
- ઓસ્ટ્રેલિયાને ૩ વિકેટે હરાવી ભારતે ચોથી ટેસ્ટ મેચ જીતી, ટેસ્ટ સીરીઝમાં ટીમ ઓસ્ટ્રેલિયાને 2-1થી આપી હાર
- શુભમન ગિલ , ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત રહ્યા મેચના મુખ્ય હીરો
- પાછલી મેચ ડ્રો થતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેઈનએ રવિચંદ્રન અશ્વિનને કહ્યું હતું કે “ગાબામાં જોઈ લઈશું”
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ રોમાંચક સ્તરે પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા એ ઐતિહાસિક જીત મેળવી લીધી છે.
328 રનનો ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની અડધી સદીને કારણે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પડકાર આપી ચોથી ટેસ્ટ અને સીરીઝ પોતાના નામે કરી દીધી છે.
ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીને 2-1થી જીતીને કાંગારૂની આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના 10થી વધારે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાંય આ જીત ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.
કેપ્ટન અજિંક્ય રહાણેની કેપ્ટન્સીના પણ વખાણ કરવામાં આવી રહી છે. વિરાટ કોહલી પહેલી ટેસ્ટ બાદ પેટરનીટી લીવ પર ગયા બાદ ટીમ ઈન્ડિયાનું સુકાન અજિંક્ય રહાણેએ સંભાળ્યું હતું. જેમાં બીજી ટેસ્ટ જીત્યા બાદ ટીમના ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ત્રીજી ટેસ્ટને હારમાંથી ડ્રો તરફ ખેંચવામાં ભારત સફળ રહ્યું હતું. અને અંતે ચોથી ટેસ્ટમાં મેજબાન ટીમને હરાવી ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને પોતાની પાસે રાખી.