Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
    સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો… જો કે પાકિસ્તાન નિર્માણ પછી પણ દેશમાં ભાગલાવાદી માનસિકતા ઓછી થઇ ખરી ? ના… આજે પણ વૈશ્વિક ઇસ્લામ વિસ્તારવાદના હાકલા પડકારા રોજ વાગતા રહે
છે, ત્યારે ભાગલાની દર્દભરી કથા જાણવી જરુરી છે, જેથી ઇતિહાસનું યથાવત પુનરાવર્તન ન થાય…!

વાંચો લેખમાળાનું પ્રકરણ – 39

• અલીબંધુઓએ અફઘાનિસ્તાનને ભારત પર હુમલો કરવા નિમંત્રણ આપ્યું.

વિશ્વ વ્યાપી ઇસ્લામવાદના સિદ્ધાંત પ્રત્યે અલીબંધુઓએ એકવાર નહિ, અનેકવાર પોતાની નિષ્ઠા જાહેર કરી હતી. 1921માં મોહમ્મદ અલીએ અફઘાનિસ્તાનના અમીર અમાનુલ્લાને પત્ર લખી એમને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: મુસ્લિમોએ તે જ કર્યું જેનો હિંદુઓને ભય હતો કે તે એ કરશે જ, એટલે કે તે અફઘાનિસ્તાનને ભારત પર આક્રમણ કરવા નિમંત્રશે જ.તે કહેવાની જરૂર નથી કે ભારત પરના આક્રમણની યોજના ખૂબ ખતરનાક યોજના હતી અને પ્રત્યેક શાણો ભારતીય આવી પાગલ યોજનાથી તો દૂર જ રહે.’

ગાંધીજી પોતાના ખિલાફત સહયોગીઓની અનેક ભૂલો અને કૃત્યો પર પડદો નાખતા રહ્યા. નાગપુર સંમેલનમાં સ્વામી શ્રદ્ધાનંદ ગાંધીજી સાથે હતા. એ વખતની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રદ્ધાનંદજી લખે છે: ‘સંમેલનમાં મૌલાનાઓએ કુરાનની જે આયાતોનું પછન કર્યું, એમાં વારંવાર કાફરોની વિરુદ્ધ જેહાદ કરવાનો અને એમને ખતમ કરવાનો ઉલ્લેખ આવતો હતો. ખિલાફત આંદોલનના આ વલણ તરફ મહાત્માજીનું ધ્યાન દોર્યું તો એમણે હસીને કહ્યું, ‘એમનો સંકેત બ્રિટિશ નોકરશાહી તરફ છે.’ જવાબમાં મેં કહ્યું કે, ‘આ તો અહિંસાની ભાવનાની વિરુદ્ધ છે અને આ ભાવનામાં પરિવર્તન આવશે તો મૌલાના આ આયાતોનો પ્રયોગ હિન્દુઓ વિરુદ્ધ કરવાનું ચૂકશે નહીં.’ મોપલા હુલ્લડોના સંદર્ભે સ્વામી શ્રદ્ધાનંદની આશાંકાઓ કેટલી સાચી પડી તે તો આપણે અગાઉ ડો. આંબેડકરે લખેલી વાતમાં જોઇ ગયા છીએ.
વિશ્વ વ્યાપી ઇસ્લામવાદના સિદ્ધાંત પ્રત્યે અલીબંધુઓએ એકવાર નહિ, અનેકવાર પોતાની નિષ્ઠા જાહેર કરી હતી. 1921માં મોહમ્મદ અલીએ અફઘાનિસ્તાનના અમીર અમાનુલ્લાને પત્ર લખી એમને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અંગ્રેજોને આની ગંધ આવી અને એમણે અલીબંધુઓને કેદ કરી લીધા. સેશન્સ કોર્ટમાં પંચ સમક્ષ મોહમ્મદ અલીએ અફઘાન આક્રમણ અંગે પોતાના દ્રષ્ટિકોણ બાબતે જે નિવેદન રજૂ કર્યું એનાથી તો અફઘાનિસ્તાન સાથે એમની સાંઠગાંઠને પુષ્ટિ મળે છે. એમણે કોર્ટને કહ્યું: ‘મહામહિમે (અફઘાનિસ્તાનના અમીર) મજહબી હેતુથી પ્રેરાઇને એવા લોકો વિરુધ્ધ જેહાદની વાત વિચારવી પડે છે જેમણે જજીરૂતલ અરબ અને પવિત્ર સ્થળો પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે. આ લોકો ઇસ્લામને દુર્બળ બનાવવાની ઇચ્છા રાખે છે… અને અમને પ્રચાર કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપવાનો ઇંકાર કરે છે… તો ઇસ્લામનો કાયદો ચોખ્ખે-ચોખ્ખું જણાવે છે કે કોઇપણ મુસલમાને એમની (અમીરની) વિરુદ્ધ હોય એને કોઇ મદદ કરવી જોઇએ નહીં, વળી જો જેહાદ એના પ્રદેશ સુધી પહોંચી જાય તો પ્રત્યેક મુસલમાને મુજાહિદીનમાં સામેલ થઇ જવું જોઇએ અને સૌએ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એની (જેહાદની) ભરપૂર મદદ કરવી જોઇએ.’ (રામગોપાળ : ઇંડિયન મુસ્લિમ્સ. પૃ.153)
પરંતુ મોહમ્મદ અલીએ લેખિત આશ્વાસન આપ્યું કે એ અંગ્રેજોનો વિરોધી નથી, ત્યારે એને છોડી દેવામાં આવ્યો. લેખિત પ્રમાણો છે કે ફરીથી ૧૯૨૧માં જ ખિલાફત આંદોલન પૂર વેગમાં હતું ત્યારે મોહમ્મદ અલીએ અમાનઉલ્લાને તાર કરીને બ્રિટન સાથે કોઇપણ પ્રકારની શાંતિપૂર્ણ સમજૂતી ન કરવા વિનંતી કરી. મોહમ્મદ અલીએ સ્વામી શ્રદ્ધાનંદને કોંગ્રેસી નેતાઓ અંગે ફરિયાદ કરતાં કહ્યું કે એમને (કોંગ્રેસ નેતાઓને) એમના કૃત્યોના ફળ ચખાડવામાં આવશે. સ્વામીજીએ એમની આવી ધમકી સામે ઉઘડો લીધો ત્યારે એમણે (મોહમ્મ્દ અલીએ) સ્વામીજીને એક બાજુએ લઇ જઇ હાથથી લખેલા એક તારની વિગત બતાવી. સ્વામી શ્રદ્ધાનંદે આ વિશે લખ્યું છે: ‘મારા આશ્વર્યની સીમા ન રહી. મેં જોયું કે આ તો એ જ તારની અદ્દલ નકલ છે અને અહિંસાત્મક સવિનય અસહકાર ચળવળના જન્મદાતાની આગવી હસ્તલિપિમાં લખાયેલો છે.’ (સ્વામી શ્રદ્ધાનંદ : ઇનસાઇડ કોંગ્રેસ, પૃ. 126) પણ આ આરોપ અંગે પાછળથી ગાંધીજીએ કહ્યું હતું કે એમણે આવું કાંઇ કર્યું હતું એવું એમને યાદ નથી.
અલીબંધુઓને રાજદ્રોહના આરોપસર ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવશે એવી અફવા ચાલી. ગાંધીજીએ સરકારનો વિરોધ કર્યો અને 10 મે 1921ના દિવસે પ્રયાગની એક જાહેર સભામાં તેમણે ઘોષણા કરી: ‘અફવા છે એ પ્રમાણે, અલીબંધુઓને કેમ પકડવામાં આવે છે અને મને કેમ મુકત રાખવામાં આવે છે એ જ મને સમજાતું નથી. હું ન કરુ એવું એમણે એવું કાંઇ જ કર્યું નથી. એમણે અમીરને તાર મોકલ્યો છે તો હું પણ સંદેશો મોકલીને અમીરને જણાવીશ કે જો તેઓ અહીં આવશે તો મારું ચાલશે ત્યાં સુધી કોઇ પણ ભારતીય એમને અહીંથી હાંકી કાઢવા માટે સરકારને મદદ નહીં કરે.’ (એ હિન્દુ નેશનાલિસ્ટ : ગાંધી મુસ્લિમ કૉસ્પિરસી, પૃ. 6)
અલીબંધુઓએ અફઘાનિસ્તાનને ભારત પર આક્રમણ કરવા આપેલું નિમંત્રણ અને ગાંધીજી પર હિન્દુ-મુસ્લિમ એકતાનું પાગલપન કેટલી હદે સવાર થયું હતું એ બાબતે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે:
મુસ્લિમોએ તે જ કર્યું જેનો હિંદુઓને ભય હતો કે તે એ કરશે જ, એટલે કે તે અફઘાનિસ્તાનને ભારત પર આક્રમણ કરવા નિમંત્રશે જ. અફઘાનિસ્તાનના અમીર સાથેની તેમની વાટાઘાટોમાં ખિલાફતવાદીઓ કેટલા આગળ વધ્યા હતા તે જાણવું શક્ય નથી. પણ આવી યોજના તેમના દ્વારા ઘડાઈ હતી તેમાં બેમત નથી. તે કહેવાની જરૂર નથી કે ભારત પરના આક્રમણની યોજના ખૂબ ખતરનાક યોજના હતી અને પ્રત્યેક શાણો ભારતીય આવી પાગલ યોજનાથી તો દૂર જ રહે. આ યોજનામાં શ્રી ગાંધીએ શો ભાગ ભજવ્યો તે શોધવું શક્ય નથી. એટલું તો ચોક્કસ તે તેનાથી છૂટા ન પડ્યા. ઊલટું સ્વરાજ્ય માટે તેમના ખોટે માર્ગ ચડેલા ઉત્સાહે અને તે પ્રાપ્ત કરવા માટે હિંદુ-મુસ્લિમ એકતા જ એક માત્ર માર્ગ છે તે તેવા તેમના ભ્રમે તેમને આ યોજનાને સમર્થન આપવા પ્રેર્યા. તેમણે અંગ્રેજ સરકાર સાથે કોઈ પણ સંધિકરાર નહિ કરવાની સલાહ આપી. (યંગ ઇન્ડિયા, 4 મે 1921) એટલું જ નહિ પણ તેમણે તે જાહેર કર્યું : ‘એક રીતે તો હું અફઘાનિસ્તાનના અમીરને, જો તે અંગ્રેજ સરકાર સાથે યુદ્ધનો શરૂ કરે તો ચોક્કસ મદદ કરું. આ કહેવાનો અર્થ એ કે હું મારા દેશ બાંધવોને ખુલ્લેઆમ કહું કે જે સરકારે સત્તામાં રહેવા માટેનો રાષ્ટ્રનો વિશ્વાસ ગુમાવ્યો હોય તે સરકારને મદદ કરવી તે ગુનો ગણાશે.”
હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે કોઈ સમજુ માણસ આટલી હદ સુધી જઈ શકે ? પણ શ્રી ગાંધીને હિંદુ-મુસ્લિમ એકતાની એવી તો લગની લાગી હતી કે પોતાના પાગલ પ્રયત્નમાં પોતે ખરેખર શું કરતા હતા તે જાણવાય તે થોભ્યા નહિ.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃ. 174-175) અફઘાન કાંડમાં ધર્માંધ અલીબંધુઓને સમર્થન આપવા બદલ ગાંધીજીએ ટીકાઓ અને નારાજગીનો જોરદાર સામનો કરવો પડયો. એમના પ્રશંસકો અને એમના વિરોધીઓ બન્નેએ એમની ભરપૂર ટીકા કરી. પ્રખ્યાત સમાજસેવક વી.એસ.શ્રીનિવાસ શાસ્ત્રી, પ્રયાગ થી પ્રગટ થતા ‘લીડર’ના તંત્રી સી.વાય.ચિંતામણી અને ગાંધીજીના વિશ્વાસપાત્ર સી.એફ.એંન્ડ્રયૂઝે ગાંધીજીને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે એમના ભાષણો અને લેખો મોહમ્મદ અલીએ અફઘાનિસ્તાનના અમીરને પાઠવેલા આમંત્રણને નિશ્ચિતરૂપે યોગ્ય ઠરાવે છે.

————|: ક્રમશ:|————©kishormakwana


Spread the love