- બિહાર વિધાનસભાની ચુંટણીમાં એનડીએની બહુમતી તરફ આગેકૂચ
- સાડા ત્રણ વાગ્યાના આંકડા મુજબ એનડીએ 127 બેઠકો ઉપર આગળ
- પાંચ પરિણામો આવ્યા : 3 બેઠકો પર એનડીએ અને 2 બેઠકો પર મહાગઠબંધનની જીત
બિહાર વિધાનસભાની ચુંટણીના વલણો એનડીએની તરફેણમાં
બિહાર વિધાનસભાની ચુંટણીની મતગણતરી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ બિહાર વિધાનસભાની સ્થિતિ કેવી હશે એનું અનુમાન કરવામાં સરળતા બનતી જાય છે. બપોરે 3:30 વાગ્યા સુધીમાં આવેલા વલણો તથા પરિણામ એનડીએની તરફેણમાં જોવા મળી રહ્યા છે. ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ 127 બેઠકો ઉપર જ્યારે રાજદ, કોંગ્રેસ પ્રેરિત મહાગઠબંધન 104 બેઠકો ઉપર આગળ છે.
ચિરાગ પાસવાનની રણનીતિ સફળ ?
બિહાર વિધાનસભા ચુંટણીની જાહેરાત થઈ તે દરમિયાન જ સ્વ. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીએ એનડીએથી છુટા પડવાનું નક્કી કર્યું હતું અને એકલા ચુંટણી લડવાની જાહેરાત કરી હતી. લોકજનશક્તિ પક્ષના નિર્ણયથી બિહારની રાજનીતિની સ્થિતિ અચાનક જ દ્વીપક્ષીય ચુંટણીમાં લોકજનશક્તિ પક્ષ કેટલું કાઠુ કાઢશે અને કોને, કેટલું તથા ક્યાં નુકશાન કરશે એના વિશ્લેષણ શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન લોકજનશક્તિ પક્ષના નેતા રામવિલાસ પાસવાનુ નિધન થયું હતું. રામવિલાસ પાસવાનના નિધન બાદ એમના પુત્ર તથા ઉત્તરાધિકારી ચિરાગ પાસવાને પક્ષની ધુરા સંભાળી હતી. એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી થયા બાદ ચિરાગ પાસવાનની રણનીતિ સ્પષ્ટ થઈ ગઈ હતી જ્યારે લોકજનશક્તિ પક્ષે એનડીએના સાથી એવા માત્ર જેડીયુના ઉમેદવારો સામે જ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા અને જ્યાં ભાજપના ઉમેદવાર હતા તે બેઠકો છોડી દીધી. ચિરાગ પાસવાને ભાજપના ઉમેદવાર સામે માત્ર ઉમેદવારો ન ઊભા રાખીને ન અટક્યા પરંતુ જાહેર સભાઓમાં પણ એવું જાહેર કરવા માંડ્યા કે “જ્યાં જેડીયુના ઉમેદવારો છે ત્યાં લોજપાને વોટ આપજો અને જ્યાં ભાજપના ઉમેદવાર છે ત્યાં ભાજપના ઉમેદવારને મત આપજો” એવું કહ્યું. ચિરાગ પાસવાને લીધેલા નિર્ણયો તથા પગલા એ વખતે માત્ર “વોટ કાપશે” એવા જણાતા હતા પરંતુ વલણો જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે લોજપાએ જેડીયુના મતોમાં જબરદસ્ત ગાબડું પાડીને જેડીયુને એનડીએમાં બીજા સ્થાને બેસાડી દીધી છે. વર્તમાન વલણો એનડીએની તરફેણમાં દેખાય છે પરંતુ પાતળી બહુમતી મળે એવા સંકેત આપે છે, પરિણામ કોઈને બહુમતી ન મળે એવું પણ આવી શકે છે ત્યારે આ બંને પરિસ્થિતિમાં ચિરાગ પાસવાન કિંગ મેકરની સ્થિતિમાં આવી જાય એવું લાગે છે.
ચિરાગ પાસવાનની રણનીતિ ભાજપને ફાયદો
ચિરાગ પાસવાને જેડીયુના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઊભા રાખવાની રણનીતિ જેડીયુનુ સ્થાન બિહાર એનડીએમાં મોટા ભા માંથી નાના ભાઈનું બનાવી દે એવી સ્પષ્ટ સ્થિતિ દેખાય છે. આ સ્થિતિ ભાજપ માટે સ્વતંત્રતા અને અનુકૂળતા ઉભી કરતી દેખાય છે કારણકે નિતિશકુમાર બિહાર એનડીએમાં પોતાનું જ ધાર્યું થાય એવી સતત જીદ પકડી રાખતા હતા અને ભાજપ માટે સમસમીને એમની વાત માની લેવાની નોબત આવતી હતી. મતગણતરીના વલણો જોતા બિહાર એનડીએમાં જેડીયુનુ સ્થાન બીજા નંબરે આવી જતા ભાજપ ડ્રાઈવિંગ સીટ પર બેસી જશે. આ સ્થિતિ ભાજપના કાર્યકરો માટે ઘણી રાહત આપનારી થશે. આ સ્થિતિ ભાજપ માટે તેના સમાન નાગરિક ધારો, ત્રિપલ તલાક, કલમ 370ની નાબુદી, રામમંદિર નિર્માણ જેવા કોર પ્રચાર મુદ્દાના પ્રચારનો માર્ગ મોકળો થઈ જશે જે ઉપાડવા માટે નિતિશકુમાર હંમેશા તૈયાર નહોતા.
નિતિશકુમાર એનડીએ છોડીને મહાગઠબંધન સાથે છેડો જોડે તો ?
નિતિશકુમાર છેલ્લા દોઢ દાયકાથી વર્ષથી બિહારની કમાન સંભાળી રહ્યા છે. પહેલા એનડીએ સાથે હતા પરંતુ 2014 માં ભાજપના તથા એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી થતા તેમણે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. છેલ્લ વિધાનસભાની ચુંટણીમાં નિતિશકુમાર લાલુપ્રસાદ યાદવની આરજેડી તથા કોંગ્રેસ સાથે ગઠબંધન બનાવીને લડ્યા હતા અને એમના મહાગઠબંધને બહુમતી મળી હતી જોકે બાદમાં આરજેડીના કારણે નિતિશકુમાર મહાગઠબંધન છોડીને પરત એનડીએમાં આવી ગયા હતા. આ ચુંટણીમાં વલણો જોતા એનડીએ બહુમતી મેળવી લેશે એવી સ્થિતિ છે છતાં જો એનડીએને પાતળી બહુમતી મળે અથવા કોઈને પણ બહુમતી ન મળે આ સ્થિતિમાં એનડીએ છોડીને મહાગઠબંધન સાથે જાય તો નિતિશકુમાર બિહારમાં ફરીથી ચુંટણી જીતી શકે તે શક્યતા ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જાય કારણકે આ ચુંટણીમાં પણ નિતિશકુમાર માટે “સત્તા લાલચુ” એવો પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે ફરીથી સત્તા માટે એનડીએ છોડે તો બિહારમાં નિતિશકુમાર અને જેડીયુ બંનેની સ્થિતિ સાવ અપ્રસ્તુત બની જાય અને આ શક્યતા જોતા નિતિશકુમાર પોતે જાહેરસભામાં કરેલી જાહેરાત મુજબ જીવનની છેલ્લી ચુંટણી ગણીને સત્તા પર બેસવું વધુ પસંદ કરે એવી શક્યતા વધારે છે.