- 26 નવેમ્બર એટલે ભારતીય સંવિધાન સ્વીકાર દિવસ
- સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 મી ડિસેમ્બર 1946 ના દિવસે થઈ હતી.
- ડૉ. બાબાસાહેબ આંબેડકર સંવિધાન સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા
26 મી નવેમ્બર સંવિધાન સ્વીકાર દિવસ
26મી નવેમ્બર એટલે ભારતીય સંવિધાન દિવસ. 26/11/1949 ને દિવસે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોની અનેક ચર્ચાઓ, વિચારણાઓ, સંશોધનો ને અંતે 448 અનુચ્છેદ, 12 અનુસૂચિ, 5 પરિશિષ્ટ તથા લગભગ 100 જેટલાં સંશોધન નો સાથે તૈયાર થયેલાં સ્વતંત્ર ભારતનાં સંવિધાન નો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ભારતીય સંવિધાન નિર્માણની પ્રક્રિયા સ્વતંત્રતા પહેલા શરૂ થઈ હતી
ભારતીય સંવિધાન તૈયાર કરવાની પ્રક્રિયા સ્વતંત્રતા મળ્યા પહેલાં થી જ શરૂ થઈ ગઈ હતી. બંધારણ સભા (Constituent assembly) ની રચના 9મી ડિસેમ્બર 1946 નાં દિવસે કરવામાં આવી હતી જેમાં 93 સભ્યો દેશી રજવાડાઓ નાં તથા 296 સભ્યો તત્કાલીન બ્રિટિશ ભારત નાં હતાં. બંધારણ સભા ની પ્રથમ બેઠક 9મી ડિસેમ્બર 1946 નાં દિવસે જ મળી હતી જેમાં શ્રી સચ્ચિદાનંદ ની વચગાળાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યાં હતાં, જોકે 11 મી ડિસેમ્બર 1946 નાં દિવસે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાનાં અધ્યક્ષ તથા એચ.સી. મુખર્જી ઉપપ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા. બંધારણ સભા સંવિધાન નિર્માણ માટે 8 સમિતિઓની રચના કરી જેમાં સૌથી નોંધપાત્ર, અગત્યની તથા મહત્વની સમિતિ હતી ડ્રાફ્ટિંગ કમિટી જેની રચના 29 ઑગસ્ટ 1947 નાં દિવસે કરવામાં આવી અને તેનાં પ્રમુખ તરીકે પ્રખ્યાત સંવિધાનવિદ્દ ડૉ. ભીમરાવ આંબેડકર ની વરણી કરવામાં આવી.
સંવિધાન સભાની ચર્ચામાં પ્રો. કે.ટી. શાહે ‘સેક્યુલર અને સોશ્યાલિસ્ટ’શબ્દ આમુખમાં ઉમેરવાનો પ્રસ્તાવ મુક્યો
આજકાલ જે શબ્દની સૌથી વધુ ચર્ચા થાય છે તે છે સેક્યુલારિઝમ. આજકાલ છાશવારે કેટલાંક શબ્દો સાંભળવા મળે છે જેમકે સેક્યુલર અથવા પંથ/ધર્મનિરપેક્ષ દેશ છે આપણો, લોકશાહી ની હત્યા કરવામાં આવી છે, બંધારણ ની હત્યા કરવામાં આવી છે વગેરે. આજે સંવિધાન દિવસે આ શબ્દો કે વાક્યો વિશે સ્વયં સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં વિચારો જાણવા ની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. સંવિધાન સભાની ચર્ચા જોતાં આ શબ્દો ભારતીય સંવિધાન માં ઉમેરવા નો પ્રસ્તાવ પ્રો. કે. ટી. શાહ લાવ્યા હતા. 15મી નવેમ્બર 1948 નાં દિવસે પ્રો. કે. ટી. શાહે કહ્યું હતું કે, “નવું રાષ્ટ્ર સમવાયી, સેક્યુલર, સોશ્યાલિસ્ટ રાજ્યોનાં સંઘ તરીકે ઓળખાય”
ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રો. કે.ટી. શાહના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો
પ્રો. કે. ટી. શાહ દ્વારા ભારતીય સંવિધાનના આમુખમાં જે શબ્દો સેક્યુલર અને સોશ્યાલિસ્ટ ઉમેરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાનના ઉદાહરણ આપીને તથા બધા અનુત્તર થઈ જાય એવા દિર્ઘદ્રષ્ટીયુક્ત તર્ક આપીને ધરાર અસ્વીકાર કરી દીધો. સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રો. કે.ટી. શાહના પ્રસ્તાવનો ઉત્તર આપતા કહ્યું કે, “સાહેબ, મને દુઃખ થાય છે કે પ્રોફેસર શાહનો સુધારો હું સ્વીકારી શકતો નથી. મારા બે વાંધા છે જે ટુંકમાં જણાવું છું. મેં રજૂ કરેલા મારા પ્રસ્તાવના સમર્થનમાં આપેલા ઉદ્દઘાટન ભાષણમાં મેં જણાવ્યું હતું કે, ” રાજ્યના જુદા જુદા ભાગોનું નિયમન કરવાનાં હેતુની એક પદ્ધતિ છે. આ કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીની ઓફીસમાં સ્થાપિત કરવાની પદ્ધતિ નથી. રાજ્યની નીતિ કેવી હોવી જોઈએ, સમાજ સામાજિક અને આર્થિક રીતે કેવી રીતે સ્થાપિત થશે કે થઈ રહ્યો છે એ અગત્યનું છે, અને તેનો નિર્ણય લોકોએ સમય અને સંજોગો અનુસાર પોતે જ લેવો જોઈએ તેને બંધારણમાં સમાવી શકાય નહીં કારણકે તેમ કરવું સરવાળે તો લોકશાહીનો નાશ કરવો જ થશે. જો તમે સંવિધાનમાં જ એવું જણાવશો કે રાજ્યની સામાજિક વ્યવસ્થા એક ચોક્કસ સ્વરૂપની હશે તો મારી દ્રષ્ટિએ લોકોની પોતે કઈ સામાજિક વ્યવસ્થામાં જીવવા ઈચ્છે છે તે પસંદ કરવાની સ્વતંત્રતાને તમે છીનવી રહ્યા છો. આજે કદાચ બહુમતી લોકો એવું માનતા હશે કે સમાજવાદી રાજ્ય વ્યવસ્થા એ મુડીવાદી રાજ્ય વ્યવસ્થા કરતાં વધુ સારી છે, પરંતુ એવું પણ સંપૂર્ણ રીતે શક્ય છે કે લોકો વિચારે અને એક એવી મૌલિક સામાજિક વ્યવસ્થા શોધી કાઢે જે આજની અને આવતીકાલની સમાજવાદી વ્યવસ્થા કરતાં વધુ સારી હોય. તેથી મને નથી લાગતું કે લોકોને બંધારણ દ્વારા ચોક્કસ સ્વરૂપની વ્યવસ્થામાં બાંધવા જોઈએ અને તેમને કેવાં પ્રકારની વ્યવસ્થામાં જીવવું છે એ નક્કી કરવાનું તેમનાં ઉપર ના છોડવું જોઈએ. આ સુધારો નહીં સ્વીકારવાનું આ પ્રથમ કારણ છે.
પ્રો. કે.ટી. શાહના પ્રસ્તાવનો અસ્વીકાર કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે બીજું કારણ આપ્યું
પ્રો કે. ટી શાહનો પ્રસ્તાવ જેમાં ભારતના સંવિધાનના આમુખમાં ‘સેક્યુલર અને સોશ્યાલિસ્ટ’ શબ્દો ઉમેરવાની રજૂઆત હતી તેનો અસ્વીકાર કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે બીજો તર્ક આપીને કહ્યું કે, ‘બીજું કારણ એ છે કે આ સુધારો સંપૂર્ણ રીતે અનાવશ્યક છે. મારાં આદરણીય મિત્ર શ્રી શાહ એ ધ્યાનમાં લેતા હોય એવું લાગતું નથી કે આપણે સંવિધાનમાં સમાવેશ કરેલાં મુળભૂત અધિકારો સિવાય પણ, રાજ્યની નીતિના નિર્દિષ્ટ સિદ્ધાંતો સાથે સંકળાયેલા અન્ય વિભાગો પણ રજૂ કર્યાં છે. મારાં આદરણીય મિત્ર જો ભાગ IV માં સમાવિષ્ટ આર્ટિકલ વાંચશે તો એમને દેખાશે કે ધારાસભ્યો તથા કારોબારી સભ્યો (લેજીસ્લેટર અને એક્ઝીક્યુટીવ) બંનેને તેમની નીતિઓના ભાગરૂપે ચોક્કસ જવાબદારી હેઠળ મુકવામાં આવ્યાં છે. હવે આર્ટિકલ 31 વાંચો જે આ બાબત સાથે સંબંધિત છે, તે જણાવે છે કે, ”રાજ્ય ખાસ કરીને પોતાની નીતિઓથી એ સુરક્ષિત કરશે કે નાગરિકો, સ્ત્રી અને પુરુષ બંને એકસમાન રીતે આજિવિકાના પર્યાપ્ત સાધનોનો અધિકાર ધરાવે છે, (ii) સમાજનાં ભૌતિક સંસાધનોની માલિકી તથા નિયંત્રણ એવી રીતે કરવામાં આવે જેથી સમાન સુખાકારી લાવવામાં સહાયભૂત થાય. (iii) આર્થિક પદ્ધતિઓની કામગીરી એવું પરિણામ ન આપે જેનાથી સંપત્તિ અને ઉત્પાદનમાં ખોટ જાય (iv) પુરૂષ અને સ્ત્રી બંનેને સમાન કામ માટે સમાન વેતન…. આવા જ અર્થમાં અન્ય કેટલીક બાબતો પણ વત્તાઓછા પ્રમાણમાં છે જ. હું પ્રોફેસર શાહને પુછવા ઈચ્છું છું કે આ સિદ્ધાંતો જેની તરફ મેં ધ્યાન દોર્યું છે તેની દિશામાં અને સ્વીકારમાં જો સમાજવાદી ન હોય તો એનાથી વધારે સમાજવાદ શું હોઈ શકે તે જ મને સમજાતું નથી. તેથી મારી રજૂઆત એવી છે કે સમાજવાદી સિદ્ધાંતો આપણાં સંવિધાનમાં પહેલાંથી જ સમાવિષ્ટ છે માટે આ સુધારાને સ્વીકારવો અનાવશ્યક છે.”
ડૉ. આંબેડકરના તર્કબદ્ધ અસ્વીકારનો ઉત્તર નહોતો
સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા અકાટ્ય તર્કનું પરિણામ એ આવ્યું કે ભારતીય બંધારણના આમુખમાં બંને શબ્દો ઉમેરવામાં આવ્યા નહીં. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રોફેસર કે. ટી. શાહ નાં સુધારા ઉપર આપેલો ઉપર મુજબ નો ઉત્તર જોતાં એટલું સ્પષ્ટ થાય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં વિચાર મુજબ કેવી સામાજિક વ્યવસ્થા માં રહેવું એ લોકોએ નક્કી કરવાનું છે, જે પહેલાં થી જ બંધારણ માં સુસ્પષ્ટ કરવામાં આવ્યું છે એનું પુનરાવર્તન કરવાની જરૂર નથી અને જો બંધારણ દ્વારા પણ કોઈ સામાજીક વ્યવસ્થા થી સામાન્ય નાગરિક ને બાંધી દેવામાં આવે તો તે નાગરિક ની સ્વતંત્રતા તથા લોકશાહી નાં નાશ કરવા બરાબર છે.
શ્રીમતી ઈન્દિરા ગાંધી દ્વારા 42મા બંધારણીય સુધારા થકી ડૉ. આંબેડકરે વિરોધ કર્યો હતો એ શબ્દો ઉમેરવામાં આવ્યા
સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે શબ્દોને સંવિધાનમાં ઉમેરવા માટે લોકશાહીનો નાશ કરનારાં તથા નાગરિકની કેવી વ્યવસ્થા માં જીવવું એ નક્કી કરવાની સ્વતંત્રતા છીનવી લેનારાં કહીને સ્પષ્ટ રીતે નકારી દીધાં હતાં એ બંને શબ્દો ભારતીય સંવિધાનના આત્મા, પ્રાણ સમાન આમુખમાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સંવિધાન નાં 42 માં સુધારા અંતર્ગત ઉમેરી દીધાં. ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંવિધાન સભાના શબ્દો સમજતાં એવું કહેવું કદાચ ખોટું નહીં જ કહેવાય કે લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર કુઠારાઘાત કરવામાં આવ્યો હતો.