Spread the love

” આ બાયડી ડાકણથી કમ નથી.. ખાઈ ગઈ એના જણને”,

“આખરે જીવ લઈને જ જંપી”

ભીડ માંથી સંભળાતા અનેક વાક્યો માહ્યલું આવુ પણ એક વાક્ય હતું. રડતા હૃદયે મૃતકની પત્નિએ શબ્દોની દિશા તરફ નજર નાખી. બોલનાર અતિ પરિચિત, કહોકે સાવ ઘરનું જ વ્યક્તિ હતું. ભીડ પણ કોની? સગા-સંબંધીઓની નહિ!! હોસ્પિટલમાં આસપાસનાં રૂમોમાં દાખલ દર્દીઓ એમના સગાઓ, મૃતકના ઘર-ફળિયાના ચાર-પાંચ લોકો તથા બે-ત્રણ મિત્રો..

વેધક વાક્યોનાં મારા ખમતી એ નવી બનેલી વિધવા, નીચે મોઢું રાખી રડ્યે જતી હતી. સાંત્વનાનાં સુર શોધતાં પણ ન જડે એમ હતા.. 18-19 વરસનો દીકરો ‘જીવન’ એની માઁને શાંત કરાવવાની મિથ્યા કોશિશ કરતો, જાતને સંભાળી રહ્યો હતો. એની જ ઉંમરના બે નાદાન મિત્રો લૌકિક કે મૃતક શિષ્ટાચારથી તદ્દન અજાણ, છતાંય ઢાઢસ બાંધી માઁ-દીકરાને દિલાસો પાઠવી રહ્યા હતાં.

આવી પરિસ્થિતિમાં પણ લાગણીહીન અને નિર્લજ્જ રહી શકે એવા માણસો દુનિયામાં કાંઈ ઓછા નથી જ એની ખાતરી કરાવતાં હોસ્પિટલની એક પરિચારિકા આવી અને તાડુકવા માંડી: ‘ 37,000 નું બિલ કાઉન્ટર પર જઈને ભરો અને ડેથ સર્ટિફિકેટ મેળવી લો. પૈસા વહેલી તકે ભરી લાશનો કબજો લઈ ફટાફટ નીકળો. અહીં આવી રો-કકળ ના કરો. આ હોસ્પિટલ છે સ્મશાન ઘાટ નથી. મોઢા પરની એકેય રેખા બદલાયા વગર એ બધું એક શ્વાસે બોલી ગઈ અને તિરસ્કાર ભરી નજરથી મૃતકનાં પરિજનોને જોતી જોતી પાછી ચાલવા લાગી..

જ્યાં-ત્યાંથી રૂપિયા ભેગા કરી, બિલો ભરી દીધા. જીવનનો એક મિત્ર ડેથ સર્ટિફિકેટની ફોર્માલિટી પુરી કરી આવ્યો. નિશ્ચેત શરીરને લઈ જવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. શબ વાહીની કે એંબ્યુલન્સ પણ આટલે દૂર સુધી જવા માટે તૈયાર નહોતી.. આખરે ગામનાં જ એક વ્યક્તિને કે જે ટુરિસ્ટ ગાડી ચલાવતો હતો તેને ખોટું બોલીને હોસ્પિટલ બોલાવવામાં આવ્યો. લાશ લેવાની આનાકાની કરતો આખરે પૈસાનાં અમુક વધારા સાથે માન્યો. પોલીસ ઇન્કવાયરી કે કોઈપણ કાયદાકીય બાબતોમાં નહિ ફસે એવી ખાતરી લઈ ઉપડ્યા પોતાનાં ગામ જવા.

મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરનું એક મધ્યમ કક્ષાનું ગામડું ‘રૂપગઢ’.. ખરેખર કુદરતનાં રૂપનો અંબાર વરસ્યો હોય એવું ગામ. ચારેકોર હરિયાળી, ડુંગરો, જંગલ, વનરાઈઓથી વિટાયેલું અદભુત ગામ.. પણ દુષણો પણ એટલા જ.. દારૂની છોળો ઉડે, માંસ-મદિરાનાં શોખીનો માટે જાણે સ્વર્ગ જ જોઈ લો. મોટાભાગની વસ્તી દ્વિભાષી, મરાઠી-ગુજરાતીનાં મેળવણ વાળી ગામઠી ભાષા પણ બોલે.

અંતિમ સંસ્કાર માટે લોકલાજે આસપાસનાં ઘરો માંથી પડોશીઓ આવ્યા. જીવનનાં ગંભીર ચહેરા પર કંઈક રહસ્ય ઘેરાઈ રહ્યું હતુ. ચિતાને અગ્નિ આપી રહ્યો હતો ત્યારે એના મોઢા પર સુખ કે દુઃખ નો કોઈ જ ભાવ ન હતો..

‘નાની ઉંમરે અનાથ થઈ ગયો બિચારો’

‘બાપની છાયા વગર કેમ જીવશે?’

‘કેટલો હિંમતવાન છે જુઓ તો ખરા, એક આંસુ પણ નથી પાડતો, ઘર સંભાળવા આવો મજબૂત મન વાળો બાળક જ જોઈએ’ વગેરે વગેરે જેવા વાક્યો ધરપત માટે હતા કે હિણપત માટે એ સમજાતું નહોતું..

મૃત્યુનાં લૌકિક રિવાજ પત્યા. દિવસો વીતતા ગયા. અને ‘જીવન’નાં જીવનમાં ખરેખર દેખીતા બદલાવ આવવા લાગ્યા જે અચરજ પમાડે એવા હતા. મિત્રો પણ એની આ નવી શૈલીઓ જોઈ આશ્ચર્ય પામવા લાગ્યાં. આખરે એવુ તો શું થયું?!!!

” ‘જીવલા’, ઘરે બધું બરાબર છેને !!!

આજકાલ થોડોક અજીબ વ્યવહાર લાગે છે તારો. શુ વાત છે?” જીવનનાં મિત્ર ઋષભે પૂછ્યું.

આમ તેમ જોતો જીવન જાણે કે કંઈ સાંભળ્યું ન હોય એમ જવાબ આપ્યા વગર ચૂપ જ બેઠો રહ્યો.

ઋષભે ખભે હાથ મૂકી જીવનની સામે જોયું અને જીવન સફાળો કોઈ વિચાર માંથી જાગ્યો હોય એમ ઝબકીને જોવા લાગ્યો.

ઋષભે ફરી વખત પ્રશ્ન થોડી વધુ તીવ્રતાથી દોહરાવ્યો.

જીવન થોડો હસ્યો: “શુ અજીબ લાગ્યું તને? હું એલિયન જેવો દેખાવ છું કે પછી અંબાણી જેવી લેવીશ લાઈફ સ્ટાઇલ છે મારી?? અજીબ શુ છે બોલને?”

જીવનનાં માથા પર ટપલીઓ મારતો ઋષભ બોલ્યો: ‘આ તારા સડેલા ભેજામાં કંઈક ગડબડ ચાલી રહી છે, મગજ હલી જાય એ પહેલાં તું કહી દે નહીતો બીજા રસ્તાઓ પણ છે મોઢું ખોલાવવાના”.

જીવન હળવા સ્મિત સાથે બોલ્યો: ‘દોસ્ત મને એમ લાગે છે જાણે કે હું હવે આઝાદ થઈ ગયો છું. હું જેમ રહેવા માંગુ છું, જે કરવા માગું છું એ બધું હવે શક્ય બનશે. મારુ ભવિષ્ય મારી સામે છે” જેમ જેમ જીવનનાં મોઢા માંથી શબ્દો વહી રહ્યા હતા તેમ તેમ ધીરે ધીરે ચહેરાની રેખાઓ પણ ગંભીર બની રહી હતી.

‘લગામ વગરનો ઘોડો અને બાપ વગરનો છોરો’ બંન્નેનું જીવન અનિશ્ચિતતા ભરેલું હોય છે. ઉપર રખેવાળ નથી એટલે મરજી મુજબ વર્તી શકાય એવું તો નથી વિચારતોને ?!!’ ઋષભે કહી નાખ્યું. કારણકે એ જાણતો હતો કે પિતા વગરનો જવાન છોકરો જો આડા પાટે ચડે તો કા તો ગુંડો બને કા ગેંગસ્ટર. અને પોલીસની ગોળી થી જ મરે..

ઋષભની વાતો સાંભળી જીવલો રડમસ થઈ ગયો. ‘મને ખબર છે લોકો મારા વિશે શું વાતો કરશે. મને એ પણ ખબર છે કે મારો ભૂતકાળ મારો પીછો છોડવાનો નથી. પણ હું એક પ્રયત્ન કરી જોવા માંગુ છું પછી મારા પ્રત્યે કોઈ મત બાંધજો. બોલતા બોલતા જીવનની આંખો ભીની થઇ ગઈ.

લોકો જાણતા હતા કે બાપની અંતિમ વેળામાં પણ ન જેવું રડનારો, અને પરિવારને સાંભળવાની કોશિશ કરનારો જીવન હિંમતવાન તો ખરો જ. પણ પોતાનાં મિત્ર સાથે વાત કરતા કરતા જ રડી પડે એતો આશ્ચર્યજનક જ કહેવાય.

ઋષભ થી રહેવાયું નહિ અને જીવનને શાંત કરવાની કોશિશ કરતો રહ્યો. “જીવલા આમ કેમ ઢીલો પડે છો? મારી વાતનું ખોટું લાગી ગયું? માફ કરી દે ભાઈ. મારો ઈરાદો તને …. ‘ વાક્ય અધૂરું જ રહ્યું અને જીવન બોલી પડ્યો ‘ના રે ના, ભાઈ-ભેરુઓની વાતનું શુ ખોટું લગાડવાનું હોય! હું તો જરાક…’ જીવન વાત ગળી ગયો.

‘મન હળવું થઈ જશે ભાઈ, કહે જે કહેવું હોય તે. દરેક ક્ષણે તારી સાથે જ છીએ. બોલ કંઇક..’ ઋષભને લાગ્યું મનોમન મુંજાતો જીવલો શાયદ કંઈક કહે તો એની સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ તો કરી જ શકીએને..

ભાગ-૨ ક્રમશઃ…


પ્રિય વાંચક મિત્રો, ‘કંટક કેડી’ નવલિકાનો આ પ્રથમ ભાગ હતો. દર શનિવારે ક્રમશઃ ભાગો પ્રકાશિત થતા રહેશે. તો ‘દેવલીપી ન્યુઝ’ ની મુલાકાત લેવાનું ચૂકતા નહિ.



Spread the love