- ભારતીય સેના ઘણા સમયથી કાર્બાઈનની શોધમાં હતી
- DRDO ની કાર્બાઈન સેનાના પરિક્ષણમાં સફળ
- ગયા અઠવાડિયે યોજાઈ યુઝર્સ ટ્રાયલ
DRDO દ્વારા નિર્મિત કાર્બાઈને આર્મીના યુઝર્સ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા
DRDO દ્વારા વિકસિત અને નિર્માણ પામેલી કાર્બાઈને 7 મી ડિસેમ્બરે આર્મી દ્વારા કરવામાં આવેલા અંતિમ યુઝર્સ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આર્મી છેલ્લા કેટલાક સમયથી કાર્બાઈનની શોધમાં હતી ત્યારે DRDO દ્વારા વિકસિત અને નિર્મિત 5.56×30 એમએમની પ્રોટેક્ટીવ કાર્બાઈને આર્મીએ નક્કી કરેલા ગુણવત્તાના બધા જ પરિમાણો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. DRDO એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
કાર્બાઈનના સફળ પરિક્ષણના સુચિતાર્થ
સંરક્ષણ મંત્રાલય અનુસાર ડિરોક્ટરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (DGQA) દ્વારા હાથ ધરવામાં આવેલા ગુણવત્તા તથા વિશ્વસનીયતા અને ચોકસાઈના પરફોર્મન્સના કડક માપદંડો યુઝર્સ ટ્રાયલ દરમિયાન આ the Joint Venture Protective Carbine (JVPC) એ સફળતાપૂર્વક પસાર કર્યા હતા. અંતિમ તબક્કાના આ યુઝર્સ ટ્રાયલ દરમિયાન કાર્બાઈનના આત્યંતિક ગરમ તાપમાન તથા ઊંચાઈ વાળા વિસ્તારના અતિઠંડા વાતાવરણની પરિસ્થિતિમાં પરફોર્મન્સ પણ ચકાસવામાં આવ્યું હતું. અંતિમ તબક્કાના યુઝર્સ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ DRDO દ્વારા વિકસિત અને નિર્મિત કાર્બાઈનને સેનામાં સામેલ કરવાનો માર્ગ મોકળો થયો છે એવું માનવામાં આવે છે.
કેવી છે DRDO દ્વારા વિકસિત અને નિર્મિત કાર્બાઈન
DRDO દ્વારા વિકસિત અને નિર્મિત કાર્બાઈન (JVPC) એ ગેસ સંચાલિત સેમી-બુલ-પપ 700 રાઉન્ડ પ્રતિ મિનિટ (RPM) કરતા વધુ ઝડપથી ફાયર કરતું ઑટોમેટીક કાતિલ હથિયાર છે. કાર્બાઈનની અસરકારક રેન્જ 100 મીટર કરતા વધારે અને વજન લગભગ 3.0 કિલો છે. ઊંચી વિશ્વસનીયતા, પાછળ તરફ ઓછો ધક્કો, પાછળ ખેંચી શકાય એવું બટ, એર્ગોનોમિક ડિઝાઈન, એક હાથે ફાયર કરી શકાય એવી ક્ષમતા જેવા ઉમદા લક્ષણો ધરાવે છે. JVPC એ ટુંકા અંતરના ઓપરેશન માટે સૌથી અનન્ય કેલિબર હથિયાર છે. ફાયરિંગ કર્યા બાદ ઓછો પરત ધક્કો હોવાથી ઝડપથી ફાયરિંગ કરતી વખતે સ્થિર રહીને ફાયરિંગ કરી શકાય છે. આ જોતા JVPC આતંકવાદી હુમલો કે આતંકી પ્રવૃત્તિ નાથવામાં સબળ હથિયાર સાબિત થાય છે.
કાર્બાઈન કોણે ડિઝાઈન કરી છે
તાજેતરમાં પરિક્ષણ કરવામાં આવ્યું તે JVPC ને ભારતીય સેનાની GSQR મુજબની ડિઝાઈન મુજબ DRDO ની પૂણે સ્થિત લેબોરેટરી આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ હથિયારોનું ઉત્પાદન કાનપુર સ્થિત એક ફેકટરીમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે તેના માટેનો દારૂગોળાનું ઉત્પાદન કિર્કી, પૂણેની દારૂગોળાની ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે.
કાર્બાઈન મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
JVPC કાર્બાઈન ગૃહ મંત્રાલયના પરિક્ષણો પાસ કરી ચુકી છે અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPFs) તથા કેટલાક રાજ્યોની પોલીસ દ્વારા પ્રોક્યોરમેન્ટની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લખનૌના DefExpo- 2020 માં 5.56×30 એમએમ ની આ JVPC નું અનાવરણ કર્યું હતું.