• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 44
• ગાંધીજીએ સ્વીકાર્યું કે હિન્દુઓ મારા ભરોસે રહ્યા…ને મર્યા
- મુસ્લિમ તોફાનો સંદર્ભે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘કલકત્તા, સંયુક્ત પ્રાંતો, મધ્ય પ્રાંતો અને મુંબઈ પ્રાંત રમખાણોની ભૂમિ બન્યાં. ગુજરાતમાં હિંદુ તથા મુસ્લિમ ભેદભાવની લાગણી પરાકાષ્ટાએ પહોંચી હતી અને એકાદ સ્થળે તો મંદિરને પણ અપવિત્ર બનાવવામાં આવ્યું. સપ્ટેમ્બરના અંતમાં, હિંદુઓના મહત્વના રામલીલાના પર્વ વખતે અનેક સ્થળોએ તીવ્ર ચિંતા પ્રસરી અને સંયુક્ત પ્રાંતોના મહત્વના સ્થળ અલિગઢમાં રામલીલાના ઉત્સવ સમયે જ તે વર્ષનું સૌથી ખરાબ રમખાણ ફાટી નીકળ્યું.
- ગાંધીજીએ કહ્યું: ‘હું ગઇકાલે જ હકીમજીને કહેતો હતો કે હિન્દુ મહિલાઓ મુસલમાન ગુંડાઓથી ત્રાસેલી છે, એમના પ્રાણ સંકટમાં આવી પડ્યા છે, અનેક જગ્યાએ એકલા જતાં તેઓ ડરે છે. મને……નો પત્ર મળ્યો છે. એમનાં નાના બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ હું કઇ રીતે સહન કરું ? હું કયા મોંએ કહું કે હિન્દુ કોઇપણ પરિસ્થિતિમાં ધીરજ રાખે ?’
ખિલાફત આંદોલન પછી દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. 1924 થી શરુ થયેલા તોફાનો અટવાનું નામ નહોતા લેતા.
મુસ્લિમ તોફાનો સંદર્ભે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘1925-26માં હિન્દુઓ તથા મુસ્લિમો વચ્ચેની દુશ્મનાવટ વ્યાપક બની. આ વર્ષમાં થયેલાં હિંદુ-મુસ્લિમ રમખાણોની મહત્ત્વની વિશિષ્ટતા એ હતી કે તે વ્યાપક હતાં અને ક્યારેક તો તે નાનાં ગામડાઓમાં પણ થયાં હતાં. કલકત્તા, સંયુક્ત પ્રાંતો, મધ્ય પ્રાંતો અને મુંબઈ પ્રાંત રમખાણોની ભૂમિ બન્યાં. ગુજરાતમાં હિંદુ તથા મુસ્લિમ ભેદભાવની લાગણી પરાકાષ્ટાએ પહોંચી હતી અને એકાદ સ્થળે તો મંદિરને પણ અપવિત્ર બનાવવામાં આવ્યું. સપ્ટેમ્બરના અંતમાં, હિંદુઓના મહત્વના રામલીલાના પર્વ વખતે અનેક સ્થળોએ તીવ્ર ચિંતા પ્રસરી અને સંયુક્ત પ્રાંતોના મહત્વના સ્થળ અલિગઢમાં રામલીલાના ઉત્સવ સમયે જ તે વર્ષનું સૌથી ખરાબ રમખાણ ફાટી નીકળ્યું. તે રમખાણને કારણે પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામી. લખનૌમાં તો એક વાર રામલીલા અવસરે ભયંકર પરિસ્થિતિ ધારણ કરી પણ સ્થાનિક સત્તાવાળાઓએ રમખાણ થતું અટકાવ્યું. ઓક્ટોબરમાં, મુંબઈ પ્રાંતના શોલાપુરમાં ગંભીર રમખાણ થયું. ત્યાં સ્થાનિક હિંદુઓ મૂર્તિ સાથેની ગાડી લઈને જતા હતા. જ્યારે તે મસ્જિદ પાસે આવ્યા ત્યારે એમાંથી રમખાણ ઊભું થયું. એપ્રિલના પ્રારંભમાં કલકત્તામાં દુઃખદ રમખાણો થયાં. ઈ.સ. 1926-27નું વર્ષ તે સતત કોમી રમખાણોનું વર્ષ હતું. ઈ.સ. 1926ના એપ્રિલથી પ્રત્યેક મહિને બંને કોમના તોફાનીઓ વચ્ચે વત્તા-ઓછા પ્રમાણમાં ગંભીર બખેડા થયાં. માત્ર બે જ મહિના ખરેખર તોફાન વિનાના વીત્યાં. આ અસંખ્ય રમખાણોની પરિસ્થિતિઓની તપાસ કરતાં જણાય છે કે કાં તો તે વ્યક્તિઓ વચ્ચેના નાના ક્ષુલ્લક વિચારોમાંથી દાત. કોઈ ધાર્મિક તહેવારોની ઉજવણી અથવા તો મુસ્લિમ ધર્મસ્થાન પાસે હિંદુઓની શોભાયાત્રામાં વાગતું સંગીત હતું. કેટલાંક રમખાણો મસ્જિદ પાસે હિંદુઓએ વાજાં વગાડવાને કારણે કે મુસ્લિમો દ્વારા ગાયોની કતલ કરવાને કારણે થયાં હતાં. આ તોફાનોમાં થયેલી કુલ ખુવારીમાં લગભગ 103 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી તથા 1084 જેટલી વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 187-190)
ડો. બાબાસાહેબ આગળ લખે છે: ‘આખા ઉનાળા દરમ્યાન કલકત્તા અસ્વસ્થ રહ્યું. પહેલી જૂને એક નાના ઝઘડામાંથી રમખાણ જાગ્યું. જેમાં ચાલીસ વ્યક્તિઓ ઘવાઈ. ત્યાર પછી 15મી જુલાઈ સુધી જે દિવસે હિંદુઓનું મહાન પર્વ આવતું હતું. તે પર્વની ઉજવણી વખતે કોઈ મસ્જિદની પાસે થઈને હિંદુઓની શોભાયાત્રા નીકળી હતી અને તેમાં વાજાં વાગતાં હતાં. આથી રમખાણ થયું જેમાં 14 વ્યક્તિઓ મૃત્યુ પામી તથા 116 વ્યક્તિઓ ઘાયલ થઈ.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 1190)
દેશભરમાં મુસ્લિમ તોફાનોથી ગાંધીજી લાચાર-દુ:ખી હતા. એમાં પણ કોહાટના હિન્દુ હત્યાકાંડે એમને અંદરથી હચમચાવી નાખ્યા. ગાંધીજીએ
એકવીસ દિવસના ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. એમણે કહ્યું, ‘મારી નિરાશા (પાછળથી એને ‘લાચારી’કહ્યું) મને અસહ્ય લાગતી હતી. કોઇ ઉપાય સૂઝતો નથી. હું જે કહું છું અને લખું છું એનાથી બંને કોમોને એક નથી કરી શકાતી, તેથી મેં ઉપવાસ દ્વારા પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો છે.’ (યંગ ઇંન્ડિયા, 12. 02. 1925)
એમણે દુ:ખી થઇને કહ્યુંકે હવે સ્થિતિ એવી થઇ છે કે જે હિન્દુઓ અને મુસલમાનો બે વર્ષ પૂર્વે ખભેખભા મિલાવીને કામ કરતા હતા એ જ હવે કૂતરા અને બિલાડાની જેમ એકબીજાની સાથે લડી રહયા છે.’
ઉપવાસ દરમિયાન એક વખત મહાદેવ દેસાઇએ એમને પૂછ્યું કે તેઓ પોતાની કઇ ભૂલનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે ? ત્યારે ગાંધીજીએ કહ્યું, ‘મારી ભૂલ? મેં હિન્દુઓનો વિશ્વાસઘાત કર્યો છે એવું લાંછન મારા ઉપર નહીં લગાવવામાં આવે ? મેં એમને કહ્યું હતું કે તેઓ પોતાના પવિત્ર સ્થાનોના રક્ષણ માટે પોતાનું તન અને ધન મુસલમાનોને સોંપી દે. આજે પણ હું કહી રહ્યો છું કે પોતાના ઝઘડા તેઓ અહિંસાના માર્ગે ચાલીને પતાવે. ભલે મરી જાય પણ મારે નહીં, પરંતુ પરિણામ શું આવ્યું ? કેટલી બધી બહેનો મારી પાસે ફરિયાદ લઇને આવી. હું ગઇકાલે જ હકીમજીને કહેતો હતો કે હિન્દુ મહિલાઓ મુસલમાન ગુંડાઓથી ત્રાસેલી છે, એમના પ્રાણ સંકટમાં આવી પડ્યા છે, અનેક જગ્યાએ એકલા જતાં તેઓ ડરે છે. મને……નો પત્ર મળ્યો છે. એમનાં નાના બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ હું કઇ રીતે સહન કરું ? હું કયા મોંએ કહું કે હિન્દુ કોઇપણ પરિસ્થિતિમાં ધીરજ રાખે? મેં એમને ખાતરી આપી હતી કે મુસલમાનો સાથેની મિત્રતાનું પરિણામ સારું આવશે. મેં એમને કહ્યું હતું કે તેઓ નિષ્કામ ભાવે મિત્રતા રાખે. આજે હું અસહાય છું. મેં એમને આપેલું આશ્વાસન નિષ્ફળ ગયું. મારું કોઇ સાંભળતું નથી, પરંતુ આજે પણ હું હિન્દુઓને કહીશ કે ‘મરી જાઓ, પરંતુ મારો નહીં.’ (યંગ ઇંન્ડિયા, 25. 09. 1924)
પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘1924ની નવમી અને દસમી સપ્ટેમ્બરનો બનાવ બન્યાને દસ વર્ષ થઇ ગયાં છે, પરંતુ કોહાટના અત્યાચારો વિશે ભારતીય વિદ્યાલય, કોહાટના આચાર્ય લાલા નંદલાલે રમખાણો પછી તરત જ કોહાટ શરણાર્થી કાર્યસમિતિ માટે લખેલું નિવેદન વાંચીને વાચકો આજે પણ કંપી ઊઠે છે.’ . (પટ્ટાભિ સીતારામૈયા: હિસ્ટ્રી ઓફ કોન્ગ્રેસ, પૃષ્ઠ: 465)
ગાંધીજીના ઉપવાસ પૂરા થયા પછી એકતા સંમેલન બોલાવવામાં આવ્યું, પરંતુ એ કેવળ દેખાવ પૂરતું જ સાબિત થયું. એ દિવસે પ્રયાગ, લખનૌ તથા અન્ય સ્થળોએ ફરીથી રમખાણો ફાટી નીકળ્યા. ગાંધીજીએ પણ ખાનગીમાં સ્વીકાર્યું કે મુસલમાનોના વિરોધને કારણે જ એકતા માટેની વાટાઘાટો નિષ્ફળ ગઇ.
ખિલાફતનું પરિણામ એ આવ્યું કે મુસલમાનોની દરેક વાત અને વ્યવહારમાં દુરાગ્રહ વ્યક્ત થવા લાગ્યો. 1929 જાન્યુઆરીમાં સર્વપક્ષીય મુસ્લિમ સંમેલનમાં મુસ્લિમોને સંબોધન કરતી વખતે મહમ્મદ અલીએ એમનામાં એવો આત્મવિશ્વાસ જગાડ્યો કે પહેલાં થઇ ગયેલાં સાંપ્રદાયિક તોફાનોમાં એક મુસલમાને ત્રણ કાફરોનો વધ કર્યો હતો.
ખિલાફત પ્રશ્ન પૂરો થઇ જતાં અલીબંધુઓ માટે કોંગ્રેસ સાથે સંબંધો રાખવા માટેનું કોઇ કારણ ન રહ્યું. એમણે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો. એપ્રિલ 1930માં મુંબઇમાં અખિલ ભારતીય મુસ્લિમ સંમેલનમાં મહમ્મદઅલીએ કહ્યું કે ‘એમણે ગાંધીજીની સાથે કામ કરવાની ના પાડવાનું કારણ એ હતું કે એમનું આંદોલન ભારતની પૂર્ણ સ્વાધીનતાનું આંદોલન નહોતું. એમનો ઉદ્દેશ્ય તો ભારતના સાત કરોડ મુસલમાનોને હિન્દુ મહાસભાના દાસ બનાવવાનો હતો.’
મદ્રાસમાં 1927ના કોંગ્રેસ અધિવેશનમાં સરોજિની નાયડુએ જ્યારે હિન્દુ-મુસ્લિમ એકતા બાબતે ઠરાવ રજૂ કર્યો ત્યારે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓની માનસિકતા વિશે ચર્ચા કરતાં કહ્યું કે, એમણે (મુસ્લિમ નેતાઓએ) એમ પણ કહ્યું છે કે ‘જો તમે કરી શકતા હો તો રાજ્યોનું એવું વિભાજન કરો કે સિંઘ એક અલગ પ્રાંત બને. જેથી મહામહિમ અફઘાન શાહ અમાનુલ્લાનું શાસન છે એવા બલૂચિસ્તાન અને પશ્ચિમોત્તર સીમા પ્રાંતને સિંધ સાથે ભાઇચારાનો અને સ્વતંત્ર સંબંધ સ્થાપવાની તક મળશે.’ (અ હિંદુ નેશનાલિસ્ટ : ગાંધી મુસ્લિમ કૉન્સ્પિરસી, પૃષ્ઠ: 18-19)
આ દિવસોમાં મુસ્લિમ નેતાઓ પડકાર ફેંકી રહ્યા હતા: ‘ભલે થઇ જાય ચોથું પાણીપત.’ માલવીયજીએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો, ‘…તો પછી થઇ જાય. વાર શાની છે ?’
——— |: ક્રમશ:| —— ©kishormakwana