Spread the love

કિશોર મકવાણા

ભારતના ભાગલા કેવી રીતે થયા ?

ભાગલા માટે કોણ જવાબદાર ?

કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…વાંચો લેખમાળાનું પ્રકરણ – 103

જૂનાગઢના નવાબ મહોબતખાનને પાકિસ્તાન ભાગી જવું પડ્યું

– શાહનવાજ ભુટ્ટોએ જૂનાગઢ રાજ્યના અગ્રણી હિંદુ-મુસ્લિમ નાગરિકોની બેઠક બોલાવી. હિંદુ નાગરિકોએ પાકિસ્તાન સાથે જોડાવાનાં નુકસાન સમજાવતી યાદી રજૂ કરી. મુસ્લિમોમાંથી એકને દીવાને પૂછ્યું તો જવાબ મળ્યો કે લોકોને પૂછવાનું હોય જ નહિ, નવાબ સાહેબ ઈચ્છે તે કરી શકે. લોકમત જાણવાનું આ નાટક કર્યા પછી 15મી ઑગસ્ટે જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું.

– ભારતીય સૈનિકોને જૂનાગઢની હદની બહાર બધી બાજુએ ગોઠવી દેવામાં આવ્યા. આંતરિક અવ્યવસ્થા, આરઝી હકૂમતના હુમલા, અંદર રહેલી હિન્દુ પ્રજામાં વધી રહેલો અસંતોષ અને ભારતીય સૈન્યના ઘેરાને લીધે રાજ્યની અંદર પરિસ્થિતિ બગડવા લાગી. રાજ્યમાં સ્થિતિ વધુ બગડતી ચાલી. નવાબને પણ પોતાની જિંદગી ખતરામાં છે એવી લાગણી થઈ. એથી નવાબ મહોબતખાન એમનાથી લેવાય એટલી માલમિલકત અને કૂતરાઓની ટોળી લઈને ચૂપચાપ પાકિસ્તાન ભાગી ગયો.

– 13મી નવેમ્બરે સરદાર જૂનાગઢ ગયા. ત્યાં જંગી જાહેરસભામાં તેમણે કહ્યું કે ભારત સરકાર લોકોની ઈચ્છા માથે ચડાવશે. ત્યાંથી સરદાર પટેલ સોમનાથના દર્શને ગયા. ત્યાં એમણે સાગરનું જળ અંજલિમાં લઇ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ જાહેર કર્યો. આ કામ સરકારે નહિ પણ પ્રજાના પૈસે કરવાનું હતું. જામસાહેબે ત્યાં જ 1 લાખ રૂપિયાનો ફાળો આપવાની જાહેરાત કરી. આરઝી હકૂમત વતી શામળદાસ ગાંધીએ રૂ. 51,000 આપવાનું જાહેર કર્યું. 

જૂનાગઢમાં પાંચેક સદીથી ત્યાં આક્રમક મુસ્લિમ શાસકો રાજ કરતા હતા. પંદરમી સદી સુધી જૂનાગઢમાં ચુડાસમા રજપૂતોનું શાસન હતું. રા’ખેંગાર જેવા ઇતિહાસપ્રસિદ્ધ શાસકો એ વંશમાં થઈ ગયા. 1473માં અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ રા’માંડલિક પાસેથી જૂનાગઢ જીતી લીધું ત્યારથી તે મુસ્લિમ બાદશાહોની સત્તા નીચે આવ્યું. વિદેશી શાસક અકબરે અમદાવાદના બાદશાહને હરાવી ગુજરાતમાં મોગલ શાસન સ્થાપ્યું એટલે જૂનાગઢ મોગલ સૂબાના શાસન તળે આવ્યું. અઢારમી સદીના બીજા ચરણમાં મોગલ સામ્રાજ્ય સાવ ખખડી ગયું ત્યારે સૂબાના એક લશ્કરી અફસર શેરખાન બાબીએ સુબાને ઉઠાડી મૂક્યો ને જૂનાગઢમાં શાસન પચાવી પાડ્યું. 1947 સુધી બાબીઓનો વંશવેલો ચાલ્યો. છેલ્લા બાબી શાસક હતા નવાબ મહંમદ મહોબતખાન.મે મહિનામાં જૂનાગઢના શાસનમાં એક મહત્ત્વનો ફેરફાર થયો. દીવાન અબ્દુલ કાદર બીમારીને લીધે પરદેશ ગયા અને શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના દીવાન થયા. ભુટ્ટો કરાંચીના મુસ્લિમ લીગી નેતા હતા અને ત્રણ-ચાર મહિના પહેલાં એમને રાજ્યની કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સમાં જોડાવા બોલાવવામાં આવ્યા હતા. એ દીવાન થયા તે પછી નવાબ મોહબતખાન મુસ્લિમ લીગના પ્રભાવ નીચે વધુ ને વધુ આવતા ગયા. ભુટ્ટો અને મહમદ અલી ઝીણાએ જાણે કે ભારતની એકતામાં ફાચર મારવાનું કાવતરું કર્યું હતું. 16મી જુલાઈએ ભુટ્ટો ઝીણાને મળ્યા ત્યારે ઝીણાએ એવી સલાહ આપેલી કે નવાબે ગમે તે સંજોગોમાં 15મી ઑગસ્ટ સુધી જોડાણથી દૂર રહેવું. તેમણે ખાતરી આપી કે ‘જૂનાગઢને ભૂખે મરવા નહિ દઉં; વેરાવળ કરાંચીથી દૂર નથી.’ હકીકતમાં તો જૂનાગઢ જમીનમાર્ગે અને દરિયામાર્ગે પાકિસ્તાનથી સેંકડો માઈલ દૂર હતું. કરાંચીથી વેરાવળ દરિયા રસ્તે 300 માઈલના અંતરે હતું. ભુટ્ટોએ તો મહંમદઅલી ઝીણા પર લખેલા પત્રમાં એવું વિકૃત તર્કશાસ્ત્ર લડાવેલું કે ‘જો જમીન પરની ભૌગોલિક સ્થિતિનો વાજબી રીતે વિચાર કરીએ તો કચ્છ, જામનગર અને જૂનાગઢને અડીને આવેલા પ્રદેશો પાકિસ્તાન સાથે જોડાયેલા ગણવા જોઈએ, કારણ કે ભૂતકાળમાં એક વાર તે સિંધનો ભાગ બનેલા હતા.’ ભુટ્ટોએ હિંદુ તીર્થસ્થાનોના અને સોમનાથ પરની મહંમદ ગિઝનીની ચડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. હિંદુ તીર્થોને પાકિસ્તાનના કબજામાં રાખવાની અને મુસ્લિમ આક્રમણના ચિહ્નો જાળવી રાખવાની હલકી દાનત આ પત્રમાં જોવા મળે છે. પત્રમાં ભુટ્ટોએ લખ્યું હતું : ‘કાઠિયાવાડના 7 લાખ મુસ્લિમો જૂનાગઢને કારણે જ જીવતા રહ્યા છે. નવાબની પ્રતિષ્ઠા, ગૌરવ અને શાસન જાળવવા અને કાઠિયાવાડમાં ઇસ્લામ અને મુસ્લિમોને સાચવવા કોઈ પણ ભોગ મને વધુ પડતો લાગતો નથી.’1947ની 14મી ઑગસ્ટ સુધીમાં જોડાણખત પર બધાં રાજ્યોના શાસકોની સહી મેળવી લેવાની સરદાર પટેલની નીતિ મુજબ જૂનાગઢના નવાબને પણ જોડાણખત મોકલાયું હતું. દીવાન ભુટ્ટોએ ઢીલ કર્યા કરી. છેક 13મી ઑગસ્ટે તાર કર્યો કે જોડાણખત પર સહી કરવાનો મુદ્દો વિચારણા હેઠળ છે. ખોટો દેખાડો કરવા ભુટ્ટોએ રાજ્યના અગ્રણી હિંદુ-મુસ્લિમ નાગરિકોની બેઠક બોલાવી. હિંદુ નાગરિકોએ પાકિસ્તાન સાથે જોડાવાનાં નુકસાન સમજાવતી યાદી રજૂ કરી. મુસ્લિમોમાંથી એકને દીવાને પૂછ્યું તો જવાબ મળ્યો કે લોકોને પૂછવાનું હોય જ નહિ, નવાબ સાહેબ ઈચ્છે તે કરી શકે. લોકમત જાણવાનું આ નાટક કર્યા પછી 15મી ઑગસ્ટે જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. જૂનાગઢ રાજ્યે આ નિર્ણય ભારત સરકારને જણાવવાની પરવા કરી નહિ.પાકિસ્તાનની સરકાર જોડાણનો સ્વીકાર ન કરે તે માટે રાજ્યખાતાના સેક્રેટરી વી. પી. મેનને દિલ્હી ખાતેના પાકિસ્તાની હાઈ કમિશ્નરને પત્ર લખ્યો. મેનને જોડાણની વિરુદ્ધના મુદ્દા રજૂ કરી આ વિશે પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ કરવા જણાવ્યું. એ પત્રનો કશો જવાબ જૂનાગઢ સ્ટેટ તરફથી ન મળ્યો. હવે આ બાબત વડાપ્રધાનની કક્ષાએ ઉપાડી લેવામાં આવી. નેહરુએ લિયાકતઅલીને તાર કર્યો. ગવર્નર-જનરલના સ્ટાફના વડા ઈસ્મે વિમાનમાં કરાંચી જતા હતા તેમની સાથે તાર મોકલ્યો. માઉન્ટબૅટને ઈસ્મે મારફત પાકિસ્તાન સરકારને કહેવરાવ્યું કે જૂનાગઢનું જોડાણ સ્વીકારશો તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો ઝઘડો થશે. પાકિસ્તાન સરકારે આની નોંધ પણ ન લીધી. 13મી સપ્ટેમ્બરે તેણે ભારત સરકારને તાર કર્યો કે પાકિસ્તાનને જૂનાગઢના જોડાણનો સ્વીકાર કર્યો છે અને સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ ઉપર પણ સહીઓ થઈ છે. જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું એ સમાચાર ફેલાતાંવેંત આખા કાઠિયાવાડમાં વિરોધ પ્રસરી રહ્યો. જૂનાગઢની આસપાસના ભાવનગર, ગોંડલ, પોરબંદર, જામનગર વગેરે રાજ્યોના રાજવીઓએ વિરોધના નિવેદનો પ્રગટ કર્યાં. ધ્રાંગધ્રાના મહારાજાએ નવાબને આ વિશે ફેરવિચાર કરવાનું જણાવતો પત્ર લખ્યો. તેના જવાબમાં નવાબે લખ્યું કે જોડાણ કરતાં પહેલાં લોકોનો મત લેવાની વાત ભારતીય સ્વાતંત્ર્ય ધારામાં ક્યાંય નથી. ભૌગોલિક બાબતને નકામી ગણાવી નવાબે લખ્યું કે અમારી પાસે જોઈએ એટલાં બંદરો છે. આમ, જૂનાગઢ અને પાકિસ્તાન બંને જોડાણની વાતને વળગી રહ્યા. જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું તેથી ત્યાંની હિંદુ પ્રજામાં જોરદાર વિરોધનો દાવાનળ સળગવા લાગ્યો. જૂનાગઢની બહાર વસતા તે રાજ્યના વતનીઓ પણ ખળભળી ઊઠ્યા. એવા કેટલાક લોકોએ મુંબઈમાં 25મી સપ્ટેમ્બરે પત્રકાર શામળદાસ ગાંધીની આગેવાની નીચે જૂનાગઢની આરઝી હકૂમત (કામચલાઉ સરકાર) રચી. મુંબઈથી રાજકોટ પહોંચી તેણે ત્યાંના જૂનાગઢના ઉતારા (ગેસ્ટહાઉસ)નો કબજો લીધો અને ત્યાં આરઝી હકૂમતનું વડુ મથક જમાવ્યુ. સરદાર પટેલ આવી સમાંતર સરકારની વિરુદ્ધ હતા. આ આખીયે બાબત ભારત સરકાર ઉપર છોડી દેવી જોઈએ એમ તેઓ માનતા હતા. સમાંતર સરકારને પરિણામે ભવિષ્યમાં રાજકીય અને બંધારણીય ગૂંચવાડા ઊભા થવાનો સંભવ એમને જણાતો હતો. પણ આરઝી હકૂમતના નેતાઓનો ઉત્સાહ જબરો હતો. તેમણે સ્વયંસેવકો અને સાદા હથિયારો એકઠા કરીને જૂનાગઢની સરહદમાં પ્રવેશ કર્યો. કેટલાંક ગામનો કબજો લડાઈ વિના મળી ગયો. પણ આગળ વધતાં ક્યાંક સશસ્ત્ર છમકલાં થયા અને લોહી રેડાયુ. દરમિયાન ભારત સરકારે જૂનાગઢ રાજ્ય સાથે વાટાઘાટો ચાલુ રાખી હતી.  વી. પી. મેનન અને રિજિયોનલ કમિશનર એન. એમ. બૂચે ભુટ્ટોને સમજાવવાના પ્રયત્નો કરી જોયા. એમણે ચેતવણી પણ આપી કે કાઠિયાવાડની પ્રજા સામી થશે તો નવાબના શાસનનો અંત આવી જશે. પણ વાટાઘાટો નિરર્થક નીવડી. ભારત સરકારની પાકિસ્તાન સાથેની ચર્ચા પણ વર્તુળમાં ફર્યા કરતી હતી. ભારત લોકોની ઈચ્છાનો મુદ્દો આગળ ધરતું હતું અને પાકિસ્તાન જોડાણ થઈ ગયાની હકીકતને વળગી રહેતું હતું. સરદારને લાગ્યું કે હવે ભારત સરકારે કંઈક કરવું જોઈએ. એક લાખ જેટલા લોકો જૂનાગઢ છોડી ગયા હતા. આખા કાઠિયાવાડમાં અશાંતિ ઊભી થવાનો ભય હતો. સરદાર પટેલને એક રસ્તો સૂઝ્યો. બાબરિયાવાડનું નાનકડું રજવાડું 1943ની યોજનામાં જૂનાગઢને સોંપી દેવામાં આવ્યું હતું. 1947માં રાજાઓ સ્વતંત્ર થઈ ગયા તેમ બાબરિયાવાડના રાજવી પણ સ્વતંત્ર થઈને ભારતમાં જોડાયા હતા. જૂનાગઢે તેમની સ્વતંત્રતા માન્ય નહિ કરતા બાબરિયાવાડનો કબજો લેવા લશ્કર મોકલ્યું. આ પગલાને પોતાની સામે આક્રમણનું કૃત્ય ગણીને ભારતે તેનો વળતો જવાબ આપવો એવું સરદાર પટેલે નક્કી કર્યું. માઉન્ટબૅટને આ બાબત સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો)માં લઈ જવાનું સૂચવ્યું. સરદાર પટેલે તેવું કરવાની ચોખ્ખી ના પાડી. આવા કિસ્સામાં ફરિયાદી બનવામાં લાભને બદલે નુકસાન જ છે એમ એ વકીલાતના અનુભવથી જાણતા હતા. ભારતીય સૈનિકોને જૂનાગઢની હદની બહાર બધી બાજુએ ગોઠવી દેવામાં આવ્યા. આંતરિક અવ્યવસ્થા, આરઝી હકૂમતના હુમલા, અંદર રહેલી હિન્દુ પ્રજામાં વધી રહેલો અસંતોષ અને ભારતીય સૈન્યના ઘેરાને લીધે રાજ્યની અંદર પરિસ્થિતિ બગડવા લાગી. કરવેરાની આવક ઘટી ગઈ. તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું. ખાધાખોરાકીની ચીજો ખુટવા માંડી. પાકિસ્તાને થોડું ઘણું અનાજ મોકલ્યું પણ ખરું. પણ એટલાથી કંઈ દહાડો વળે એમ હતો નહીં. રાજ્યમાં સ્થિતિ વધુ બગડતી ચાલી. નવાબને પણ પોતાની જિંદગી ખતરામાં છે એવી લાગણી થઈ. એથી નવાબ મહોબતખાન એનાથી લેવાય એટલી માલમિલકત લઇને ભાગ્યો. ઉતાવળમાં તેણે તેની એક બેગમ અને બાળકને છોડી દીધાં, પરંતુ કૂતરા લઈ જવાનું ભૂલ્યો નહીં. શાહી આભૂષણ, રોકડ મૂડી અને દસ્તાવેજો પણ સાથે લઈ ગયો. પાછળ રહ્યા દીવાન શાહનવાઝ ભુટ્ટો. નવાબ એમને બધી જવાબદારી અને સત્તા સોંપતા ગયા હતા, પણ ગાડુ  ચાલે એમ જ નહોતું. આખરે રાજ્યની કાઉન્સિલે ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું. ભુટ્ટો આગલે દિવસે પાકિસ્તાન જતા રહ્યા અને 9 નવેમ્બર 1947ના દિવસે ભારતે જૂનાગઢનો વહીવટ સંભાળી લીધો. પાકિસ્તાને વિરોધના ધમપછાડા તો માર્યા, પણ તેનું કંઈ ચાલે તેવું નહોતું. 13મી નવેમ્બરે સરદાર જૂનાગઢ ગયા. ત્યાં જંગી જાહેરસભામાં તેમણે કહ્યું કે ભારત સરકાર લોકોની ઈચ્છા માથે ચડાવશે. ત્યાંથી સરદાર પટેલ સોમનાથના દર્શને ગયા. ત્યાં એમણે મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય જાહેર કર્યો. આ કામ સરકારે નહિ પણ પ્રજાના પૈસે કરવાનું હતું. જામસાહેબે ત્યાં જ 1 લાખ રૂપિયાનો ફાળો આપવાની જાહેરાત કરી. આરઝી હકૂમત વતી શામળદાસ ગાંધીએ રૂ. 51,000 આપવાનું જાહેર કર્યું. 1948ના ફેબ્રુઆરી 20મીએ જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો. 1,90,000 મતદારોએ મત આપ્યા તેમાંથી ફક્ત 91 મત પાકિસ્તાન સાથે જોડાણની તરફેણમાં હતા. લગભગ સર્વાનુમતિ ભારતની તરફેણમાં હતી. ત્યાં આવેલા બ્રિટિશ પત્રકારોએ લખ્યું કે લોકમતની રીત તદ્દન દોષરહિત હતી. 

|: ક્રમશ:|
©️kishormakwana

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *