– રાજીવ શર્મા ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં લેખ લખતો હતો
– ઈડી દ્વારા PMLA અંતર્ગત ધરપકડ કરવામાં આવી
– ભારતની સુરક્ષા માટે ખતરારૂપ માહિતી ચીનને પહોંચાડી હોવાનો ઈડીનો દાવો

ભારતની સુરક્ષા માટે ખતરારૂપ ગુપ્ત માહિતી ચાઈનીઝ એજન્સીઓના અધિકારીઓને આપી
ઈડીએ મની લોન્ડ્રિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી છે. ઈડીએ દાવો કર્યો છે કે પત્રકાર રાજીવ શર્મા વિરુદ્ધ તપાસમાં સામે આવ્યું છે કે ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માએ ભારતની સુરક્ષા માટે ખતરારૂપ ગુપ્ત માહિતી ચાઈનીઝ એજન્સીઓના અધિકારીઓને આપી છે. રાજીવ શર્માની 1લી જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, શુક્રવારે સ્થાનિક ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે સાત દિવસ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઈડી વધુ પુછપરછ હાથ ધરશે.

સપ્ટેમ્બરમાં પણ રાજીવ શર્માની ધરપકડ દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ દ્વારા કરવામાં આવી હતી
14 સપ્ટેમ્બર 2020 ના દિવસે દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ દ્વારા રાજીવ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે ત્યારે દાવો કર્યો હતો કે રાજીવ શર્મા પાસેથી સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે પત્રકારની પુછપરછ હાથ ધરી હતી અને બાદમાં એક ચાઈનીઝ મહિલા તથા તેના સહયોગી નેપાળી પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર આરોપ હતો કે તેમણે શેલ કંપનીઓના માધ્યમથી પત્રકાર રાજીવ શર્માને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે 60 દિવસમાં આરોપપત્ર દાખલ નહીં કરવાને કારણે દિલ્હી વડી અદાલતે પત્રકાર રાજીવ શર્માના જામીન મંજૂર કર્યા હતા. પત્રકાર રાજીવ શર્માએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તેણે કોઈ અપરાધ કર્યો નથી.

પ્રત્યેક માહિતીને બદલે 1000 ડોલર મળતા હતા
રાજીવ શર્માની ધરપકડ બાદ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે સુરક્ષા સંબંધિત મહત્વની માહિતી ચાઈનીઝ એજન્સીઓને આપીને પત્રકાર રાજીવ શર્માએ દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયા કમાયા છે. રાજીવને પ્રત્યેક માહિતીને બદલે 1000 ડોલર મળતા હતા. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલના ડીસીપી સંજીવકુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજીવ શર્મા ચાઈનીઝ અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સમાં સુરક્ષા સંબંધિત લેખો લખતો હતો અને 2016 માં ચાઈનીઝ એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે કેટલાક ચાઈનીઝ જાસૂસી અધિકારીઓના સંપર્કમાં પણ હતો. તે 2016 થી 2018 સુધી ચાઈનીઝ જાસૂસી અધિકારીઓને સુરક્ષા સંબંધિત સંવેદનશીલ ગુપ્ત માહિતી આપવામાં સામેલ હતો. આ માટે જુદા જુદા દેશોમાં મીટીંગ કરવામાં આવતી હતી, આ મીટીંગ દરમ્યાન ભારત ચીન સરહદ મુદ્દે, સીમા પર સેનાની તૈનાતી તથા સરકારની રણનીતિ સંબંધિત માહિતી પહોંચાડવામાં આવતી હતી.