Spread the love

  • કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી.

  • પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી

  • પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક

એનડીએના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના સૈનિક




કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆ નેશનલ ડિફેન્સ એકેડેમીના પ્રથમ પૂર્વ વિદ્યાર્થી તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક છે જેમને ભારતનો યુદ્ધ સમયના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆ કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા.


જન્મ અને બાળપણ


ગુરબચ્ચનસિંહ સલારીઆનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન અખંડ ભારતના પંજાબના સકરગઢ નજીકના જામવાલ ગામમાં 29 નવેમ્બર 1935 ના દિવસે થયો હતો. અંગ્રેજોની ભાગલાવાદી નીતિ તથા મહંમદઅલી ઝીણાના કટ્ટરવાદી વલણને કારણે સ્વતંત્રતા વખતે ભારતના ભાગલા થયા અને કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆનો જ્યાં જન્મ થયો એ ગામ પાકિસ્તાનમાં જતું રહ્યું. ગુરબચ્ચનસિંહ પિતા મુન્શી રામ તથા માતા ધનદેવીના પાંચ સંતાનોમાં બીજા સંતાન હતા. હજુ શાળાકીય શિક્ષણ શરુ કર્યું ન કર્યું ત્યાં જ ભાગલાની હુતાશની સળગી ઉઠી હતી.


પિતા પાસેથી સેનામાં જોડાવાની પ્રેરણા મળી




ગુરબચ્ચનસિંહના પિતા મુન્શી રામ ખડતલ હતા. મુન્શી રામ પહેલા બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં ડોગરા સ્ક્વોડ્રનની રેજીમેન્ટની ઘોડેસવાર રેજીમેન્ટ હડસન્સ હોર્સમા તૈનાત હતા. પિતા પાસેથી સેના, પિતાની રેજીમેન્ટ તથા પિતાની બહાદુરીની વાતો સાંભળીને ગુરબચ્ચનસિંહને બાળપણથી જ સેના પ્રતિ આકર્ષણ જાગ્યું હતું. બહાદુર ગુરબચ્ચનસિંહના મનમાં સેનામાં જોડાવાની ઈચ્છા જાગૃત થઈ હતી.


ભારતના ભાગલાની તૈયારી અને અનિર્ણિત રાજકીય સ્થિતિ




સ્વતંત્રતા આંદોલન ચરમસીમાએ પહોંચી ગયું હતું, અંગ્રેજો બીજા વિશ્વયુદ્ધમાં રણમેદાનમાં જીતીને અર્થમેદાનમાં બુરી રીતે પછડાયા હતા કે અન્ય દેશોમાં હકુમત ચલાવી શકવા સમર્થ નહોતા સમજતા પોતાને અને ત્યારે જ કટ્ટરતાની નાવડી લઈને નીકળી પડેલા મોહમ્મદઅલી ઝીણા અને મુસ્લિમ લીગ કોઈપણ ભોગે ભારતના ભાગલા પાડવાની નેમ લઈને ડાયરેક્ટ એક્શન જેવી ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કત્લેઆમ મચાવી ચુક્યા હતા ત્યારે કોને ખબર હતી કે ભારતના ભાગલા બાદ ઝીણા એન્ડ ટોળકી શું કરી શકે છે એના એંધાણ જ હતા.


ભારતના ભાગલા, ભારત આગમન, અભ્યાસ




શું થશે ? કોણ, શું ભારતનો હિસ્સો હશે એ સ્પષ્ટ નહોતું, અંગ્રેજોએ ચાલાકી વાપરીને ભારતને વિખેરી નાખવાની કુટીલ ચાલ ખેલી હતી. આ પરિસ્થિતિ વચ્ચે ભારતના ભાગલા થતા ગુરબચ્ચનસિંહ તથા તેમનો પરિવાર પાકિસ્તાન સ્થિત કૌટુંબિક ઘર વગેરે છોડીને ભારત આવી ગયા. ભારતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લાના જનગલ ગામમાં વસવાટ કર્યો. ભારત આવીને ગુરબચ્ચનસિંહે ફરીથી અભ્યાસ શરૂ કર્યો પરંતુ ગુરબચ્ચનસિંહનુ મન અભ્યાસમાં પરોવાતુ જ નહોતું, મનમાં સેનામાં ભરતી થવાની ઈચ્છા સતત આવ્યા કરતી હતી. અભ્યાસમાં સમય આપવાને બદલે ગુરબચ્ચનસિંહ ગામમાં કબડ્ડી રમવામાં વધુ સમય વિતાવતા હતા.


કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજમાં દાખલ




ગુરબચ્ચનસિંહે પોતાની સેનામાં જોડાવાની ઇચ્છા પુરી કરવા માટે કમર કસી લીધી હતી. જુલાઈ 1946 માં જ કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજ બેંગલોરમાં દાખલ થવા માટે અરજી કરી દીધી હતી જેના ઉત્તરની રાહ જોઈ રહ્યા હતા. આખરે કિંગ જ્યોર્જ રોયલ મીલીટરી કૉલેજમાંથી ઉત્તર આવી ગયો, કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા આપવાની હતી. ગુરબચ્ચનસિંહે પ્રવેશ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દીધી. આખરે પરિણામ અપેક્ષા મુજબનું જ આવ્યું ગુરબચ્ચનસિંહે લિખિત પરિક્ષા પાસ કરી દીધી હતી. લિખિત પરિક્ષા પાસ થવાથી જ એડમિશન નહોતું મળવાનું એ માટે મેડિકલ પરિક્ષા પણ પાસ કરવાની આવશ્યક હતી અને મેડિકલ પરિક્ષામાં છાતીનું માપ ઓછું હોવાના કારણે ગુરબચ્ચનસિંહ નાપાસ થયા.


નાપાસ થયા નાસીપાસ નહીં છેવટે સફળતા પ્રાપ્ત કરી




કિંગ જ્યોર્જ રોયલ મીલીટરી કૉલેજ બેંગલોરમાં એડમિશન માટે લિખિત પરિક્ષા પાસ કર્યા બાદ મેડિકલ પરિક્ષા છાતીનું માપ ઓછું હોવાના કારણે પસાર ન થતા ગુરબચ્ચનસિંહ નાસીપાસ ન થયા અને તરત જ કસરતો શરૂ કરી દીધી. થોડા અઠવાડિયા કસરત કર્યા બાદ પોતાને પોતાઆ શરીર સૌષ્ઠવ પર વિશ્વાસ બેસતા ફરીથી ઑગસ્ટમાં કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજમાં એડમિશન માટે અરજી કરી. આખરે મહેનત રંગ લાવી અને લિખિત તથા મેડિકલ બંને પરિક્ષા સફળતાપૂર્વક પાર કરી લીધી. હવે ગુરબચ્ચનસિંહ સલારિઆ કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થી બનીને પહોંચી ગયા હતા.


મીલીટરીમાં જોડાઈ ગયા




કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કોલેજમાં અભ્યાસ ચાલુ જ હતો ત્યારે ઑગસ્ટ 1947 માં જ ગુરબચ્ચનસિંહની બદલી જલંધર ખાતે KGRIMC માં કરવામાં આવી. KGRIMC માં સફળતા પ્રાપ્ત કર્યા બાદ ગુરબચ્ચનસિંહ નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ના જોઈન્ટ સર્વિસ વિંગ તરીકે જોડાયા. 1956 ના વર્ષમાં નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માંથી સ્નાતક થયા. નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માંથી સ્નાતક થયા બાદ ઈન્ડીયન મીલીટરી એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. 9 મી જૂન 1957 ગુરબચ્ચનસિંહ સલારીઆએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.


સેનામાં પોસ્ટીંગ


ઈન્ડીયન મીલીટરી એકેડેમીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ગુરબચ્ચનસિંહને 2જી બટાલિયન, 3જી ગોરખા રાઈફલ્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા. થોડા સમય બાદ 1960ના માર્ચ મહિનામાં 3જી બટાલિયન 1લી ગોરખા રાઈફલ્સમાં બદલી કરવામાં આવી. ગુરબચ્ચન સિંહ હવે ભારતીય સેનામાં પોતાના શૌર્ય પરાક્રમ અને સાહસ નિદર્શન કરવા તત્પર હતા. આ દરમિયાન આફ્રિકાના કોંગોમાં કટોકટી ઉભી થઈ.


રિપબ્લિક ઓફ કોંગોની કટોકટી




યુરોપિયન દેશોએ ચલાવેલી લૂંટ તથા ભાગલા પાડો અને રાજ કરોને કારણે જે જે દેશોએ યુરોપિયન દેશોથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી ત્યાં ત્યાં જનતા વચ્ચે વૈમનસ્યના કાયમી બીજ વવાઈ ગયા જે જતા દિવસે જે તે દેશની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક બની ગયા. મોટા ભાગના દેશોમાં આંતરવિગ્રહ, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. આફ્રિકાના નાનકડા દેશ કોંગો સાથે પણ આવું જ બન્યું. જૂન 1960માં કોંગોને બેલ્જિયમથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, બેલ્જિયન સત્તાવાળાઓ જેવા કોંગો છોડીને ગયા કે કોંગોની સેનામાં આંતરિક બળવો ઊભો થયો જે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો. આખા કોંગોમાં શ્વેત અને શ્યામ લોકો વચ્ચે જબરદસ્ત હુલ્લડો ફાટી નીકળ્યા.


ગોરાઓનુ પલાયન અને બેલ્જિયમ સેનાનો સહકાર




રિપબ્લિક ઓફ કોંગો આંતરિક કટોકટીના હિમાલય પર આવી ગયો હતો. શ્વેત અને શ્યામ નાગરિકો એક બીજાના જીવના દુશ્મન બની બેઠા હતા. આ પરિસ્થિતિમાં કોંગોના બે વિસ્તારો કટાંગા તથા દક્ષિણ કાસાઈમાંથી ગોરા લોકોએ સામુહિક પલાયન કરવાની શરૂઆત કરી. સ્થિતિ વણસતી જોઈને બેલ્જિયમે આ બંને વિસ્તારમાં ગોરાઓની સુરક્ષા માટે સૈન્ય મોકલી આપ્યું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગો સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ સહાયતા માટે ધા નાખી.

રિપબ્લિક ઓફ કોંગો એ સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ સહાયતા માંગતા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શાંતિ રક્ષક દળની રચના કરવામાં આવી….


ક્રમશઃ



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *