- કચ્છના કુકમા ગામના સરપંચ કંકુબેન વણકર
- ગામમાં આમુલ ફેરફાર કરીને રાહ ચીંધે છે
- ગામની સૌથી વધુ ભણેલી દિકરીઓના નામથી ગામના રસ્તાઓને નામ આપ્યા
અને દુનિયાને નવો રાહ ચીંધતા કચ્છના કુક્મા ગામના સરપંચ કંકુબેન વણકર
કુકમા ગામ, કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું એક નાનકડું રળિયામણું ગામ અને એના મહિલા સરપંચ એમનાં દેશ અને દુનિયાને એક મજબૂત અને રાહ ચીંધતો માર્ગ કંડારવા બદલ આજકાલ ચર્ચામાં છે. 25 સપ્ટેમ્બર 2018 ના દિવસે કુક્મા ગ્રામ પંચાયતે ગ્રામ પંચાયત બોલાવી અને ગામના માર્ગોના નામ ગામની ભણેલી દીકરીઓના નામે રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
16 તેજસ્વિની દીકરીઓના નામે 16 માર્ગો
સપ્ટેમ્બર 2018માં થયેલા ઠરાવના અમલીકરણ કરતાં ગ્રામ સભાએ પ્રેરક સરપંચ શ્રી કંકુબેન અમૃતભાઈ વણકરની આગેવાની હેઠળ માત્ર દોઢ જ વર્ષમાં ગામના 16 માર્ગોને ગામની તેજસ્વિની દીકરીઓના નામ થી શણગારી દીધા. આજે કુકમા ગામના માર્ગો ગામની તેજસ્વી દીકરીના નામે છે. સરપંચ શ્રી કંકુબેન તથા ગામનાં લોકોનું એવું માનવું છે કે આ નવતર પગલાને કારણે ગામમાં દીકરીઓને શિક્ષિત દીકરીઓને સન્માન તથા અન્ય દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.
ઉકરડાને બનાવ્યો ઉત્થાનનો મંચ
કંકુબેનનો એક અન્ય નિર્ણય પણ તેમની આગવી કાર્યશૈલીનો પરચો કરાવે છે. ગામમાં એક વિશાળ જગ્યા ખુલ્લી હતી જ્યાં ગામના લોકો કચરો ફેંકતા હતા. કચરાને કારણે આ જગ્યા દુર્ગંધ મારતો ઉકરડો બની ગઈ હતી, કંકુબેને સરપંચ બનતાં જ આ જગ્યાને સાફ કરાવીને એની ચોતરફ દીવાલ ચણાવી દીધી અને એ જગ્યાને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે ચોક નામ આપી દીધું. આજે આ જગ્યાએ હવે ગૌસેવા, મહિલા ઉત્થાન તથા સતસંગની પ્રવૃત્તિઓ થઈ રહી છે.
સરકાર કરતાં વહેલા અને પહેલા
એક બાબત યાદ રાખવી ઘટે કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે 8મી ઓક્ટોબર 2018ના દિવસે કેન્દ્ર સરકારની યોજના “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના હેઠળ શેરીઓ, રસ્તાઓના નામ તેજસ્વી દીકરીઓના નામે રાખવાનું ઠરાવ્યું હતું. કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીએ રાજ્ય સરકારના ઠરાવના ઘણા સમય બાદ 19મી ફેબ્રુઆરી 2020માં પરિપત્રબહાર પાડીને શેરીઓના નામ દીકરીઓના નામે રાખવા સૂચવ્યું હતું. કુકમા ગામના સરપંચ શ્રી કંકુબેન આ બાબતે સરકારના પગલાં કરતાં પહેલા પગલાં લઈને સમગ્ર દેશ માટે આદર્શ અને દૂરદ્રષ્ટા સાબિત થયા છે.
કોરોના મહામારી તથા લોક ડાઉન દરમિયાન ગ્રામજનોને રેશન પુરુ પાડ્યું
કોરોના મહામારી દરમિયાન અવિરતપણે ખડેપગે ઉભા રહીને કંકુબેને પોતે ગામના સાચા નેતા છે એનો પરિચય કરાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોક ડાઉન દરમિયાન ગ્રામજનોને અનાજ વગેરેની તકલીફ ન પડે ખાસ કરીને રોજીંદા કામદારોને તકલીફ ન પડે એની ચિંતા કંકુબેને માતૃવત લાગણીથી સરપંચ તરીકે કરી અને સૌને અનાજ, કરિયાણાની કીટ પહોંચતી કરી.
સ્તુત્ય પગલાં આદર્શ ઉદાહરણ
કુકમા ગામના સરપંચ કંકુબેન પોતે મહિલા હોવાની સાથે સાથે ગામના વડા છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતે વધારે ભણી નથી શક્ય પરંતુ ગામની દીકરીઓને ભવિષ્યમાં પણ સતત ભણવા તથા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરે તેવા પગલાં દ્વારા દાખલો આપ્યો છે. આજે કુક્મા ગામના 16 રસ્તાઓ તેજસ્વિની દીકરીઓના નામથી ઝળહળી રહ્યા છે.