- ભારતીય સેનાએ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું.
- મિસાઈલ અવાજની ગતિ કરતા 2.8 ગણી ઝડપે પ્રહાર કરી શકે છે.
- આ પરિક્ષણ બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનું નેવલ વર્ઝન ટેસ્ટ કર્યાના મહિના બાદ કરવામાં આવ્યું છે.
ભારતીય સેનાએ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું
ભારતીય સેનાએ મંગળવારે સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું ‘ટોપ એટેક’ રૂપરેખાંકનમાં/ Configuration માં પરિક્ષણ કર્યું હતું, મિસાઈલ બંગાળની ખાડીમાં નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યને પ્રહાર કરીને પોતાના સઘળા લક્ષ્યાંક સિદ્ધ કરી બતાવ્યા હતા. આ પરિક્ષણ મિસાઈલ સિસ્ટમના પરિક્ષણોની ‘ટોપ એટેક’ રૂપરેખાંકન શ્રેણીનું પ્રથમ પરિક્ષણ છે. ભારતીય સેનાએ એક મહિના પહેલા સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈ ઉપરથી આ ક્રુઝ મિસાઈલના નૌકાદળ માટેના નેવલ વર્ઝનનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું જેમાં મિસાઈલે અરબ સાગરમાં નક્કી કરવામાં આવેલા લક્ષ્યને અચૂકપણે વિંધી બતાવ્યું હતું. આવનારા દિવસોમાં નૌકાદળ તથા વાયુદળ દ્વારા આ ક્રુઝ મિસાઈલના વધુ પરિક્ષણ કરવામાં આવે એવી શક્યતા છે.
પૂણે સ્થિત સધર્ન કમાન્ડ દ્વારા ટ્વીટર પર વિડિયો મુકાયો
પૂણે સ્થિત સધર્ન કમાન્ડ દ્વારા ટ્વીટર ઉપર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. સધર્ન કમાન્ડ દ્વારા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું 24મી નવેમ્બરે ‘ટોપ એટેક’ રૂપરેખાંકન/ Configuration માં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે, મિસાઈલે બંગાળની ખાડીમાં નિર્ધારિત લક્ષ્યાંકને ‘પીન પોઈન્ટ’ ચોક્સાઈ સાથે ભેદી બતાવ્યું છે. આ પરિક્ષણ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પરથી કરવામાં આવ્યું હતું.
શું છે ડાયરેક્ટ એટેક અને ટોપ એટેક કોન્ફિગ્રેશન
બ્રહ્મોસ મિસાઈલ સહિતની મોટાભાગની આધુનિક મિસાઈલ બે પ્રકારે છોડી શકાય છે, ડાયરેક્ટ એટેક અને ટોપ એટેક. ટોપ એટેક પ્રકારે જ્યારે મિસાઈલ ફાયર કરવામાં આવે છે ત્યારે મિસાઈલ ફાયર થતાં જ તીવ્રતાપૂર્વક ઉંચકાય છે તથા ચોક્કસ ઉંચાઈએ આગળ વધે છે અને નિર્ધારિત લક્ષ્યાંકના ટોપ ઉપર જોરથી એટેક કરે છે. ટોપ એટેક ની સરખામણીએ ડાયરેક્ટ એટેક પ્રકારે જ્યારે મિસાઈલ ફાયર કરવામાં આવે ત્યારે મિસાઈલ નીચી સપાટીએ આગળ વધે છે અને લક્ષ્યાંક ઉપર સીધો પ્રહાર કરે છે.