સૈફ અલી ખાનના ઘર પર થયેલા હુમલા અને હુમલાખોર વિશે ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે સાથે સાથે મુંબઈ પોલીસ ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સૈફ અલી ખાનના ઘર પર થયેલા આ હુમલાની તપાસ માટે 35 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી અને એન્કાઉન્ટર નિષ્ણાત દયા નાયકને કમાન સોંપવામાં આવી હતી. રવિવારે વહેલી સવારે 15 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યે સૈફ પર થયેલા હુમલામાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપીની થાણેથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની બાજુમાં આવેલા થાણેના કાસરવડાવલીમાં હિરાનંદાની એસ્ટેટની પાછળની ઝાડીઓમાંથી મુંબઈ પોલીસે આરોપીને પકડ્યો છે. પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ધરપકડ કરાયેલ આરોપી એ જ હતો જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી અહીં આવીને કામદારો વચ્ચે રોકાયો હતો. તે એક વર્ષ પહેલા અહીં કામ કરતો હતો.
હુમલાખોર આરોપીનું નામ મોહમ્મદ અલીયાન ઉર્ફે બી.જે છે. પૂછપરછ દરમિયાન તેણે પહેલા પોલીસને તેનું નકલી નામ વિજય દાસ જણાવ્યું હતું. આરોપી થાણેમાં રિકીઝ બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું કહેવાય છે.
આ પહેલા શનિવારે મુંબઈ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલામાં વપરાયેલ ચાકુનો એક ભાગ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ચાકુ સૈફ અલી ખાનના ઘરે બાળકોના રૂમમાંથી મળી આવ્યું હતું. પોલીસે ચાકુ ફોરેન્સિક તપાસ અને ફિંગર પ્રિન્ટ માટે મોકલી આપી છે.
Press briefing regarding Bandra assault case will be held on 19/01/2025 at DCP zone IX office at 9 am: Mumbai Police https://t.co/HyE8wE5dYQ
— ANI (@ANI) January 18, 2025
પોલીસે હુમલા બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લઈ જનારા ઓટો-રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાને પણ શોધી કાઢ્યો છે અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. કરીના કપૂરે પણ આ મામલે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કરીનાએ કહ્યું કે હુમલો થતાં જ તેણે તેના બાળકો તૈમૂર, જેહ અને તેના નોકરને સુરક્ષા માટે 12મા માળે મોકલી દીધા. કરીના કપૂરે કહ્યું કે હુમલાખોરે તેના ઘરમાંથી કંઈ ચોરી નથી કરી.
અભિનેત્રી અને સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે કહ્યું કે હુમલાખોર અત્યંત આક્રમક હતો અને વારંવાર સૈફને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હતો, જ્યારે સૈફે બહાદુરીથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા પછી, કરીના કપૂરને સુરક્ષા માટે તેની બહેન કરિશ્મા કપૂરના ઘરે લઈ જવામાં આવી હતી.
શનિવારે સાંજે સમાચાર આવ્યા કે પોલીસે સૈફ હુમલા કેસમાં છત્તીસગઢના એક શકમંદની ઓળખ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે શંકાસ્પદનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે. આ પછી જ તેની પુષ્ટિ થશે કે તે આરોપી છે કે નહીં. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ શનિવારે બપોરે છત્તીસગઢના દુર્ગ રેલવે સ્ટેશન પરથી એક શંકાસ્પદની અટકાયત કરી હતી. શંકાસ્પદ વ્યક્તિની તસવીર મુંબઈ પોલીસે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે શેર કરી હતી. શકમંદ મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) થી કોલકાતા શાલીમાર વચ્ચે ચાલતી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો.
મુંબઈ પોલીસે બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ વ્યક્તિ, આકાશ કૈલાશ કનોજિયા (31), હજુ પણ શંકાસ્પદ છે. તેમણે કહ્યું કે યોગ્ય ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે હવે આરોપીની ધરપકડ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કૈલાશ આરોપી નથી.
અગાઉ શુક્રવારે, એક સુથારની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તે અભિનેતાના મકાનમાંથી સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હુમલાખોરના સ્ક્રીનગ્રેબને મળતો આવતો હતો. જો કે બાદમાં તેનો ગુના સાથે કોઈ સંબંધ ન હોવાનું જાણવા મળતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.
લીલાવતી હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનની સારવાર કરી રહેલા ડોકટરોના જણાવ્યા અનુસાર, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવી શકે છે.