લક્ઝમબર્ગની કંપની ગુજરાતમાં સ્થાપી શકે છે પ્લાંટ
તાજેતરમાં જ એક દ્વીપક્ષીય વર્ચ્યુઅલ મીટીંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લક્ઝમબર્ગના વડાપ્રધાન ઝેવીયર બીટેલે ભારતમાં રસીને સતત જોઇતી ઠંડી જગ્યાએ રાખીને હેરફેર કરવા માટેની સમગ્ર વાતાનૂકૂલિત શ્રુંખલામાં રસી રાખવાના રેફ્રીજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સ બનાવતી લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સનું ઉત્પાદન એકમ સ્થાપવા અંગે પ્રસ્તાવ મુક્યો હતો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો. આ પ્રસ્તાવ ઉપર વિદેશમંત્રી જયશંકર સીધી દેખરેખ રાખી રહ્યા છે. આ ઉપરાંત યુરોપિયનના ભારતના એમ્બેસેડર સંતોષ ઝાએ પણ કંપનીના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.
વેક્સિનને સ્ટોર કરવા તથા પરિવહન માટે ચોક્કસ વ્યવસ્થા આવશ્યક
વેક્સિનના સ્ટોરેજ તેનું પરિવહન તથા જેને વેક્સિન આપવાનું છે ત્યાં સુધી વેક્સિન પહોંચે ત્યાં સુધી વેક્સિનની અસરકારકતા જેવી છે તેવી જ જળવાઈ રહે તે ખુબ જ આવશ્યક છે. વેક્સિનની અસરકારકતા જળવાઈ રહે તે માટે તેનો સ્ટોરેજ તથા પરિવહન ચોક્કસ તાપમાન ધરાવતા વાતાવરણમાં થાય તેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. હજુ ગઈકાલે બ્રિટનમાં મંજુરી આપવામાં આવેલી વેક્સિનની અસરકારકતા જળવાઈ રહે તે માટે માઈનસ 70 ડીગ્રી તાપમાનમાં રાખવાની જરૂર રહેશે તેવા અહેવાલો આવ્યા છે. ભારતની વસ્તીનું પ્રમાણ જોતા અન્ય દેશો કરતાં વધારે વેકસિનના ડોઝની જરૂરિયાત રહેશે તે વાસ્તવિકતાને સ્વીકારીને વેક્સિનના સ્ટોરેજ તથા પરિવહન અને વિતરણ દરમિયાન તેની અસરકારકતા જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવી આવશ્યક છે. વેક્સિનના સ્ટોરેજ, વિતરણ તથા રસીકરણ સુધી વેક્સિનની અસરકારકતા જળવાઈ રહે તે રીતે પહોંચાડવા માટે વાતાનૂકૂલિત શ્રુંખલામાં રસી રાખવાના રેફ્રીજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સની મોટા પ્રમાણમાં આવશ્યકતા રહેશે ત્યારે ગુજરાતમાં સ્થપાવા જઈ રહેલા લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમના પ્લાંટનુ મહત્વ સ્વાભાવિક જ વધી જાય છે.
બી મેડિકલ સિસ્ટમ્સનો પ્લાંટ બે વર્ષમાં શરૂ થઈ શકે
લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ્સ દ્વારા પ્રસ્તાવિત પ્લાંટ ગુજરાતમાં આવનારા બે વર્ષમાં કાર્યરત થશે એવી અપેક્ષા છે. રસીને સતત જોઇતી ઠંડી જગ્યાએ રાખીને હેરફેર કરવા માટેની સમગ્ર વાતાનૂકૂલિત શ્રુંખલામાં રસી રાખવાના રેફ્રીજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સ બનાવવાના પ્લાંટ અંગે રાજ્ય સરકાર સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે બી મેડિકલ સિસ્ટમ્સ કંપનીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ટુંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. કંપની પોતાનું પૂર્ણ કક્ષાનું ઉત્પાદન એકમ શરૂ કરવા ધારે છે. ઉત્પાદન એકમ શરૂ થતા આશરે બે વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. આ એકમ ભારતની જરૂરિયાત પુરી કરવા ઉપરાંત નિકાસ પણ કરી શકે છે. જોકે જ્યાં સુધી બી મેડિકલ સિસ્ટમ્સનો પ્લાંટ ગુજરાતમાં કાર્યરત થાય તે પહેલાં કોરોના વિરોધી વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે એવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે ત્યારે વેક્સિનને સતત જોઈતી ઠંડી જગ્યાએ રાખીને હેરફેર કરવા માટેની સમગ્ર વાતાનૂકૂલિત શ્રુંખલામાં રસી રાખવાના રેફ્રીજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સની જરૂરિયાત પડી શકે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો એવો નિર્ણય કરાયો છે કે પહેલા તબક્કામાં માત્ર રેફ્રીજરેશન બોક્સ લક્ઝમબર્ગથી મંગાવવા અને બાકીની જોઇતી ચીજો આત્મનિર્ભર ભારતના વિચાર થકી ભારતમાં સ્થાનિક સ્તરે ઉપબલ્ધ કરાવવામાં આવશે. રેફ્રિજરેટેડ બોક્સ વેક્સિનની અસરકારકતા જળવાઈ રહે તેટલા પ્રમાણમાં તાપમાન ધરાવતી સુવિધા ધરાવતા હશે. બી મેડિકલ સિસ્ટમ્સની ક્ષમતા તથા ટેકનોલોજી માઈનસ 80 ડીગ્રી ધરાવતા રેફ્રિજરેટેડ બોક્સ ઉપલબ્ધ કરાવવાની છે. કંપની પાસે રેફ્રિજરેટેડ બોક્સ સૂર્ય શક્તિ, કેરોસીન, ગેસ તથા ઈલેક્ટ્રીસીટી દ્વારા ચલાવી શકાય એવી ટેકનોલોજી ધરાવે છે. આવનારા દિવસોમાં લક્ઝમબર્ગથી કંપનીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ તથા ગુજરાત સરકાર વચ્ચે વાતચીતમાં બધું સમુસુતરું પાર પડશે તો કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં તૈયાર થઈ શકે છે.