– પારુલ પરમાર ગુજરાતના ગાંધીનગરના નિવાસી છે
– છેલ્લા એક દાયકાથી પેરા બેડમિન્ટન વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે
– પારુલ પરમાર અર્જુન એવોર્ડથી સન્માનિત ખેલાડી છે.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વખત 6 મહિલા ખેલાડીઓ ઑલિમ્પિક રમતોમાં ક્વોલિફાય થઈ
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ટોક્યો ઓલિમ્પિક તથા પેરા ઑલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. 23મી જુલાઈથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ 2021માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ છે. ગુજરાતની છ ગૌરવવંતી ખેલાડીઓ છે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. આ જ ખેલાડીઓમાંથી પેરા બેડમિન્ટન ખેલાડી પારૂલબેન પરમારની આ ઑલિમ્પિક રમતો સુધી પહોંચવાની સુવર્ણ સફર જોઈએ.

પારુલ પરમાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી
પારૂલ પરમાર છેલ્લા પંદર વર્ષથી પેરા બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે એ આ વર્ષ જુલાઈ મહિનામાં જાપાનના ટોકયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવ માં પેરા બેડમિન્ટન રમત પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. પેરા બેડમિન્ટનની સિંગલ્સ, ડબલ્સ તથા મિક્સ ડબલ્સ પ્રતિયોગિતા થશે. ભારત તરફથી ગુજરાતના ગાંધીનગરના દિવ્યાંગ બેડમિન્ટન ખેલાડી પારૂલ પરમાર દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભારત તરફથી પેરા બેડમિન્ટન રમતમાં ભાગ લેનાર પારૂલ પરમાર ભારતના સૌપ્રથમ ખેલાડી બનશે. આ ઉપરાંત પારૂલ પરમાર ડબલ્સમાં પંજાબની ખેલાડી પલક કોહલી સાથે તથા મિક્સ ડબલ્સમાં પંજાબના જ રાજકુમાર સાથે જોડી બનાવીને ભાગ લેશે. આ સાથે તેઓ ડબલ્સ તથા મિક્સ ડબલ્સ કેટેગરીમાં પણ પ્રથમવાર ઑલિમ્પિક રમતોમાં ભાગ લેશે. પારૂલ પરમાર મુખ્યત્વે બેડમિન્ટનની SL3 કેટેગરીના ખેલાડી છે જે કેટેગરીનો ઑલિમ્પિકમાં સમાવેશ થતો નથી તેથી પારૂલને SL4 કેટેગરીમાં રમવાનું થશે જેમાં તેમનો મુકાબલો તેમના કરતા થોડી ઓછી દિવ્યાંગતા ધરાવતા ખેલાડી સાથે થશે.

બાળપણનો સંઘર્ષ
પારૂલ પરમારનો જન્મ ગુજરાતના ગાંધીનગરમાં થયો હતો. પારૂલબેન નાં પિતા ખુબ સારા બેડમિન્ટન ખેલાડી હતા. જન્મના થોડા જ સમયમાં પારૂલબેન પોલિયોનો શિકાર બની ગયા. પોલિયોનો હુમલો પારૂલ ઉપર કદાચ હજુ આફત આવવાની શરૂઆત જ હશે, ત્રણ વર્ષની ઉંમરે એક દિવસ પારૂલબેન આકસ્મિક રીતે ઝુલામાંથી પડી ગયા. ઝુલામાંથી પડી જતાં પારૂલબેનની ગરદનના હાડકામાં ગંભીર ઈજા થઈ અને પગમાં ફ્રેકચર થઈ ગયું. આમાંથી સાજા થવામાં પારૂલને લાંબો સમય લાગ્યો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે આ પ્રકારની શારીરિક સ્થિતિ પારૂલબેનને માનસિક રીતે મજબૂત કરતી જતી હતી. પારૂલબેનના ડૉક્ટરે તેમને ઝડપથી રિકવરી માટે કસરતો કરવાની સલાહ આપી. પારૂલબેનના પિતા બેડમિન્ટનના ખેલાડી હતા તે નજીકના જીમખાનામાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવા માટે જતા હતા તેમણે નાનકડી પારૂલને પોતાની સાથે લઈ જવાની શરૂઆત કરી. કદાચિત પારૂલબેનના જીવનમાં બેડમિન્ટન ખેલાડી બનવાના વિચારના બીજ અહીંથી જ રોપાયા હશે. પારૂલબેનની શારિરીક સ્થિતિ રમત રમી શકાય એવી નહોતી તેથી અન્ય બાળકો રમતા હોય ત્યારે જોતા રહેતા. જોકે બાદમાં પારૂલે હિંમત કરીને બાળકો સાથે રમવાની શરૂઆત કરી.

બેડમિન્ટન ખેલાડી તરીકે શરૂઆત અને પરિવારનું સમર્થન
પારૂલબેનના બાળપણમાં એક ઘટના બની જેણે તેમના જીવનને લક્ષ્ય નક્કી કરી આપ્યું. એક વખત શાળામાં શિક્ષકે પ્રશ્ન પુછ્યો કે તે શું બનવા માગે છે ? નાનકડી પારૂલ તાત્કાલિક આ પ્રશ્નનો ઉત્તર નહોતો આપી શકી પરંતુ આ જ પ્રશ્ન તેણે પિતાને પુછ્યો અને તેમના પિતાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઉત્તર આપ્યો, ‘એક સારા બેડમિન્ટન ખેલાડી’. પિતાના શબ્દો પારૂલના જીવનનું જાણે કે લક્ષ્ય બની ગયા અને નાનકડી પારૂલ હાથમાં બેડમિન્ટન લઈને બેડમિન્ટન કોર્ટને પડકારવા તૈયારીઓ કરવા લાગી. પિતા પોતે જ પ્રોફેશનલ ખેલાડી હોવાથી પારૂલને ઘણી મદદ મળી. પારૂલબેને એક જગ્યાએ જણાવ્યું હતું કે તેમને ખેલાડી તરીકે દરેક પરિસ્થિતિમાં તેમના પરિવારનું મજબૂત પીઠબળ મળ્યું છે. પારૂલબેન આગળ કહે છે કે, ‘તેમની સફળતા માટે તેમના પરિવારે ઘણો ત્યાગ કર્યો છે. ભાઈ બહેનોએ પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના હંમેશા પારૂલબેનના તૂટેલા બેડમિન્ટન રેકેટ બદલવાની ચિંતા કરી છે.

સફળતાની સફર
પારૂલબેન જણાવે છે કે એક ખેલાડી તરીકે તેમને ક્યારેય એવો અનુભવ નથી થયો કે તેઓ દિવ્યાંગ છે. રમત સાધનાનું પરિણામ હવે વિશ્વ સમક્ષ દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી. પારૂલ પરમાર ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યા છે. છેલ્લા 15 વર્ષથી પ્રથમ વર્લ્ડ રેન્કિંગ સાથે પેરા બેડમિન્ટન જગતમાં પારૂલ પરમાર એકચક્રી દબદબો ભોગવતા રહ્યા છે. પારૂલ પરમારનો દબદબો તેમના પોઈન્ટમાં દેખાય છે, વિશ્વ રેન્કિંગમાં 3210 પૉઇન્ટ સાથે પારુલ પરમાર પ્રથમ સ્થાને છે, જ્યારે માનસી જોષી 2370 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ ઉપરાંત પારૂલ પરમાર ડબલ્સમાં તેઓ પાંચમો અને મિક્સ ડબલ્સમાં છઠ્ઠો રેંક ધરાવે છે.પારૂલ પરમારે 2007 માં પેરા સિંગલ્સ અને પેરા ડબલ્સનુ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો. 2017 માં BWF ના પેરા-બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો . તેમણે સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડની વનાફટ્ડી કમતમને હરાવી અને જાપાનની અકીકો સુગિનો સાથે ડબલ્સની ફાઇનલમાં ચીનના ચેંગ હેફેંગ અને મા હ્યુહુઇને હરાવી હતી. 2014 અને 2018ની એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ SL3 માં સુવર્ણચંદ્રક જીત્યો હતો. 2018 થાઇલેન્ડ પેરા-બેડમિંટન ઇન્ટરનેશનલ ખાતે મહિલા સિંગલ્સ SL 3 કેટેગરીમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ અગાઉ 2014 એશિયન પેરા ગેમ્સમાં રજત અને 2018 થાઈલેન્ડમાં પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ મહિલા સિંગલ્સ SL 3 કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો. પારૂલ પરમારની સફળતા સતત ચાલુ જ હતી અગાઉ 2014 એશિયન પેરા ગેમ્સમાં રજત ચંદ્રક અને 2010 એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 2015 માં BWF ની પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રાજ કુમાર સાથે SL3 અને SU-5 કેટેગરીમાં મિક્સ ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. પારૂલ પરમારને ભારત સરકાર દ્વારા 2009 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિનોદ રૂપાણીએ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. 23મી જુલાઈથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ 2021માં ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. આ ગૌરવશાળી ક્ષણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલે ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ 6 ખેલાડીઓઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી સર્વોચ્ચ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે. આશીર્વાદ આપતા કહ્યું : ‘આ સિદ્ધિ ગુજરાતની અન્ય દિકરીઓ માટે પ્રેરણારુપ બનશે. ગુજરાતની દિકરીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે હરણફાળ ભરી રહી છે, જે આપણાં સૌ માટે ગૌરવ અને અભિમાનની લેવા જેવી બાબત છે.’ વર્તમાન વડાપ્રધાનપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે, જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે. રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની ગુજરાત સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે.
