Spread the love

કનકને ત્રણ દિવસ સુધી આઇ.સી.યુ માં રાખવામાં આવ્યો. ચોથા દિવસે એ ભાનમાં આવ્યો ત્યારે એણે જોયું કે પોતાનો ડાબો હાથ અને બન્ને પગ સંપૂર્ણ પણે પેરાલિસિસનો શિકાર બની ગયા હતા.

“હવે કોઈ એક વ્યક્તિએ હંમેશા દર્દીની સાથે જ રહેવું પડશે. ઘરે હોવ કે બહાર, ખૂબ સાચવીને રાખવા.” ડૉક્ટર સાહેબ ધીર ગંભીર ચહેરે બોલીને નીકળી ગયા.

પાછળ આવેલી પરિચારિકાને મંજીએ ગભરાતા ગભરાતા કારણ પૂછ્યું. તો પરિચારિકા એ જવાબ વાળ્યો કે ‘હાથ પગ પેરેલાઈઝડ થઈ ચૂક્યા છે એની જાણ તો તમને પહેલે દિવસે જ કરી દીધેલીને?!! એમને મગજના કેટલાક ભાગોમાં નુકસાન થયું છે એટલે ફરી વાર પેરેલીસીસ થવાની ભીતિ છે.’

પૂનમ, વિમળા, મંજી, નાનકડો અભય, સુશીલ બધામાં ખરું દુઃખ ફક્ત પૂનમને જ હતું. કેમકે હવેથી તમામ ચાકરી એના શિરે જ હતી. અને આવા માણસની સેવા ગમે તેટલી કરો અપયશનાં જ ભાગીદાર થવાનું અલિખિત સત્ય સામે જ હતું.

ભાનમાં આવેલ કનકલાલે વાસ્તવિકતા સ્વીકારી લીધી. પોતે હવે અપાહીજ બન્યો છે અને પારકી મદદનો મોહતાજ પણ.. વધુ કાંઈ જ બોલ્યા વગર વિમળાને થોડા જ શબ્દોમાં વળાવી દીધી.
“આજથી મારે એક જ બહેન છે, તું મારા માટે મરી ગઈ છે અને ભવિષ્યમાં પણ ક્યારેય આ ઘર બાજુ જોવું નહીં.. નિકળ અહીંથી… મરતા સુધી પણ તારું મોઢું જોવું મારે મન હરામ છે.”

કનકલાલની બંને આંખોમાં ગુસ્સો અને આંસુ સાથે હતા. એ પરિવાર તરફ જોઈ ફરી બોલ્યો:
“મારા મર્યા પછી જે કરો એ, પણ હું છું ત્યાં સુધી આ કાળમુખી વિમળાનું મોઢું પણ કોઈએ જોવું નહિ.” બધાએ મુક સંમતિ દર્શાવી અને વિમળાને ધુત્કારીને કાઢી મુકવામાં આવી.

“ભાઈ, વિમળા જતી રહી..” મંજી રડમસ ચહેરે કનકલાલને તાકી રહી.

“તારે જવું હોય તો તું પણ નીકળ…” કનકે આગ ઝરતા શબ્દો ઓક્યા..

મંજી રડતી રડતી કનક પાસે બેસી ગઈ. અને બોલી કે આજ પછી ક્યારેય એનું નામ પણ આપણા ઘરમાં નહિ સાંભળવા મળે.

ગાડી ભાડે કરી સૌ રૂપગઢ ઉપડ્યા. વિમળાનો ત્યાર પછી કોઈ જ સંપર્ક કોઈ દ્વારા કરવામાં આવ્યો નહિ. એ ક્યાં છે? કઇ હાલતમાં છે? વગેરેથી સુશીલ જાણકાર રહેતો હતો પણ અન્યોને કોઈ ખબર હતી નહિ અને એ કોઈને ખબર પણ પડવા દેતો નહીં.

હંમેશ માટે ખાટલામાં પડેલો અપાહીજ કનકલાલ સ્વભાવનો તો એ જ વાયડો, ગુસ્સેલ અને નપાવટ રહ્યો. નાની નાની વાતમાં અહમ ઘવાઈ જાય. અર્થહીન જીદમાં જીવ ઝોંકી દેય અને પોતાનો કંટાળો દૂર કરવા અભયને કરણ વગર ફટકારી નાખે. પોતાનાં સ્વાદાનુસાર રસોઇમાં જરા જેટલી પણ ખામી રહી ગઈ હોય તો પૂનમને છુટ્ટા વાસણ એઠવાડની ગંદગી સાથે ફેંકીને મારે.

પોતાને લઘુશંકા કે કુદરતી હાજતે જતા વખતે પૂનમને ટેકે ચાલતો જાય અને સાફ સફાઈ પણ પૂનમ જ કરે. નહાવા-ધોવાનો તમામ કારભાર પણ પૂનમનાં શિરે જ.. પોતાની મરજી મુજબ ન થાય તો જે હાથ ચડે એ વસ્તુને હથિયાર બનાવી ફેંકી મારે.

પોતાના રૂમમાં અભયને સાથે લઈ જાય. ખાટલે પડી અને અભય પાસે ટીવી ચાલુ કરાવી રિમોટ પોતાની પાસે રાખી લે. રિમોટ આપવા જતી વખતે અભયને નિત્ય ધોલ-થપાટો ખાવાની એ એક ક્રમ બની ગયેલો.

જૂની ફિલ્મોનાં શોખીન કનકલાલ અભયને દીવાલ પાસે મોકલી આપે અને ટીવી તરફ બિલકુલ મોં કરવાની મનાઈ ફરમાવે.. રોજે ટીવી શરૂ કરી આપતાં અભયે આજ સુધી એક પણ વાર ચાલુ ટીવી સામે મોઢું કરેલું જ નહીં. ફક્ત અવાજ સાંભળવા મળે અને એ પણ ક્યારેક કનકનાં બૂમ બરાડાઓમાં દબાઈ જાય.

અતિશય માર ખાવાને લીધે અભય રીઢો થઈ ગયેલો. એનામાં ભાવનાઓ, લાગણીઓ શૂન્ય થઈ રહી હતી. સમય વીતતો ગયો અને અભય 7 વર્ષનો થવા આવ્યો. એવામાં એક વખત પૂનમે મંજીને કીધું: “બહેન જીવવાનો આ એક આધાર છે, જો કંઈક ભણી લેશે તો પાછલી જિંદગીમાં એના બાપને ખવરાવવા સક્ષમ બનશે.. તમારા ભાઈને કહીને કોઈ નિશાળમાં મોકલાવો તો સારું રહેશે.”

મંજીને વાત વ્યાજબી લાગી અને એ ગઈ કનકનાં રૂમમાં…

“ભાઈ, અભય 7 વરસનો થયો છે. મને લાગે છે આને થોડું ઘણું ભણાવવો જોઈએ. કોઈ નિશાળમાં આનો દાખલો કરાવી દઈએ તો!!!” મંજીએ આજીજી ભરતા સુરે કહ્યું.

“આ છીનાળની ઔલાદ શુ ભણવાનો વળી!! છોડ એ બધું.. આને ભણાવીને તારે શુ કામ છે? છોને મરતો કૂતરો સાલો… ” કનકનાં અવાજમાં ધિક્કાર વરસી રહ્યો હતો.

મંજીએ ફરી હિંમત કરી અને કહ્યું: ” ભાઈ, આ અભય કંઈક વાંચતા લખતા શીખસે તો પાછલી જિંદગીએ તમને સૂકું બટકુંય ખવરાવી શકશે. અહીં પડ્યો રહેશે તો શું આવડશે?

કનકે થોડું વિચાર્યું.. ” એ તમારે જે કરવું હોય તે કરો, મારે અહીં એક માણસ હાજર જોઈએ” કહી તેણે મુક સંમતિ દર્શાવી.

મંજીએ પૂનમને જઇ વાત કરી અને ચેતવણીનાં સુરે એ પણ કહ્યું કે અભયની ગેરહાજરીમાં તારે ત્યાં રહેવું પડશે. પૂનમે તો રાજીના રેડ થઈ તમામ વાતોમાં હામી ભણી દીધી. પોતાનો દીકરો હવે શાળાએ જશે. યુનિફોર્મ પહેરશે. મોટો સાહેબ બનશે..

પૂનમે તો જાણે પોતાનાં આભાસી સપનાઓની એક નાનકડી દુનિયા જ વિચારી લીધી..
મંજી એ અભયનો દાખલો સરકારી શાળામાં કરાવી દીધો. સવારે સાત થી બપોરે બાર સુધી શાળા અને પછી કનકની ચાકરી.. આ રોજીંદો ક્રમ બની ગયો.

પહેલી જ વખત શર્ટ અને ચડ્ડીનો યુનિફોર્મ મળ્યો. પાટી-પેન મળ્યા. ભાવહીન અભય યંત્રવત બની શાળા એ જતો અને એજ ચહેરા સાથે પાછો ફરતો.

ક્રમશઃ…


Spread the love