- સુરતની ટ્રાઈ સ્ટાર નામની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી
- તાત્કાલિક અગ્નિશામક દળો પહોંચી ગયા
- કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી
- હોસ્પિટલમાંથી 60 જેટલા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કરવામાં આવ્યા
સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લાગી આગ
સુરતના નાનપુરા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ ટ્રાઈસ્ટારમા બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. અગ્નિશમન દળની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને બુઝાવવા તથા દર્દીઓના બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી.
દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા
હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણકારી મળતા જ અગ્નિશમન દળની ગાડીઓ પહોંચી ગઈ હતી. અગ્નિશમન દળના અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સહિતના આશરે 60 દર્દીઓને તુરંત ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાંથી ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં આગ ક્યાં અને કેવી રીતે લાગી ?
સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ પહેલા માળે નોન કોવિડ વોર્ડમાં લાગી હતી એવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે જાણી શકાયું નથી. પ્રથમ માળે 16 દર્દીઓ સારવાર હેઠળ હતા તેમને તથા અન્ય સારવાર હેઠળના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં તુરંત ખસેડવામાં આવ્યા છે. આગ લાગતા હોસ્પિટલમાં ચોતરફ ધુમાડો ફેલાઈ ગયો હતો જેથી થોડી અફડાતફડી મચી હતી પરંતુ અગ્નિશમન દળના અધિકારીઓએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે.
હોસ્પિટલના સત્તાવાળાઓએ ચુપ્પી સાધી
આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ આગ શોર્ટ સર્કિટ ને કારણે લાગી હોઈ શકે જોકે સાચું કારણ તપાસને અંતે ખબર પડશે. આગની ઘટના ઉપર હોસ્પિટલના સત્તાવાળાઓએ ચુપ્પી સાધી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી વિશે સૌ અંધારામાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની જરાક પણ અનિયમિતતા હોસ્પિટલમાં જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના સત્તાવાળાઓએ કશું જ કહેવાનો ઇન્કાર કર્યો છે. આ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશ્નર એચ. આર. મુલિયાણાએ જણાવ્યું છે કે સમગ્ર દુર્ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરશે.