતમાં સ્વતંત્રતાનો જુવાળ આવ્યો હતો. આઝાદ હિન્દ સેનાના લોકો પર બેફામ કાર્યવાહી કરવાથી તીવ્ર અસંતોષ પેદા થયો હતો. નાવિકોના બળવાનો પડઘો વાયુસેના, પોલીસ અને સામાન્ય લોકોમાં પણ પડ્યો હતો.

બ્રિટનની સ્થિતિ નબળી અને ડામાડોળ બની ચૂકી હતી, તેના પૂરતા સંકેતો મળવા લાગ્યા હતા. દા.ત. આઝાદ હિન્દ ફોજના કેદીઓ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. એમાં દેશની પ્રજા વધારે રસ લઇ રહી હતી. પરિણામે પ્રજામાં અંગ્રેજો પ્રત્યે રોષ વધી રહ્યો હતો. ભારતીય લશ્કરના મુખ્ય સેનાપતિ ક્લૉડ આચેનલેક વિચારમાં પડી ગયા. તેમણે કાર્યવાહીથી થનાર આઘાત-પ્રત્યાઘાતોની સમીક્ષા કરી. અંતે તેમણે તેમના હાથ નીચેના ભારતીય સેના અધિકારીઓની સંમતિ લઇ, કેદીઓને વગર શરતે મુક્ત કરવાનો આદેશ આપ્યો. બધા કેદીઓને મુક્ત કરી દેવાયા. યુદ્ધ સમયે જે સૈનિક સેના છોડી ફરાર થઈ દુશ્મન પક્ષે ચાલ્યો જાય તેના પર સામાન્ય રીતે રાજદ્રોહનો ગંભીર આરોપ મૂકી તેને ગોળીએ દેવાય છે, પરંતુ અહીં તો બધાને વગર શરતે મુકત કરી દેવામાં આવ્યા. બ્રિટને લોકઆક્રોશના વધતા જુવાળ સામે પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો. એથી તેમની ગરિમા અને પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હતી. એ સાથે જ દાસતાના તેમના લોખંડી પંજાનો ભય પણ કાયમને માટે જતો રહ્યો. એક રીતે અંગ્રેજોએ હવે દેશ છોડવાનું મન બનાવી લીધું હતું.

વાસ્તવમાં આ અંગે સૌથી પ્રામાણિક પુરાવો સ્ટૈફર્ડ ક્રિપ્સનો છે. તેમણે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચાનો જવાબ આપતાં સ્પષ્ટપણે સ્વીકાર કર્યો હતો કે ભારત નહીં છોડીએ તો બ્રિટિશ સૈનિકો અને એ સિવાયના કર્મચારીઓની બહુ મોટી સંખ્યાની વ્યવસ્થા કરવી પડશે. તેમણે કહ્યું : ‘માત્ર રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ તે અવ્યાવહારિક ગણાશે અને તેના કારણે ભારતમાં અમારી વિરુદ્ધ બધા પક્ષોનો કટ્ટર દ્વેષભાવ ઉત્પન્ન થશે.’‘અમે વર્ષો સુધી ભારતીયોના વિરોધનો સામનો કરવા માટે વધારાના સૈનિકોની વ્યવસ્થા કરી લઈએ તો પણ એટલું નક્કી છે કે ભારતમાં આટલા મોટા પ્રમાણમાં બ્રિટિશ સૈનિકોને લાંબા સમય સુધી રાખવા તૈયાર નહીં થાય.’ (આર. સી. મજૂમદાર : હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ, ખંડ – 11 પૃષ્ઠ: 759-760)

આ નિવેદન સ્વયં સ્પષ્ટ છે : ભાડૂતી ભારતીય સૈનિકોની નિષ્ઠા પર હવે વધારે વિશ્વાસ કરી શકાય તેમ નથી અને બ્રિટન ભારતમાં વધી રહેલા વિરોધને શાંત કરવા માટે વધારાના સૈનિકો લાવી શકવાની સ્થિતિમાં નહોતું.

ક્રિપ્સે ભારતમાંથી પાછા ફરવાના સરકારના નિર્ણયને સમર્થન એક અન્ય આધાર પર આપ્યું : ‘યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી ભારતની સ્થિરતા અને તેના પર નિયંત્રણ જાળવી રાખવાનું કામ મુશ્કેલ હતું. અમારી પાસે જે કંઈ સાધન અને નિયંત્રણ ઉપલબ્ધ હતાં તેના આધાર પર અમે ઈચ્છીએ તો પણ સંભાળી શકીએ તેમ નહોતા કારણ કે પરિસ્થિતિએ તેને વધારે મુશ્કેલ બનાવી દીધી હતી.’ ‘યુદ્ધકાળની આવશ્યક્તાઓ ખૂબ હતી. આવી સ્થિતિમાં સેક્રેટરી ઓફ સ્ટેટની સેવાઓ માટે યુરોપિયનોની ભરતી કરતા રહેવું બ્રિટિશ સરકાર માટે મુશ્કેલ હતું. બીજી તરફ ભારતીય અધિકારી વર્ગમાં તીવ્ર ગતિથી ભારતીયકરણની સાથે ભારતીય સેનાઓમાં પૂરતા પ્રમાણમાં વધારો થઈ ગયો હતો.’

તેનો અર્થ સ્પષ્ટ હતો – એક તરફ ભારતીય પક્ષો તરફથી સત્તા બદલાની માગણી ઝડપથી વધી રહી હતી, તો બીજી તરફ બ્રિટિશ નિયંત્રણનું તંત્ર બધી જ રીતે શિથિલ પડી રહ્યું હતું. અર્થાત્ સેક્રેટરી ઓફ સ્ટેટની સેવાઓનું નિયંત્રણ ઢીલું પડી ગયુ હતું. વાસ્તવમાં આ સેવાઓના આધાર પર જ ભારતીય વહીવટીતંત્ર પર કબજો જમાવી રાખ્યો હતો.’ (ધ ઈન્ડિયન એન્યુઅલ રજિસ્ટર, જાન્યુઆરી – જૂન 1947, ખંડ: 1, પૃષ્ઠ: 160-161) આંતરિક વહીવટીતંત્રના બે મુખ્ય સ્તંભો ‘ઈન્ડિયન સિવિલ સર્વિસ’ અને ‘ઈન્ડિયન પોલીસ’ અંગે માઉન્ટબેટને કહ્યું છે : ‘માની લો કે ચર્ચિલ ફરી સત્તા પર આવી જાય અને આદેશ આપી દે કે અમે પચીસ વર્ષ સુધી કોઈ ચર્ચા નહીં કરીએ, તો મારા માનવા મુજબ અમારી પાસે જે તંત્ર હતું, તેને ઊભુ રાખી શકીએ તેમ નથી. તે તદ્દન ઢીલુ પડી ચૂક્યું હતુ.’ (કોલિન્સ એન્ડ લૈપિયરે : માઉન્ટબેટન, પૃષ્ઠ: 14) વાઈસરૉયનો નવો પદભાર સંભાળવા માટે તેમને કઈ રીતે મનાવવામાં આવ્યા તેનું વર્ણન કરતાં માઉન્ટબેટને કહ્યું છે : સરકારી નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે કઈ રીતે તે એક અસ્પષ્ટ મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયા છે… તે અંધારામાં ભટકી રહ્યા છે : ‘અમે આ સ્થિતિમાં રહી શકીએ તેમ નથી. આનાથી તો અમે એક ભયાનક વિનાશમાં ફસાઈ જઈશું. અમારા માનવા મુજબ તમે જ અમને આ સ્થિતિમાંથી બહાર લાવી શકો તેમ છો.’ (કોલિન્સ એન્ડ લૈપિયરે : માઉન્ટબેટન, પૃષ્ઠ: 8-9)

ચર્ચિલે પણ અંતે  ભારતના ભાગલાની સાથે ભારતને સ્વતંત્ર કરવાની યોજનાને  સમર્થન આપ્યું. એક સમયે તે વડાપ્રધાન હતા ત્યારે તેમણે ‘સ્વરાજ્ય’ની ભારતની માગણીની મજાક ઉડાડતાં માગણીનો અસ્વીકાર કરતાં કહ્યું કે તે બ્રિટિશ સામ્રાજ્યની નાવ ડૂબાડવા માટે વડાપ્રધાન બન્યા નથી.

આ બધી વાતોનો એક જ નિષ્કર્ષ નીકળે છે : અંગ્રેજો સમજી ગયા હતા કે હવે તેમનો સમય પૂરો થઈ ગયો છે. પરિણામે તેમણે તેમનાં રાજકીય અને આર્થિક હિત વધારે સલામત રહી શકે એ રીતે ભારત છોડવાનો એક એવો માર્ગ શોધી કાઢ્યો. ભારતના ભાગલાનું તેમનું ષડયંત્ર કોઈ નવું ષડયંત્ર નહોતું. પહેલાં પણ તે આયરલેન્ડ અને સાઈપ્રસના ભાગલાનો સામ્રાજ્યવાદી ખેલ ખેલી ચૂક્યા હતા.

ઉપરની વાતોનો સાર એટલો જ છે કે બ્રિટન હવે ભારત પર પોતાની શરતો લાદવાની સ્થિતિમાં નહોતું રહ્યું; પરંતુ તેમને તો શિયાળ જેવી ચાલ ચાલવી હતી, જેથી પોતાની ભાગલાવાદી યોજનાઓને આગળ ધપાવી, તેને આપણા રાષ્ટ્રીય નેતાઓના ગળે ઉતારવી અને એ જ યોજના પર તેઓ આગળ વધ્યા. એ સમયે બધાને ખબર હતી કે જેણે ભાગલાનો લીલો ઝંડો પકડ્યો હતો એ મુસ્લિમ લીગની હાલત તો એ વખતે સાવ નબળી હતી. રાષ્ટ્રીય કોન્ગ્રેસ કરતા તો તે હજાર ગણી નબળી હતી, મહંમદઅલી ઝીણા અંગ્રેજોના હાથના રમકડાંથી વિશેષ કંઇ જ નહોતા, એમની એવી કોઇ તાકાત કે ઓકાત નહોતી કે આટલા વિરાટ દેશના ભાગલા એ કરી શકે!

|ક્રમશઃ|

– © કિશોર મકવાણા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *