- કોરોના વાયરસ સંક્રમિત પ્રથમ કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ
- એક વર્ષમાં કોરોના વાયરસથી 5,54,71,471 લોકો સંક્રમિત થયા
- સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિત 13,34,719 લોકોએ જીવ ગુમાવ્યા
વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત પ્રથમ કેસ નોંધાયાને એક વર્ષ
સમગ્ર વિશ્વના માનવ જીવનને તહસનહસ કરી દેનારા, વૈશ્વિક અર્થતંત્રને મુઢમાર મારી અનેક દેશોના અર્થતંત્રને નકારાત્મક સ્થિતિમાં પહોંચાડી દેનારા કોરોના વાયરસથી સંક્રમિત પ્રથમ કેસ નોંધાયાને આજે એક વર્ષ પૂર્ણ થયું. છેલ્લા સો વર્ષમાં વિશ્વએ નિહાળેલી આ સૌથી કારમી મહામારી છે. સમગ્ર વર્ષ દરમિયાન વિશ્વના લગભગ દરેક દેશ ચોક્કસ સમયગાળા દરમિયાન સતત લોકડાઉનમાં રહ્યા. માનવી ઈતિહાસની આ સૌથી અલગ પ્રકારની મહામારી છે જેની એક વર્ષ થવા છતાં અકસીર દવા શોધી શકાઈ નથી. જોકે આશાનું કિરણ હજુ ઉજ્જવળ છે કારણ કે અનેક દેશો આ વાયરસના સંક્રમણને રોકવાની કારગર રસી શોધવાને આરે પહોંચી ગયા છે.
ચીનના વુહાનથી શરૂ થઈ મહામારી, પ્રથમ કેસ વુહાનમાં નોંધાયો હતો
આજથી બરાબર એક વર્ષ પહેલા 17 નવેમ્બર 2019ના દિવસે વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમિત એક જ કેસ હતો. ચીનના વુહાનમાં રહસ્યમય બિમારીના લક્ષણો ધરાવતો પ્રથમ કેસ નોંધાયો હતો જેની કોરોના વાયરસ દ્વારા સંક્રમિત કેસ તરીકે ઓળખ કરવામાં આવી હતી. ચાઈના મોર્નિંગ પોસ્ટમાં ચીન સરકાર દ્વારા પ્રકાશિત આંકડાઓ પર આધારિત એક આર્ટિકલ અનુસાર COVID 19 ના સૌપ્રથમ કેસને અનુમોદન આપવામાં આવ્યું હતું. સૌપ્રથમ દર્દી સંભવતઃ ચીનના હુબેઈ પ્રાંતના 55 વર્ષની આયુ ધરાવતા વ્યક્તી હતો, જોકે ‘દર્દી શૂન્ય’ ‘Patient 0’ ની ઓળખ કરવામાં આવી નથી. છતાં એવું ચોક્કસ માની શકાય કે કોરોના વાયરસથી સંક્રમિત વિશ્વનો સૌપ્રથમ દર્દી તથા કેસ હતો.
ચીનનો ઢાંકપિછોડો
17 નવેમ્બરના રોજ રહસ્યમય બિમારી હોવાની જાણ થઈ ગઈ હોવા છતાં ચાઈનીઝ સત્તાવાળાઓ દ્વારા સતત આ બાબતે ઢાંકપિછોડો કરવામાં આવ્યો. છેક ડિસેમ્બર 19 ના બીજા અઠવાડિયા સુધી રોગની સત્તાવાર ઓળખ કરી નહીં. ત્યારબાદ ચીનના વુહાનમાં ન્યુમોનિયા જેવા લાગતા લક્ષણોથી પીડાતા અનેક કેસ સામે આવ્યા હતા. આ દર્દીઓમાં વધારે માત્રામાં તાવ,ઉધરસ,શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળતા હતા. ચીન દ્વારા સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા, તપાસ, સારવાર જેવી બાબતો પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો. સમગ્ર વિશ્વમાં એવી માન્યતા ઊભી થઈ કે ચીનની બેદરકારીને કારણે સમગ્ર વિશ્વમાં કોરોના પ્રસર્યો અથવા ચીને જાણી જોઈને જ કોરોના વાયરસને પ્રસરવા દીધો, ફેલાવ્યો. વિશ્વની આ માન્યતાને હમણાં જ ચીનના જ વાયરોલોજીસ્ટ ડૉ. લી મિંગ યાને એક ઇન્ટરવ્યુમાં કહેલી વાતોને કારણે વધુ બળ મળ્યું છે
વુહાનથી વકરેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો
આ દરમિયાન અનેક લોકો ચીનના વુહાનથી વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યા. ચીની સત્તાવાળાઓ જાણતા હતા કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિનો સ્પર્શ કરવાથી પણ ફેલાઈ રહ્યો છે છતાં કોઈ અગમચેતીના પગલાં ન લીધા અને વુહાનનો વાયરસ વૈશ્વિક મહામારીના સ્વરૂપમાં વિશ્વને ઘમરોળવા માંડ્યો. અનેક દેશોમાં ખાસ કરીને યુરોપમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો. અમેરિકામાં પણ કોરોના વાયરસથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા. એશિયન દેશો, આફ્રિકન દેશોમાં બધે જ ચીનના વુહાનમાં સૌપ્રથમ દેખાયેલા અને ત્યાંથી વિશ્વમાં પ્રસરેલા આ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનનો સહારો લેવો પડ્યો.
અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા વિશ્વમાં કોરોના સંક્રમણના
વિતેલા એક વર્ષમાં કોરોના મહામારીને કારણે માનવ જીવનમાં ધરમૂળથી પરિવર્તન જાણે આવ્યું છે. વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં આજ સુધી 5 કરોડ 55 લાખ કરતાં વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સમગ્ર વિશ્વમાં 13 લાખ કરતા વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 3 કરોડ 86 લાખ જેટલા લોકોએ કોરોનના સંક્રમણને મ્હાત આપી છે, રિકવર થયા છે. સમગ્રતયા ચિત્ર જોતાં વિશ્વમાં કોરોના રિકવરી રેટ 97% જેટલો છે અર્થાત 97% કોરોના સંક્રમિત વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે.
ભારતની સ્થિતિ
ભારતે કોરોના વાયરસ સામેની લડાઇ ખુબ જ ગંભીરતાથી લીધી છે. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરલના ત્રિચુરમાં જાન્યુઆરી 30, 2020 નાં દિવસે નોંધાયો હતો. ભારતમાં કોરોના મહામારીને પહોંચી વળવા લેવાયેલા ત્વરિત અને દુરોગામી પગલાઓને પરિણામે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં દેશમાં અન્ય શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ધરાવતા દેશોની સરખામણીમાં રિકવરી રેટ સારો છે. શરૂઆતમાં દેશમાં પીપીઈ કીટ, વેન્ટિલેટર, કોવિડ હોસ્પિટલ, માસ્ક, કોરોના ટેસ્ટ કીટ તથા કોરોનાના ટેસ્ટ કરતી લેબોરેટરી વગેરે ખુબ ઓછા અથવા નહિવત સુવિધાઓ હતી જે વર્તમાનમાં લગભગ પુરી માત્રામાં ઉપલબ્ધ છે. વર્તમાનમાં ભારતમાં 88, 86,987 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જેમાંથી 93% લોકો સાજા થઈ ગયા છે એટલે કે 83,03,358 જેટલા લોકો સાજા થઈ ગયા છે.
કોરોના વાયરસ વિરોધી વેક્સિન
કોરોના વાયરસ વિરોધી વેક્સિન વિકસાવવા માટે અનેક દેશોમાં વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. હમણાં જ આવેલા અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર દ્વારા વિકસિત કોરોના વિરોધી વેક્સિન 94.5% અસરકારક છે. રશિયા દ્વારા વિકસિત કોરોના વિરોધી વેક્સિન સ્પુટનિકની અસરકારકતા 92% જેટલી ગણાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આદર્શ રીતે વેક્સિનની અસરકારકતા 70% કરતા વધારે હોય એવી અપેક્ષા ધરાવે છે જ્યારે અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન આ રેશિયો 50% કરતા વધુ હોય એવી અપેક્ષા ધરાવે છે. જોકે ભારત સહિત વિવિધ દેશોમાં કોરોના વિરોધી વેક્સિનના પ્રયોગો ચાલુ જ છે, ઘણાં પ્રયોગો બીજા, ત્રીજા તબક્કામાં પહોંચી ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ વિશ્વમાં કોરોના વિરોધી વેક્સિન ઉપલબ્ધ હશે.