કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે અદમ્ય સાહસ અને શૌર્યના દર્શન કરાવીને દુશ્મન પાકિસ્તાની સૈનિકોના દાંત ખાટા કરી દીધા હતા. 1947ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 18 જુલાઈ 1948ના દિવસે મેજર પીરૂસિંહ વીરગતિ પામ્યા. 1952માં મેજર પીરૂસિંહ શેખાવતને ભારતના સર્વોચ્ચ સૈનિક સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
પરિવાર અને બાળપણ
પીરૂસિંહનો જન્મ રાજસ્થાનના બેરી ગામમાં એક બહોળા પરિવારમાં થયો હતો. પિતા લાલસિંહ ખેતી કરતા હતા. પોતાના ત્રણ ભાઈઓ તથા ચાર બહેનોમાં પીરૂસિંહ સૌથી નાના હતા. ઘરમાં સૌથી નાના હોવાને કારણે પરિવારમાં સૌથી વધુ લાડ પીરૂસિંહને મળ્યા હતા.
ભણવાના સખત વિરોધી
બાળપણથી જ પીરૂસિંહ બંધિયાર વાતાવરણથી ઘૃણા કરતા હતા. બંધિયાર તથા પ્રતિબંધોયુક્ત શાળાના વાતાવરણમાં પીરૂસિંહ ગુંગળામણ અનુભવતા હતા. પોતાના સ્વતંત્રતા પ્રિય સ્વાભાવને કારણે પીરૂસિંહ ભણવાના સખત વિરોધી હતા. એક વખત એક સહપાઠી સાથે ઝગડો થવાથી શિક્ષકે સખત ઠપકો આપતા તેઓ શાળામાંથી ભાગી ગયા અને ત્યારબાદ ફરીથી શાળામાં ગયા જ નહી.
માતા-પિતાને ખેતીકામમાં મદદરૂપ
શાળામાં બનેલી ઘટના બાદ શાળામાં નહીં જવાનું નક્કી કર્યા બાદ પીરૂસિંહ પોતાના ખેતરમાં માતા-પિતાને ખેતીકામમાં મદદરૂપ થવા લાગ્યા. ખડતલ શરીર અને મહેનતથી જરાક પણ નહી શરમાતા તથા ગભરાતા પીરૂસિંહ ખેતરમાં ખુબ જ મહેનત કરતા હતા.
રમત-ગમત પ્રત્યે લગાવ

શાળા છોડીને માતા-પિતા સાથે ખેતીકામમાં મદદરૂપ થતા પીરૂસિંહને રમત-ગમત તથા સૈન્ય પ્રત્યે ખુબ લગાવ હતો. રાજસ્થાનમાં રમાતી સ્થાનિક રમત ‘શિકર’ એમની સૌથી વધુ પસંદગીની રમત હતી. ‘શિકર’ રમતમાં તેઓને મહારથ મેળવ્યું હતું.
સૈન્ય પ્રતિ આકર્ષિત

રમત-ગમત પ્રિય હોવા ઉપરાંત પીરૂસિંહને સૈન્ય પ્રત્યે પણ ખુબ લગાવ તથા આકર્ષણ હતું. પીરૂસિંહ બાળપણથી જ સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન સેવતા હતા. પોતાના સૈન્ય પ્રત્યે લગાવ અને આકર્ષણને કારણે પીરૂસિંહ બે વખત સૈન્યમાં જોડાવા પહોંચી ગયા હતા પરંતુ સૈન્યમાં જોડાવા માટેની અઢાર વર્ષની ઉંમર પુરી થઈ હોવાથી બંને વખતે સૈન્યમાં જોડાઈ શક્યા નહોતા.
અંતે સૈન્યમાં પ્રવેશ
બાળપણથી સૈન્ય પ્રતિ આકર્ષિત પીરૂસિંહનું સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન અંતે 20મી મે 1936ના દિવસે ઝેલમ માં સાકાર થયું. સૈન્યમાં જોડાતા જ તેમને 1 પંજાબ રેજીમેન્ટની દસમી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા. આ દરમિયાન પીરૂસિંહ સૈન્યનું પ્રશિક્ષણ ચાલુ થયું. પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી પીરૂસિંહને એ જ 1 પંજાબ રેજીમેન્ટની પાંચમી બટાલિયનમાં તહેનાત કરવામાં આવ્યા.
ભણવાના બાળપણથી વિરોધીએ ભણવાનું શરૂ કર્યું
બાળપણથી જ ભણતરના, ભણવાના વિરોધી એવા પીરૂસિંહે સૈન્યમાં જોડાયા બાદ ભણવાની શરૂઆત કરી. માત્ર ભણવાની શરૂઆત કરી એટલું જ નહી પરંતુ ભણવા સાથે મિત્રતા જ કરી લીધી અને સેનામાં શિક્ષા પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા. કેટલીક અન્ય ખાતાકીય પરીક્ષાઓ સફળતાપૂર્વક પસાર કરતા તેમને 7 મી ઑગસ્ટ 1940 ના દિવસે લાન્સ નાયકના પદ પર પદોન્નતિ આપવામાં આવી.
સતત પદોન્નતિ
1940 માં પ્રથમ પદોન્નતિ મેળવ્યા બાદ પીરૂસિંહ પોતાના સાહસ, શૌર્ય તથા આવડતને કારણે સતત પદોન્નતિ મેળવતા રહ્યા. માર્ચ 1941 માં તેમને ઝેલમમાં પંજાબ રેજીમેન્ટલ સેન્ટરના પ્રશિક્ષક તરીકે બઢતી આપવામાં આવી. ફેબ્રુઆરી 1942 માં તેમને હવાલદાર તરીકે પદોન્નત કરવામાં આવ્યા. પોતાની ક્ષમતાનો અદભૂત પરિચય આપતા રહેતા પીરૂસિંહને 1945 ના મે મહિનામાં કંપની હવાલદાર મેજર તરીકે પદોન્નત કરવામાં આવ્યા.
જાપાનમાં પહોંચ્યા

ઑક્ટોબર 1945 સુધી કંપની હવાલદાર મેજર પીરૂસિંહે પ્રશિક્ષક તરીકે સેવા આપી. બીજું વિશ્વયુદ્ધ પુરૂં થયા બાદ કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવતને જાપાનમાં બ્રિટિશ કોમનવેલ્થ ઓક્યુપેશન ફોર્સનો ભાગ બનાવીને જાપાન મોકલવામાં આવ્યા. જાપાનમાં કંપની હવાલદાર મેજર પીરૂસિંહે સપ્ટેમ્બર 1947 સુધી સેવાઓ આપી.
રાજપુતાના રાયફલ્સ 6 ઠ્ઠી બટાલિયન
જાપાનમાં બ્રિટિશ કોમનવેલ્થ ઓક્યુપેશન ફોર્સમાં સેવા આપ્યા બાદ કંપની હવાલદાર મેજર પીરૂસિંહને રાજપુતાના રાયફલ્સની 6 ઠ્ઠી બટાલિયનમાં મોકલવામાં આવ્યા.
ભારત ઉપર પાકિસ્તાનનો હુમલો

દેશમાં સ્થિતિ અજબ હતી એક તરફ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી હતી તો બીજી બાજુ ભાગલા દરમિયાન થયેલા રક્તપાતનુ રૂદન હતું તો ત્રીજી બાજુ અનેક રજવાડાઓમાં વિભાજિત દેશને એક કરવાનો પડકાર. આવી ત્રિભેટે આવીને અટકેલા ભારત ઉપર ભારત દ્વેષ નામની આયાએ કરાવેલી પ્રસૂતિના પરિણામ સ્વરૂપ પાકિસ્તાને વિશ્વના સ્વર્ગ સમાન કાશ્મીરને હડપી લેવાના નાપાક ઈરાદાઓથી કાશ્મીર ઉપર હુમલો કરી દીધો અને ભારત ઉપર યુદ્ધ ઠોકી બેસાડ્યું.
ભારતની ત્વરિત કાર્યવાહી
ભારત વિરુદ્ધ વિષના ખોરાકથી કટ્ટર બનેલા અને હંસકે લેકે હિંદુસ્તાન એવા દિવાસ્વપ્ન જોતા રહેલા પાકિસ્તાનને હવે ભારતના વીરોનો સામનો કરવાનો હતો. ત્વરિત તથા અડગતાથી પગલા લેવા પંકાયેલા સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીર બચાવવા માટે કમર કસી લીધી હતી. ભારતીય સેનાને હુકમો અપાઈ ગયા હતા. ભારતીય સિંહો હવે બકરાઓના શિકારે નીકળી ચુક્યા હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હજુ પણ સૈન્ય કાર્યવાહી કરવા બાબતે અનિર્ણિત હતા.
ભારતીય સેનાના શૌર્યની મિસાલ

યુદ્ધ ભારતીય સેનાની બહાદુરી, શૌર્ય અને સાહસની ગાથાઓના સોનેરી પ્રકરણોનું રચના સ્થાન બનતું જતું હતું. ભારતીય પ્રજાના લડાયક ખમીરની આજ જાણે વિશ્વને ઓળખ કરાવી જ દેવાનો નિર્ધાર ભારતીય સેના કરી ચુકી હતી. કાશ્મીરના રાજાની અવઢવ ભરી નીતિનો ફાયદો ઉઠાવી આખું કાશ્મીર પાકેલા સફરજનની જેમ પકડી લેવા ટોપલો લઈને નીકળી પડેલા પાકીસ્તાની દિવાસ્વપ્ન જોતા સૈનિકોને પાકેલા સફરજનને બદલે તોપોના ગોળા અને સફરજનની રખેવાળી કરતા જવાંમર્દ હિંદુસ્તાની સૈનિકોની શક્તિનો પરિચય થવા માંડ્યો હતો અને પોતાના ટોપલાઓ રેઢા મુકીને પીઠ બતાવીને ભાગવાની નોબત આવી હતી.
કંપની હવાલદાર મેજર પીરૂસિંહની કાર્યવાહી
આ દરમિયાન 11મી જુલાઈ 1948ના રોજ અન્ય મોરચે વળતા ભારતીય હુમલાની શરૂઆત થઈ. ભારતીય સેનાના જાંબાઝ સૈનિકોએ પાકિસ્તાની ભાડુતી ટટ્ટુઓને ઊભી પૂંછડીએ ભગાડવાની શરૂઆત કરી દીધી હતી. 15મી જુલાઈ સુધી બધુ જ સૂપેરે ચાલી રહ્યું હતું. કાર્યવાહી ભારતની તરફેણમાં હતી. ત્યારે જ ભારતીય જાસૂસી સર્વેક્ષણ દ્વારા જાણકારી આપવામાં આવી કે દુશ્મન આગળ ઊંચાઈ ઉપર રસ્તો રોકીને બેઠા છે.
ભારતીય જાસૂસી જાણકારી
જાસૂસી સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પરિસ્થિતિમાં આગળ વધવું એટલે આત્મહત્યા કરવા બરાબર હતું. દુશ્મનોએ ઊંચાઈ ધરાવતા સ્થાન ઉપર રક્ષણાત્મક હરોળ રચીને જાળ બિછાવી હતી. ભારતીય સેનાએ આગળ વધવા માટે એ ઊંચાઈ ધરાવતા સ્થાન ઉપર કબ્જો કરવો આવશ્યક હતો. ત્યારે જ વધુ જાણકારી આવી કે દુશ્મનની એક જાળ વિંધીને આગળ વધતા જ એવી જ અન્ય ઊંચાઈ ધરાવતા સ્થાને બીજી જાળ બિછાવાયેલી છે.
દુશ્મનોની રક્ષણાત્મક હરોળ તોડવાની જવાબદારી

જાસૂસી સૂત્રો પાસેથી મળતી માહિતી આત્યંતિક મહત્વ ધરાવતી હતી ત્યારે બંને ઊંચાઈ ધરાવતા સ્થાન ઉપર પુનઃકબ્જો કરવાની જવાબદારી 6 રાજપુતાના રાયફલ્સને સોંપવામાં આવી. વ્યુહરચના કરવામાં આવી કે ડી કંપની પ્રથમ હરોળની જાળને ભેદશે અને સી કંપની બીજી હરોળના દુશ્મનોને નેસ્તનાબુદ કરશે.
રાજપુતાના રાયફલ્સનો હુમલો

રાજપુતાના રાયફલ્સની વ્યુહરચના અનુસાર ડી કંપનીએ પોતાના નિશ્ચિત લક્ષ્યાંક ઉપર 18મી જુલાઈએ રાત્રે 12:30 વાગ્યે જોરદાર હુમલો કર્યો. લક્ષ્યાંક સુધી પહોંચવું આત્યંતિક દુષ્કર લાગતું હતું પરંતુ જ્યારે માભોમની રક્ષાની હાકલ પડી હોય ત્યારે જીવની કોને પડી છે ? ડી કંપનીના લક્ષ્યાંક સુધી પહોંચવા માટેનો રસ્તો માત્ર એક મીટર પહોળો હતો અને રસ્તાની બંને બાજુએ ઊંડી ખાઈઓ હતી. એક તરફ કાળમીંઢ રાત્રીનો અંધકાર અને બીજી તરફ બબ્બે બાજુ ઊંડી ખાઈઓ જરાક અમથું ગડથોલુ અને ખાઈના ઊંડાણ પોતાના ખોળામાં સમાવી લેવા જાણે હાથ પસારીને તૈયાર જ છે. કુદરતની રચના ભયાનક હતી તો બીજી તરફ માર્ગ ઉપર સીધી નજર રાખી શકાય તથા સામેથી આવતા ભારતીય સૈનિકને સીધો નિશાન બનાવી શકાય એવો વ્યુહ અપનાવીને દુશ્મનો ઉપર ઊંચાઈએ બેઠા હતા.
આમને સામને અંધાધૂંધ ગોળીબાર
દુશ્મનના બંકરો રસ્તાની બંને બાજુએ નજર રાખીને તૈયાર હતા તો ભારતીય જવાનો દુશ્મનોને એમના બંકરો સમેત નેસ્તનાબુદ કરવાની નેમ સાથે જીવન હથેળીમાં લઈને નીકળ્યા હતા. આખરે એ સમય આવી જ ગયો, ભારતીય જાંબાઝ સૈનિકો અને દુશ્મનો આમને સામને આવી ગયા, પછી તો પુછવું જ શું ? ભારતીય સેનાના શૌર્યવાન જવાનો આંખ મીંચીને તુટી પડ્યા દુશ્મનો ઉપર. બંને બાજુથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો. ચોતરફ દારૂગોળાના ધુમાડા અને વાસથી વાતાવરણ ભરાઈ ગયું.
ભારતીય સેનાએ માર્યો મરણતોલ ફટકો
વ્યુહાત્મક રીતે ભારતીય સેનાના જવાનો નિર્બળ સ્થિતિ ધરાવતા હતા કારણકે એમના કરતા ઉપર દુશ્મન બેઠા હતા એમની દ્રષ્ટિ સીમામાં ભારતીય સૈનિકો તુરંત આવી જતા હતા જ્યારે ભારતીય સેનાએ દુશ્મન શોધવાના હતા. અંધાધૂંધ ગોળીબાર આશરે અર્ધો કલાક ચાલ્યો અને એ અર્ધા કલાકમાં જ લગભગ 51 સૈનિકો કાંતો ઈજાગ્રસ્ત થયા અથવા વીરગતિ પામ્યા.
યુદ્ધ દરમિયાન પીરૂસિંહની કાર્યવાહી
આ સમગ્ર વ્યુહરચનામાં કંપની હવાલદાર મેજર પીરૂસિંહની સ્થિતિ સૌથી આગળની હરોળમાં હતી. એમનાં અડધોઅડધ સૈનિકો દુશ્મનો સાથે થયેલા ભીષણ ગોળીબારમાં વીરગતિ પામ્યા હતા. મેજર પીરૂસિંહની સાથે હવે ખુબ જ ઓછા જવાનો હતા. પરંતુ હિંમત ન હારવી એ ભારતીય રણબંકાની પહેલી નિશાની છે એમ પીરૂસિંહ આગળ વધવાની રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયા.
દુશ્મનની ચોકી ઉપર પીરૂસિંહનો હુમલો
અડધી ટુકડી સાથે કંપની હવાલદાર મેજર પીરૂસિંહે દુશ્મન ચોકી જે મોટા પ્રમાણમાં નુકસાનકર્તા હતી એની ઉપર રાજપુતાના રાયફલ્સનો યુદ્ધઘોષ “રાજા રામચંદ્ર કી જય” જગાવતા, ગજાવતા જોરદાર હુમલો કરી દીધો. દુશ્મનોના હાથગોળા એમની આસપાસ પડીને આકાશ ભેદી અવાજ કરીને ફૂટી રહ્યા હતા અને મેજર પીરૂસિંહના શરીરને અનેક ઈજાઓ પહોંચાડી રહ્યા હતા, તેમના કપડા પણ ફાટી ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ અદભૂત પરાક્રમ દેખાડતા મેજર પીરૂસિંહે દુશ્મનો ઉપર પ્રચંડ પ્રહાર કરવા માંડયા.
દુશ્મનોને ટેકરીઓ પરથી હટાવવાનું કામ એકલા ઉપર આવી પડ્યું
રાજા રામચંદ્ર કી જય નો યુદ્ધઘોષ ગજવતા મેજર પીરૂસિંહ આગળ વધતા જ રહ્યા. પોતાની રાયફલની સંગીનથી દુશ્મનોને યમધામ પહોંચાડતા પોતાની મશીનગન સાથે દુશ્મનોના બંકર ઉપર મેજર પીરૂસિંહે કબ્જો મેળવી લીધો. આ સમગ્ર ઓપરેશનમાં મેજર પીરૂસિંહના સાથીઓ કાંતો ઈજાગ્રસ્ત હાલતમાં હતા અથવા વીરગતિ પામ્યા હતા, મેજર પીરૂસિંહે એકલા હાથે આ પરાક્રમ કરી બતાવ્યું.
અનિયંત્રિત રક્તસ્ત્રાવ અને માતૃભૂમિની રક્ષા
ચોતરફથી થયેલા હાથગોળાના હુમલાથી મેજર પીરૂસિંહનું આખુ શરીર ઘા થી ભરપુર થઈ ગયું હતું જાણે કોઈ ભિષ્મ ફરીથી બાણશૈયા પર સુવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ ગંભીર ઈજાઓને નજરઅંદાજ કરીને મેજર પીરૂસિંહ આગળ વધતા જ ગયા. આગળ વધીને તેમણે દુશ્મનોને યમધામ પહોંચાડતા બીજું બંકર પણ કબજે કરી લીધું. આ તરફ શરીરમાંથી રક્ત સતત વહી રહ્યું હતું,શરીર ચેતના ગુમાવતું જતું હતું પરંતુ માતૃભૂમિની એક તસુભાર જમીન પર દુશ્મનનો કબ્જો હોય તો યમરાજને પણ ભારતીય સૈનિક કહી દે હે યમરાજ થોડોક સમય લાગશે પછી ચાલી નીકળીશ તમારી સાથે ત્યાં સુધી તમે રાહ જુઓ.
દુશ્મનોના હાથગોળાથી થયેલી ઈજાઓ ગંભીર બની

દુશ્મનોના બંકરો પર પુનઃ ભારતીય સેનાએ કબ્જો મેળવી લીધો હતો. કંપની હવાલદાર મેજર પીરૂસિંહ આ સમગ્ર ઓપરેશનમાં દુશ્મનોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. શરીર રક્તસ્ત્રાવથી રક્તવર્ણુ બની ગયું હતું, હાથગોળાની કરચોએ કપડા પણ ફાડી નાખ્યા હતા. અનેક જગ્યાએથી થતો રક્તસ્ત્રાવ કંપની હવાલદાર મેજર પીરૂસિંહની દ્રષ્ટિ ઉપર નકારાત્મક અસર કરી રહ્યો હતો પીરૂસિંહે લગભગ દ્રષ્ટિ ગુમાવી દીધી હતી ઉપરાંત એમની મશીનગનમાં રહેલી ગોળીઓ તથા સ્ટોકમા રહેલી ગોળીઓ પુરી થઈ ગઈ હતી, પરંતુ હજુ માભોમની રક્ષાની ખાતરી નહોતી, દુશ્મનો હજુ માતૃભૂમિની જમીન પર હાજર હતા ત્યારે આ દેશભક્ત કેવી રીતે જીવન સંકેલી લે ?
અંતિમ યુદ્ધ અને દુશ્મનો સફાચટ
રક્તસ્ત્રાવથી શરીર શક્તિ ગુમાવી રહ્યું હતું પરંતુ કંપની હવાલદાર મેજર પીરૂસિંહે પોતે પુનઃકબ્જે કરેલા દુશ્મનના બંકરમાંથી પેટે ઘસડાતા ઘસડાતા બહાર નીકળ્યા અને દુશ્મનોના બંકર પોતાની પુરી શક્તિથી હાથગોળાથી હુમલો કરી દીધો. ત્યાં જ બીજી ખાઈમાં રહેલા બે દુશ્મનો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા એમની તરફ પીરૂસિંહની દ્રષ્ટિ પડી, પીરૂસિંહ તરત જ ખાઈમાં કુદી પડ્યા અને બંને દુશ્મનોને પોતાની રાઈફલની સંગીનથી મોતને ઘાટ ઉતારી દીધા.
પરમવીરની વીરગતિ

બંને દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને પીરૂસિંહે તરત જ દુશ્મનના ત્રીજા બંકર તરફ આગળ વધ્યા. દ્રશ્ય એવું લાગતું હતું જાણે દુશ્મનોનો કાળ આગળ વધી રહ્યો છે. પીરૂસિંહ હજુ આગળ વધી જ રહ્યા હતા કે અચાનક જ સનનન કરતી ગોળી આવીને તેમના મસ્તકને નિશાન બનાવી ગઈ તેઓ દુશ્મને બનાવેલી ખાઈ પાસે લગભગ ઢળી જ પડ્યા પરંતુ એ જ સમયે સમયસૂચકતા વાપરીને કંપની હવાલદાર મેજર પીરૂસિંહે દુશ્મન બંકર ઉપર હાથગોળાનો ઘા ઝીંકી દીધો. પીરૂસિંહને થયેલી ઈજાઓ અને ઈજાઓને કારણે સતત થઈ રહેલો રક્તસ્ત્રાવ આખરે જીવલેણ સાબિત થયો અને બીજી જ પળે માતૃભૂમિ પોતાના પનોતા પુત્રના મસ્તકને પોતાના ખોળામાં લઈને પસવારી રહી હતી.

Devendra Kumar


