- 29 ઓગસ્ટના શનિવારના દિવસે છે મોહર્રમ
- કોરોનાના કારણે સુપ્રીમેં તાજીયાની અરજી ફગાવી, રથયાત્રાનું ઉદાહરણ ફગાવ્યું
- “પૂરીની રથયાત્રા એક જ શહેરમાં ચોક્કસ વિસ્તારમાં હતી, તમે આખા દેશમાં તાજિયાના જુલુસ કાઢવા માગો છો” : ચીફ જસ્ટિસ
સુપ્રીમકોર્ટે કહ્યું કે એક સમાજ માટે આખા દેશના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી શકીએ નહીં
સુપ્રીમ કોર્ટે દેશમાં મોહર્રમના તાજીયા કાઢવા માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દેતાં જણાવ્યું કે કોરોનાના આ કપરાકાળમાં તાજીયાને મંજૂરી આપવામાં આવશે તો સમગ્ર દેશમાં અરાજક્તા ફેલાશે અને એક સમાજને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.
કોર્ટે અરજદારે રથયાત્રાને અપાયેલી મંજૂરીનું ઉદાહરણ પણ ફગાવી દીધું હતું. સુપ્રીમે કહ્યું કે તે અનેક લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં નાંખે તેવો આદેશ નહીં આપે. સુપ્રીમ કોર્ટે લખનઉ સ્થિત અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.
શિયા નેતા સૈયદ કલ્બે જવાદે દેશભરમાં તાજીયા કાઢવા માટે કરી હતી અરજી
મોહર્રમના તાજીયા કાઢવા માટે મંજૂરી માગતી અરજી ગુરૂવારે ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેનાથી અરાજક્તા ફેલાઈ શકે છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યું કે, સમગ્ર દેશમાં મુહર્રમ પર તાજીયા કાઢવાની મંજૂરી આપવામાં આવે તો એક સમાજને કોરોના મહામારી ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે અને અમે તેમ ઈચ્છતા નથી.
સુપ્રીમ કોર્ટ આખા દેશ માટે એક ‘સામાન્ય’ આદેશ કેવી રીતે આપી શકે તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, ન્યાયાધીશો એએસ બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમને સમાવતી બેન્ચ સમક્ષ ઉત્તર પ્રદેશના શિયા નેતા સૈયદ કલ્બે જવાદની અરજી પર સુનાવણી થઈ રહી હતી.
જોકે, કોર્ટે અરજદારને લખનઉમાં મર્યાદિત લોકો સાથે તાજીયા કાઢવાની મંજૂરી મેળવવા હાઈકોર્ટનો સંપર્ક સાધવાનું જણાવતાં તેમની અરજી પાછી ખેંચવા મંજૂરી આપી હતી. આ વર્ષે 29મી ઑગસ્ટને શનિવારે મુહર્રમ મનાવાશે.
મુખ્ય ન્યાયાધીશે શુ કહ્યું?
અરજદારે શનિવાર અને રવિવારે સમગ્ર દેશમાં મુહર્રમના તાજીયા કાઢવાની મંજૂરી માગી હતી. આ માટે અરજદારે સુપ્રીમ કોર્ટે ઓડિશામાં રથયાત્રાને મંજૂરી આપવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. જોકે, રથયાત્રાનું ઉદાહરણ ફાગવતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે પૂરી જગન્નાથ યાત્રાનો સંદર્ભ આપી રહ્યા છો પરંતુ પૂરીની જગન્નાથ રથયાત્રા એક જ જગ્યા પર અને એક જ રૂટ પર નિશ્ચિત હતી, જ્યાં રથને એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જવાનું હતું. આવા કિસ્સામાં અમે જોખમનું આકલન કરીને આદેશ આપ્યો હતો. જોકે, આ કેસમાં પણ પૂરી સિવાય રાજ્યમાં બીજે ક્યાંય પણ રથયાત્રાને મંજૂરી નહોતી અપાઈ.
મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, તમારા કિસ્સામાં તકલીફ એ છે કે તમે સમગ્ર દેશમાં તાજીયા માટે મંજૂરી માગી રહ્યા છો. જો તમે એક જગ્યા માટે મંજૂરી માગી હોત તો અમે તેના જોખમોનું આકલન કરી શક્યા હોત.
મુખ્ય ન્યાયાધીશે ત્યાં સુધી કહી દીધું કે, અમે એક સમાજ માટે આખા દેશના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં નાંખી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં મંજૂરીની મુશ્કેલીઓ અંગે જણાવતા કહ્યું કે રાજ્ય સરકારો પણ આ અરજીની તરફેણમાં નથી.