- બિહાર વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં ઘમાસાણ
- કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ બાદ ગુલામ નબી આઝાદે ઉઠાવ્યો પ્રશ્ન
- અધીર રંજન ચૌધરીએ અસંતુષ્ટો પક્ષ છોડી શકે છે એવું કહ્યું
બિહાર વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં ઘમાસાણ
બિહાર વિધાનસભા તથા અન્ય પેટા ચુંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. ઑગસ્ટ મહિનામાં પત્ર લખીને પાર્ટીમાં ભુકંપ સર્જનારા 23 નેતાઓમાંના કેટલાક નેતાઓના બયાન હજુ પાર્ટીને એક અર્થમાં આઈનો દેખાડનારા તો બીજા અર્થમાં બગાવતી તેવર દર્શાવનારા સમજાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઈને કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ તથા છેલ્લે કાશ્મીર કોંગ્રેસનો ચહેરો ગણાતા ગુલામ નબી આઝાદના વક્તવ્ય તથા તેમના પ્રત્યુત્તર માં અધીર રંજન ચૌધરી, સલમાન ખુરશીદ અને ખડસેના વક્તવ્ય કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોવાનો ચિતાર આપે છે.
કપિલ સિબ્બલના અણીદાર વિધાન
કોંગ્રેસમાં ગાંધી-નેહરુ પરિવારના વફાદાર તથા અસંતુષ્ટ નેતાઓ વચ્ચે ઘમાસાણ અટકવાનું નામ લેતું નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એક ટેલિવિઝન ઈન્ટરવ્યુ દરમિયાન એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે અસરકારક વિરોધ પક્ષ રહ્યો નથી. આ ઇન્ટરવ્યુમાં આગળ વધીને કપિલ સિબ્બલે કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્વયં પોતાને કોંગ્રસના પ્રમુખ પદમાં કોઈ જ રસ નથી એવી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ આ જાહેરાત કર્યાને દોઢ વર્ષ થવા છતાં હજુ કોંગ્રેસ પ્રમુખ વિનાની પાર્ટી બની રહી છે. નેતા વગર કોઈપણ પાર્ટી કામ કેવી રીતે કરી શકે છે ? કોંગ્રસના કાર્યકરોને શું કરવું તે જ સમજાતું નથી. કપિલ સિબ્બલના વક્તવ્યનો અર્થ વર્તમાન નેતૃત્વ ઉપર તથા તેની સક્ષમતા ઉપર ઉઠાવેલા પ્રશ્નાર્થ સમાન ગણાવાઈ રહ્યું છે તો કેટલાક રાજકીય વિશ્લેષકો આ વક્તવ્યનો અર્થ અઘોષિત વિરોધ ગણી રહ્યા છે.
ગુલામ નબી આઝાદના ગર્ભિત આરોપ
કાશ્મીરમાં કોંગ્રેસનો ચહેરો ગણાતા તથા રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વરિષ્ઠ ગણાતા કોંગ્રસના નેતા ગુલામનબી આઝાદે પણ ગર્ભિત રીતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા સોનિયા ગાંધીના નેતૃત્વ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યાં છે. ગુલામનબી આઝાદે કોંગ્રેસની શિર્ષસ્થ નેતાગીરી સામે ગર્ભિત રીતે સવાલ ઉઠાવતા કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ જાહેરમાં આવી ગઈ છે. ગુલામનબી આઝાદે કહ્યું કે, હું હાર માટે નેતૃત્વને જવાબદાર નથી માનતો પરંતુ કોંગ્રેસે જમીન સ્તર ઉપર સંપર્ક અને જોડાણ ગુમાવી દીધું છે. ચુંટણી ફાઈવ સ્ટાર કલ્ચરથી નથી જીતી શકાતી. પક્ષમાં ઉચ્ચ સ્તરીય નેતૃત્વ પરિવર્તન કરવામાં આવવું જોઈએ. કપિલ સિબ્બલ બાદ ગુલામનબી આઝાદના બયાનને રાજકીય વર્તુળોમાં ઘણું ગંભીર ગણાવાઈ રહ્યું છે. ગુલામનબી આઝાદે આગળ વધીને કહ્યું કે, કોંગ્રેસે રાષ્ટ્રીય વિકલ્પ બનવા માટે આંતરિક ચુંટણી આવશ્યક છે. છેલ્લા 72 વર્ષમાં કોંગ્રેસ હાલમાં સૌથી ખરાબ સ્થિતિમાં આવી ગઈ છે અને છેલ્લી બે ટર્મથી લોકસભામાં વિપક્ષના નેતાનો હોદ્દો પણ કોંગ્રેસ પાસે રહ્યો નથી.
કોંગ્રેસના અન્ય નેતાઓના અસંતુષ્ટોને ઉત્તર
એક બાજુ કોંગ્રેસના અસંતુષ્ટ જૂથના નેતાઓ જાહેરમાં બળાપો કાઢી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રસના ગાંધી નેહરુ પરિવારના વફાદાર ગણાતા નેતાઓ એમને ઉત્તર આપી રહ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અસંતુષ્ટોને સૌથી કડક ભાષામાં ઉત્તર આપ્યો છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોઈને એવું લાગતું હોય કે કોંગ્રેસ તેમના માટે યોગ્ય પાર્ટી નથી તેઓ નવા પક્ષની સ્થાપના કરી શકે છે અથવા એમને જે પક્ષ એમના હિતો મુજબ લાગતો હોય એ પક્ષમાં જોડાઈ શકે છે પણ તેમણે કોંગ્રેસ પક્ષની વિશ્વસનીયતાનું જાહેરમાં ધોવાણ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. કપિલ સિબ્બલના બયાન વિશે બોલતા એમણે કહ્યું હતું કે, કપિલ સિબ્બલ પાર્ટીની સ્થિતિથી નાખુશ છે પરંતુ શું તેઓ ઉત્તરપ્રદેશમાં ચુંટણી પ્રચાર અભિયાન દરમિયાન ગયા હતા ખરા ? પાર્ટી માટે જમીન સ્તર ઉપર કાર્ય કર્યા વગર આવા વક્તવ્ય આપવા જોઈએ નહીં. અધીર રંજન ચૌધરી ઉપરાંત કોંગ્રસ કાર્યસમિતિના સ્થાયી આમંત્રિત સદસ્ય સલમાન ખુરશીદે સાલસ ભાષામાં કહ્યું કે, પ્રત્યેક ચુંટણી વખતે આવી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. અમારી વચ્ચે કોઈ જ કલહ નથી. પાર્ટીના આગેવાનો જે નેતૃત્વનો હિસ્સો છે તે જોશે કે ક્યાં ઉચિત થયું નથી.
પી. ચિદમ્બરમે ઉઠાવ્યો પ્રશ્ન
બિહાર વિધાનસભાની ચુંટણીમાં તથા અન્ય પેટા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નબળા પ્રદર્શન બાદ કપિલ સિબ્બલ, ગુલામનબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓ આલોચના કરી રહ્યા છે. કોંગ્રસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમે પણ આ આલોચનામાં પોતાનો સૂર મિલાવ્યો છે. પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકની પેટા ચુંટણીના પરિણામોથી ચિંતિત છું. પરિણામો બતાવી રહ્યા છે કે જમીની સ્તર ઉપર પક્ષના સંગઠનનું કોઈ અસ્તિત્વ નથી અથવા ખુબ જ નબળું અસ્તિત્વ છે. પી. ચિદમ્બરમના નિવેદનને ઘણી ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. આ પહેલા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે બિહારની ચુંટણીમાં કોંગ્રેસના પરાજય માટે ઈવીએમને જવાબદાર ગણાવવાના કોંગ્રસના નિવેદનનો વિરોધ કરીને ઈવીએમને સો ટકા વિશ્વસનીય તથા ટેમ્પરપ્રુફ ગણાવ્યું હતું.
શું કોંગ્રેસ તુટશે ? પી ચિદમ્બરમ નવો પક્ષ બનાવશે ?
કોંગ્રસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસ નેતૃત્વની આકરી ટીકા કરીને કહ્યું કે, કોંગ્રેસે હવે સામાન્ય લોકો ઉપરથી પકડ ગુમાવી દીધી છે. આ ઉપરાંત પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે બિહારની ચુંટણી બાદ આપેલા નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે પી. ચિદમ્બરમ દક્ષિણ ભારતમાં નવો રાજકીય પક્ષ બનાવશે. ચિદમ્બરમ પિતા પુત્રના નિવેદનો જોતા આ સંભાવના આઘી કરી શકાય એમ નથી. પી. ચિદમ્બરમ ઘણા સમયથી કોંગ્રેસ છોડવાનો વિચાર કરી રહ્યા છે એવું એમની નજીકના સૂત્રોનું માનવું છે. જોકે પી. ચિદમ્બરમ ભાજપમાં જોડાઈ શકે એ સંભાવના સાવ અસ્થાને છે પરંતુ 90ના દશકામાં જી. કે. મુપનારના રસ્તા પર જઈ શકે છે. જી. કે. મુપનારે 90 નાં દશકમાં કોંગ્રેસથી જુદા પડીને તમિલ મનિલા કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી. પી. ચિદમ્બરમ એ વખતે જી. કે. મુપનારની પડખે રહેલા. વર્તમાન સ્થિતિ જોતા પી. ચિદમ્બરમ તમિલ મનિલા કોંગ્રેસના જુના નેતાઓ, સાથીદારોને ભેગા કરીને તમિલ મનિલા કોંગ્રેસને પુનર્જન્મ આપી શકે છે અથવા નવી જ પાર્ટી સ્થાપી શકે છે.