- પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય
- શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું
- પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા
જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ
મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા જીલ્લાના દાઢ ગામમાં થયો હતો. તેમના પરિવારનું વાતાવરણ સેના અને સેનાની શિસ્ત ધરાવતું હતું, તેમનાં પિતાજી મેજર જનરલ અમરનાથ શર્મા પણ સેનામાં અધિકારી (સેનાની તબીબી સેવાના વડા) હતાં. તેમનાં ભાઈ લેફ્ટેનન્ટ જનરલ સુરીન્દરનાથ શર્મા સેનાના ઈજનેર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને જનરલ વિશ્વનાથ શર્મા 1988-1990 સુધી સેનાના વડા હતાં.
અભ્યાસ અને સૈનિક અકાદમીમાં પ્રવેશ
મેજર સોમનાથ શર્મા નો અભ્યાસ નૈનિતાલ ખાતે શેરવુડ કોલેજમાં કર્યો. ત્યારબાદ તેઓ દહેરાદૂન ખાતેની લશ્કરી અકાદમીમાં જોડાયા.
ભારતીય સેનામાં જોડાયા
22 ફેબ્રુઆરી 1942માં ભારતીય ભૂમિ સેનાની 19મી હૈદરાબાદ રેજિમેન્ટની 8મી બટાલિયનમાં જોડાયાં, પાછળથી 4થી બટાલિયન કુમાઉ રેજિમેન્ટ બની.
મેજર સોમનાથ શર્માએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તત્કાલીન બર્મામાં આરાકાન માટેની લડાઈ માં ભાગ લીધો.
સ્વતંત્રતા બાદ
મેજર સોમનાથ શર્માનો પ્રાથમિક અને સ્વતંત્રતા પહેલાંનો પરિચય આવશ્યક છે. 1947 માં ભારત રાષ્ટ્રનાં વિભાજન સાથે સ્વતંત્ર થયું. સ્વતંત્રતા સાથે જ વિશ્વના નકશા ઉપર એક નવાં અને ભારત સાથે કાયમી દુશ્મનાવટ ધરાવતાં પાકિસ્તાન નામના રાષ્ટ્રનો જન્મ થયો.
પાકિસ્તાનનો ભારત પર હુમલો
તાસિર મુજબ જ પાકિસ્તાને જન્મતાની સાથે જ ભારત સાથે યુદ્ધ છેડી દીધું અને જમ્મુ કાશ્મીર ઉપર કબાઈલીનો હુમલો કરાવ્યો.
સરદાર પટેલની મજબૂત નિર્ણયશક્તિ

સરદાર પટેલની દિર્ઘદ્રષ્ટી અને ત્વરિત તથા મજબૂત નિર્ણયશક્તિના પરિપાક રૂપે ભારતીય સૈન્ય તાત્કાલિક જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયું અને પાકિસ્તાન પ્રેરિત કબાઈલીઓને પાછા ખદેડવાની કાર્યવાહી શરૂ કરી દીધી.
મેજર સોમનાથ શર્માની કંપની શ્રીનગરમાં
31 મી ઓક્ટોબર 1947ના દિવસે મેજર સોમનાથ શર્માની કંપનીને હવાઈ માર્ગે શ્રીનગર મોકલવામાં આવી. મેજર સોમનાથ શર્મા પહેલાથી ઈજાગ્રસ્ત હતાં. હોકીના મેદાનમાં થયેલી ઈજાને કારણે તેમના ડાબા હાથ ઉપર પ્લાસ્ટર લગાવેલું હતું. પરંતુ આ પરમવીરને પોતાની કંપનીનો સાથ જ નહોતો છોડવો જેથી તેમણે ઈજાગ્રસ્ત હાલતમાં પણ કંપની સાથે જવાની પરવાનગી માગી જે તેમને આપવામાં આવી.
બડગામના મોરચા તરફ પ્રયાણ
3જી નવેમ્બર 1947ના દિવસે મેજર સોમનાથ શર્માની કંપની કે જે હવે ડી કંપની, 4થી કુમાઉ રેજિમેન્ટના નામે ઓળખાતી હતી તેને બડગામ ગામ તરફ લડાયક ચોકિયાત તરીકે જવાનો આદેશ મળ્યો.
સ્થાનિક રહેવાસીઓના ઘરમાંથી ફાયરિંગ
ત્રણ કંપનીઓની એક ટુકડીને બડગામ વિસ્તારમાં પેટ્રોલિંગની ડ્યુટી સોંપવામાં આવી હતી. આ ટુકડીની જવાબદારી કામ ઉત્તર ગુલમર્ગ તરફથી દુશ્મનોને રોકવાની હતી. બપોરે 2 વાગ્યા સુધી દુશ્મનો તરફથી કોઈ હિલચાલ ન જણાતા તૈનાત કરવામાં આવેલી ત્રણમાંથી બે ટુકડીઓ શ્રીનગર પરત ફરી. મેજર સોમનાથ શર્માની ટુકડીને બપોરે 3 વાગ્યા સુધી સ્થાન પર રોકાઈ રહેવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ અચાનક જ લગભગ અઢી વાગ્યાના સુમારે મેજર સોમનાથ શર્માની કંપની ઉપર સ્થાનિક રહેવાસીઓના ઘરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું. નિર્દોષ નાગરિકોને ઈજા ન થાય કે તેમને નુકસાન ન થાય તે હેતુથી સામે ગોળીબાર કરવાના ઓર્ડર આપ્યો નહી. આ બધું ચાલતું હતું ત્યાં જ 700 જેટલા કબાઈલીઓના એક ધાડાએ ગુલબર્ગ તરફથી આક્રમણ કરી દીધું.
ગુલમર્ગ તરફથી પાકિસ્તાનીઓનો હુમલો
ગુલમર્ગ બાજુથી આશરે 700 હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોનું ટોળું બડગામ તરફ આગળ વધી રહ્યું હતું જેનાથી મેજર સોમનાથ શર્માની કંપની તદ્દન અજાણ હતી. થોડાક જ સમયમાં કંપની હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો દ્વારા ત્રણ બાજુ થી ઘેરાઈ ગઈ. પરિસ્થિતિ ખરેખર કટોકટી ભરેલી અને મુશ્કેલ હતી. એક તરફ દુશ્મનો ત્રણ બાજુથી મોર્ટાર મારો અને ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ મેજર સોમનાથ શર્માની કંપનીનું કર્તવ્ય બડગામને દુશ્મનોના હાથમાં જતુ રોકવાનું હતું. હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના મોર્ટારમારા અને ગોળીબારને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ થઇ.
વિકટ પરિસ્થિતિ ઉચિત નિર્ણય
આવી વિકટ પરિસ્થિતિમાં નિર્ણય શક્તિ અને રાષ્ટ્રને ફરીથી નહીં તુટવા દેવાની અદમ્ય લાગણી, રાષ્ટ્રભક્તિ જ ઉપયોગી સાબિત થાય, અને આ બંન્ને બાબતે મેજર સોમનાથ શર્મા અવ્વલ હતાં.
એક તરફ હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના મોર્ટારમારા અને ગોળીબારથી સાથીઓ જીવન ગુમાવી રહ્યા છે.
સ્થાન જાળવી રાખવાનો બાહોશ નિર્ણય

મેજર સોમનાથ શર્મા તેમનું સ્થાન ગુમાવે તો શ્રીનગર શહેર અને એરપોર્ટ બંને જોખમમાં આવી પડે ત્યારે ભારત માતાના આ પરમવીર સપૂતે પોતાનું સ્થાન જાળવી રાખવાનો નિર્ણય લીધો. સામે પક્ષે ભારે ગોળીબાર ચાલુ હોવા છતાં મેજર સોમનાથ શર્મા પ્રત્યેક સૈનિકને લડવા માટે અને હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોને ખદેડી મુકવા માટે પ્રેરિત કરતાં રહ્યાં એ પણ ત્યારે જ્યારે તેમની પાસે સાત દુશ્મન સામે એક જ સૈનિક હતો.
એક ચોકી થી બીજી ચોકી વચ્ચે સાહસિક દોડધામ
દરેક સૈનિકને પ્રેરણા આપતાં આપતાં મેજર સોમનાથ શર્મા એક ચોકીથી બીજી ચોકી અવિરત, લગાતાર દોડતાં રહ્યા. યાદ રહે મેજર સોમનાથ શર્માનો ડાબો હાથ ઈજાગ્રસ્ત હોઈ પ્લાસ્ટરમાં હજુ લપેટાયેલો જ હતો.
સૈનિકોની ઓછી સંખ્યા
સામે પક્ષે હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોની ભારે સંખ્યા અને આ તરફ મોટા પ્રમાણમાં કંપનીના સૈનિકોનું બલિદાન. કંપનીનું સંખ્યાબળ સતત ઘટતું જઈ રહ્યું છે ત્યારે મેજર સોમનાથ શર્માના ધ્યાનમાં આવ્યું કે કંપનીની ગોળીબાર કરવાની ક્ષમતાને નકારાત્મક અસર પડી રહી છે અને એને તાત્કાલિક સુધારવાની જરૂર છે.
ઈજાગ્રસ્ત હોવા છતાં મેગેઝિનમાં ગોળીઓ ભરવા લાગી ગયા
આ ભારત માતાના પરમવીર સપૂતે પોતાના એક હાથમાં ઈજા અને પ્લાસ્ટર લગાવેલું હોવાં છતાં પોતે મેગેઝીનમાં ગોળીઓ ભરવાનું અને સૈનિકોને આપવાનું ચાલુ કર્યું.
દુશ્મનોનો ગોળો જીવલેણ સાબિત થયો
જ્યારે મેજર સોમનાથ શર્મા હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે લડવામાં આંખ મીંચીને વ્યસ્ત હતા ત્યારે જ દુશ્મનોના મોર્ટારનો ગોળો એમની નજીકના પોતાના જ ગોળબારૂદ ઉપર પડ્યો. મેજર સોમનાથ શર્મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.
બ્રિગેડ મુખ્યાલયને અંતિમ સંદેશ
ભારતીના આ પરમવીર સપૂતે, એ જીવલેણ પરિસ્થિતિમાં પણ બ્રિગેડ મુખ્યાલયને આખરી સંદેશો મોકલ્યો જે આ હતો ” દુશ્મનો અમારાથી 40 મીટર જ દૂર છે, અમારી સંખ્યા તેમની સરખામણીમાં ખુબજ ઓછી છે. અમારા ઉપર ખુબ ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. હું એક ઈંચ પણ પાછળ નહીં હટું અને છેલ્લા માણસ, છેલ્લા શ્વાસ તથા છેલ્લી ગોળી સુધી લડીશ.”
પરમવીરની વીરગતિ
3 જી નવેમ્બર 1947ના દિવસે ભારત માતા નાં આ પરમવીર સપૂતે રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું.
મેજર સોમનાથ શર્માના સંદેશનો પડઘો
મેજર સોમનાથ શર્માના છેલ્લા સંદેશા પછી જ્યારે તેમની મદદે 1લી કુમાઉ કંપની તેમનાં સુધી પહોંચી ત્યારે તમામ ચોકીઓ ઉપર હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોએ કબ્જો કરી લીધો હતો પરંતુ હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના 700 સાથીઓને મેજર સોમનાથ શર્માની કંપનીએ મોતને ઘાટ ઉતારી દીધા હતા જેના કારણે હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના ઉત્સાહને મરણતોલ ફટકો પડયો હતો.
ભારતીય સૈનિકોના મરણતોલ ફટકાની અસર
ભારતીય જાંબાઝ સૈનિકોએ મારેલા મરણતોલ ફટકાથી હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો આગળ વધી શક્યા નહીં અને તેના કારણે ભારતીય સૈનિકોને શ્રીનગર હવાઈ મથક ઉપર હવાઈ માર્ગે આવવા માટેનો તથા શ્રીનગર શહેરમાં આવવાના તમામ માર્ગો બંધ કરવાનો સમય મળી ગયો.
અને શ્રીનગર બચાવી લેવાયું
આ રીતે પોતાના જીવનની ચિંતા કર્યા વગર ભારત માતાના આ પરમવીર સપૂત મેજર સોમનાથ શર્મા એ શ્રીનગરને હુમલાખોર પાકિસ્તાની દુશ્મનોના હાથમાં જતાં બચાવ્યું, વ્યૂહાત્મક રીતે જોઈએ તો સમગ્ર કાશ્મીર ખીણને પણ ભારતમાંથી છુટી પડતાં બચાવી.
પરમવીર ચક્રથી સન્માનિત
બડગામની આ લડાઈમાં મેજર સોમનાથ શર્માએ દર્શાવેલા અપ્રતિમ સાહસ, બાહોશી, વીરતા તથા બહાદુરીને માટે તેમને 21 જૂન 1950ના દિવસે પરમવીર ચક્રથી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યા.