- રાજ્ય ચૂંટણી આયોગે 5 મહાનગરપાલિકા , 6 નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતમાં નવું સીમાંકન, નવા વોર્ડની રચના અને બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવી.
- આ જાહેરાત બાદ નવેમ્બરમાં નક્કી સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની સંભાવના વધી ગઈ છે.
- જુદા જુદા પક્ષના ટિકિટવાંછુઓ દોડતાં થયા.
રાજ્ય ચૂંટણી આયોગ (Election Commission) દ્વારા ચાલુ વર્ષના અંત ભાગમાં મનપાની ચૂંટણી યોજવાની કવાયત હવે શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (surat), રાજકોટ (Rajkot) અને ભાવનગર (Bhavnagar) સહિત મનપામાં નવું સીમાંકન જાહેર કરાયું છે. આ ઉપરાંત છ નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત, 29 તાલુકા પંચાયતમાં નવું સીમાંકન અને નવા વોર્ડની રચના તથા બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની નવી સ્થિતિ
અમદાવાદ મનપામાં (AMC) કુલ 48 વોર્ડ રહેશે. જ્યારે તેમાં 192 બેઠક રહેશે. આ બેઠકોમાં 116 બેઠક અનામત રહેશે. જ્યારે 76 બેઠક સામાન્ય બેઠક રહેશે. નવા સીમાંકન મુજબ અમદાવાદ મનપામાં 20 બેઠક અનુ. જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે 2 બેઠક અનુ. આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે. તો પછાત વર્ગ માટે 19 બેઠક અનામત રાખવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાની નવી સ્થિતિ>
વડોદરા મનપામાં (VMC) નવા સીમાંકન મુજબ કુલ વોર્ડની સંખ્યા 13 રહેશે. જ્યારે તેમાં કુલ 52 બેઠક પર ચૂંટણી (Election) યોજાશે. 52 પૈકી 29 અનામત બેઠક અને સામાન્ય બેઠક 23 રહેશે. આ બેઠકો પૈકી અનુ. જાતિ માટે 3 બેઠક, પછાત વર્ગ માટે 5 બેઠક અનામત રહેશે.
સુરત મહાનગરપાલિકાની નવી સ્થિતિ
ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ સુરત મનપામાં 30 વોર્ડમાં 120 બેઠક રહેશે. જેમાંથી 51 બેઠક સામાન્ય અને 69 બેઠક અનામત રહેશે. નવા સીમાંકન મુજબ સુરત મનપામાં 3 બેઠક અનુ. જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે 4 બેઠક અનુ. આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 12 બેઠક અનામત રાખવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની નવી સ્થિતિ
રાજકોટ મનપામાં (RMC) નવા સીમાંકન મુજબ હવે 18 વોર્ડ રહેશે. જ્યારે તેમાં 72 બેઠક નક્કી કરવામાં આવી છે. આ 72 બેઠક પૈકી કુલ 41 બેઠક અનામત રહેશે. જ્યારે 31 બેઠક સામાન્ય રહેશે. આ ઉપરાંત 5 બેઠક અનુ.જાતિ માટે, 1 બેઠક અનુ.આદિજાતિ માટે અને 7 બેઠક પછાત વર્ગ માટે અનામત રાખવાની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકાની નવી સ્થિતિ
ભાવનગર મનપા માટે 13 વોર્ડમાં 52 બેઠકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 29 બેઠક અનામત અને 23 બેઠક સામાન્ય રહેશે. આ તમામ બેઠકો પૈકી 3 બેઠક અનુ.જાતિ માટે અને પછાત વર્ગ માટે 5 બેઠક અનામત રહેશે.